Rajasthan News: નદીમાં સ્નાન કરી રહેલા યુવક પર મગરે હુમલો કર્યો, યુવકની પત્ની ઘાટ પર જ હાજર હોઇ તેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને પતિને બચાવ્યો
રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે વહેતી ચંબલ નદીમાં મગરનો યુવક પર હુમલો
પતિને બચાવવા બાહોશ પત્નિ લાકડી લઈ મગર પર તૂટી પડી
ગંભીર રીતે ઘવાયેલા યુવકની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર
રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે વહેતી ચંબલ નદીમાં મોટી સંખ્યામાં મગર વસવાટ કરે છે. તેઓ દરરોજ કોઈને કોઈ પ્રાણી કે કોઈ માણસ પર હુમલો કરતા આવ્યા છે. આ તરફ નદીમાં સ્નાન કરી રહેલા યુવક પર ફરી એકવાર મગરે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે યુવકની પત્ની ઘાટ પર જ હાજર હોઇ તેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને પતિને બચાવ્યો હતો. આ તરફ ગંભીર રીતે ઘવાયેલા યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
કરૌલી જિલ્લાના મંડરાલ નજીક વહેતી ચંબલ નદીના કૈમ કચ્છ ગામના ઘાટ પાસે મંગળવારે બપોરે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. વાત જાણે એમ છે કે, ગામમાં રહેતા 30 વર્ષીય બને સિંહ કેદાર મીના તેની પત્ની વિમલ સાથે બકરીઓ ચરાવવા નદી કિનારે ગયો હતો. ગરમીના કારણે તે નદીમાં ન્હાવા ગયો અને વિમલે કાંઠે બકરા ચરાવવાનું શરૂ કર્યું.
અચાનક મગરે કર્યો હુમલો
બને સિંહ જ્યારે નદીમાં સ્નાન કરી રહ્યો હતો ત્યારે અચાનક મગરે તેના પર હુમલો કર્યો હતો. મગરે બને સિંહનો પગ તેના જડબામાં દબાવ્યો અને તેને પાણીમાં ખેંચવા લાગ્યો. આ તરફ બને સિંહે જોરથી બૂમો પાડવા લગતા વિમલ ડરી ગઇ હતી. જેને લઈ બને સિંહની પત્નિએ મદદ માટે બૂમાબૂમ કરી પરંતુ ત્યાં આસપાસ કોઈ નહોતું.
વિમલે લાકડી વડે મગરને માર્યો
આ તરફ પતિની હાલત જોઈને ઘડીભરનો વિમલનો આત્મા કંપી ગયો, પરંતુ હિંમત બતાવીને તેણે હાથમાં લાકડી લઈને નદીમાં કૂદી પડી અને પૂરી તાકાતથી મગરના મોં અને પગ પર મારવાનું શરૂ કર્યું. લગભગ 5 મિનિટ સુધી તેણીએ સતત મગર પર લાકડીઓ વરસાવી. અહીં પતિ પીડાથી ચીસો પાડી રહ્યો હતો. પતિનો જીવ બચાવવા વિમલે પોતાની તમામ શક્તિનો ઉપયોગ કરીને લાકડી વડે મગર પર હુમલો કર્યો. પરિણામે, મગરે બને સિંહનો પગ છોડ્યો અને પાછો પાણીમાં જતો રહ્યો હતો.
બને સિંહની હોસ્પિટલમાં સારવાર ચાલુ
આ તરફ ઘટના બાદ બનેને મંડરાયલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ઇજાની ગંભીરતાને જોતા તેને કરૌલી જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો અને હાલ તેની સારવાર ચાલી રહી છે. ત્યારે આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ છે. બીજજી તરફ બને સિંહની પત્નિ વિમલના વખાણ થઈ રહ્યા છે. આ સાથે બને સિંહની પત્ની વિમલે બતાવેલી હિંમતની હવે આખા ગામમાં પ્રશંસા થઈ રહી છે.