વલસાડના સંજાણમાં નવ નિર્મિત ફ્લાય ઓવર બ્રિજમાં ગેરરીતિનો આક્ષેપ થયો છે; ઉદ્ઘાટન પહેલા જ બ્રિજમાંથી ગાબડા પડવાની શરૂઆત થતાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપર્યુ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
વલસાડમાં ઉદ્ઘાટન પહેલા જ બ્રિજમાં ગાબડા
70 કરોડથી વધુનો ખર્ચ છતાં ગાબડા?
મંગલમ બિલ્ડકોન સામે અનેક સવાલ
રાજ્યના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા નવા બ્રિજના કામમાં વ્યાપક રીતે ગેરરીતિ આચાવામાં આવી હોવાના અનેક આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે વધુ એક આક્ષેપ વલસાડના ઉમરગામનો સામે આવ્યો છે. જ્યા નવો રેલવે ઓવર બ્રિજ વિવાદમાં ઘેરાયો છે. આ નવા બ્રિજનું કામ પૂર્ણ થવાના આરે છે અને આ નવા પુલનું ઉદ્ઘાટન પણ હજુ બાકી છે. જોકે ઉદ્ઘાટન પહેલા જ આ નવા નિર્માણાધિન બ્રિજમાંથી ગાબડા પડવાની શરૂઆત થતાં જ બ્રિજના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે એજન્સીએ હાલ બ્રિજને ધીગાડા મારવાનું શરુ કર્યું છે. જોકે સ્થાનિક લોકો આ બાબતે સંપૂર્ણ નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે.
ઉદ્ઘાટન પહેલા જ ગાબડા પડવાની શરૂઆત થઈ
બિપોરજોય વાવાઝોડાની બોલબાલા વચ્ચે વલસાડના સંજાણમાં 70 કરોડથી વધુના ખર્ચે બની રહેલા નવા રેલવે ઓવર બ્રિજમાં ઉદ્ઘાટન પહેલા જ ગાબડા પડવાની શરૂઆત થઈ છે. આથી બ્રીજના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપો થઈ રહ્યા છે. નવા બની રહેલા બ્રિજમાં ઉદ્ઘાટન પહેલા જ પોપડા ખરવાની શરૂઆત થતાં ઉમરગામના સ્થાનિક અગ્રણીઓ સહીત પૂર્વ મંત્રી અને ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકર બ્રિજ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. સંજાણ રેલવે ક્રોસિંગ પર બનાવવામાં આવેલો આ રેલવે ઓવરબ્રીજ અંકલેશ્વરની મંગલમ બિલ્ડકોન નામની એજન્સી દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. રૂપિયા 70 કરોડથી વધુના ખર્ચે બની રહેલા આ પૂલનું કામ પૂરું થઈ રહ્યું છે જોકે હજુ પુલનું ઉદ્ઘાટન બાકી છે. એવા સમયે ઉદ્ઘાટન પહેલા જ બ્રિજનો કેટલોક ભાગ ખરી પડતા હલકી ગુણવત્તાનું મટેરિયલ વાપરવામાં આવ્યું હોવાનું ચર્ચા જાગી છે. બ્રિજના પોપડાઓને કારણે બ્રિજના કામમાં વ્યાપક ગેરરીથી આચરવામાં આવી હોવાનું લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. નવા બ્રિજના કામમાં જ ગેરરીતી ધ્યાને આવતા લોકોમાં રોષ છે. આ બ્રિજના કામની ગુણવત્તા તપાસી કસૂરવાર કોન્ટ્રાકટર એજન્સી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.
ગુણવત્તા સામે લોકો સવાલ કરી રહ્યાં છે
આ ફાટક પરથી રોજિંદા હજારો લોકો અવરજવર કરે છે. જોકે તેમ છતાં આ નવો ઓવર બ્રિજ ચાલુ થાય અને ઉદ્ઘાટન કરી અને ખુલ્લો મુકાય એ પહેલાં જ રેલવે ફાટક બંધ કરી દેવામાં આવતા સ્થાનિક લોકોને મોટી મુશ્કેલી પડી રહી છે. બ્રિજના કામમાં વ્યાપક ગેરરીતિ થઈ હોવાનું ધ્યાને આવતા અને બ્રિજમાંથી પોપડા ખરવાની શરૂઆત થતાં કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા હજુ આ મામલે તપાસ થાયએ પહેલાં જ ગેરરીતી છુપાવવા માટે બ્રીજના જે ભાગમાંથી પોપડા ખરી અને ગાબડા પડ્યા હતા તે સાઈડનો આખો સ્લેબ તોડી અને નવો બનાવવામાં આવી રહ્યો છે. જોકે કોન્ટ્રાક્ટર એજન્સી માત્ર એક જ સ્લેબ તોડી અને તેને નવો બનાવી રહી છે ત્યારે 1 km થી વધુ લાંબા આ બ્રિજના અન્ય સ્લેબોની ગુણવત્તા સામે પણ લોકો સવાલ કરી રહ્યા છે.