ગુજરાતના ત્રણ આંદોનકારી પૈકીની વધુ એક નેતા એટલે અલ્પેશ ઠાકોર. હાર્દિક પટેલના પાટીદાર આંદોલન બાદ એક નવું OBC આંદોલન ચાલુ થયું. અને આ આંદોલનનો હીરો બન્યો અલ્પેશ ઠાકોર. અલ્પેશ ઠાકોર પહેલા તો OBC એક્તાનો વાત કરતો હતો પરંતુ બાદમાં ઠાકાર સમાજના હિતની વાત કરી શરૂ કરીને ઠાકોર સેનાની સ્થાપના કરી. વ્યસન મુક્તિના નામે આંદોલન કરી અલ્પેશ કોંગ્રેસનો ધારાસભ્ય બની ગયો. અને થોડા સમય પહેલા કોંગ્રેસને રામ રામ પણ કહી દીધા.
રાહુલ ગાંધીની હાજરીમાં જોડાયા કોંગ્રેસમાં
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં અલ્પેશ કોંગ્રેસમાં સામિલ થઈ ગયો અને જાહેર સભાને સંબોધતા અલ્પેશે કોંગ્રેસ અને રાહુલ ગાંધીના વખાણ કર્યા જ્યારે ભાજપ પર નિશાન સાધ્યું. તો 2019ની લોકસભા ચૂંટણીના થોડા સમય પહેલા અલ્પેશ કોંગ્રેસને રામ રામ કહી રહ્યો છે અને કોંગ્રેસ પાર્ટીને આડે હાથ લઈ રહ્યો છે.
2017ની ચૂંટણી દરમિયાન અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને જીતાડવા માટે કમરતોડ મહેનત કરી હતી. તો પોતાની ઠાકોર સેનાના લોકોને અનેક ટિકિટો પણ અપાવી હતી. 2017માં અલ્પેશે પોતાના કેટલાક લોકોને ટિકિટ અપાવી હતી. તેમાંથી બેચરાજીથી ભરતજી ઠાકોર, બાયડથી ધવલસિંહ ઝાલા અને રાધનપુરથી પોતે વિજેતા બન્યા હતા.
2017માં કોંગ્રેસને કરાવ્યો ફાયદો
2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન અલ્પેશે કોંગ્રેસને જીતાડવા માટે ઘણી મહેનત કરી હતી. જ્યાં ઠાકોર સમાજની બહૂમતિ છે તેવા વિસ્તારમાં અલ્પેશ અનેક સભાઓ ગજવી અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફાયદો કરાવ્યો.
ઠાકોર સમાજના જે થોડા ઘણા મત ભાજપ તરફ વળ્યા હતા તેને ફરી કોંગ્રેસમાં વાળવા માટે અલ્પેશે મોટો રોલ ભજવ્યો. અને તેનો ફાયદો પણ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને જોવા મળ્યો. 2017માં ભાજપ માત્ર 99 બેઠક પર સમેટાઈ ગઈ હતી.
આપણે વાત કરી અલ્પેશ ઠાકોરની 2017ની. પરંતુ હાલ 2019માં અલ્પેશ ક્યાં છે. તે પણ સમજવું જરૂરી છે. અલ્પેશે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનો ખેસ છોડી દીધો. જો કે તેણે પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું ન આપ્યું. માત્ર કોંગ્રેસના પદો પરથી જ રાજીનામું આપ્યું. રાજીનામું કેમ આપ્યું ?. તેનું કારણ આપતા અલ્પેશે કહ્યું હતું કે તેમના માટે કોંગ્રેસ પાર્ટીથી વધારે ઠાકોર સેના છે અને કોંગ્રેસ ઠાકોર સેનાના કાર્યકરોનું સાંભળતી નથી.
તેવા અનેક આક્ષેપ લગાવ્યા હતા. જો કે સુત્રોનું માનીએ તો અલ્પેશને કોંગ્રેસ પાસેથી લોકસભાની કેટલીક ટિકિટો જોઈતી હતી..પરંતુ કોંગ્રેસ તે આપવા માટે તૈયાર ન થઈ. તો આક્ષેપો એવા પણ લાગ્યા કે અલ્પેશ ભાજપના એજન્ટ તરીકે કામ કરતા હતા.
2019માં કોંગ્રેસને અલવિદા
જે અલ્પેશ 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા હોંશે હોંશે કોંગ્રેસમાં સામિલ થયા હતા અને કોંગ્રેસના વખાણ કરતા થાકતો ન હતો તે જ અલ્પેશ 2019ની ચૂંટણી પહેલા કોંગ્રેસ પર જ પ્રહારો કરવા લાગ્યો. જે અલ્પેશ કોંગ્રેસ માટે અનેક સભાઓ ગજવતો હતો તે જ અલ્પેશે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર માટે એક પણ સભા ન ગજવી. અને બનાસકાંઠામાં ઠાકોર સેનાના અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર માટે પ્રચાર કર્યો. જેનો સીધો ફાયદો ભાજપને થવાનો છે.
હાલ અલ્પેશ ઠાકોર પોતે કહી રહ્યા છે કે હું કોઈ પાર્ટીમાં જવાનો નથી. અને મારા સમાજની સેવા કરવાનો છું. પરંતુ સત્તા એવી વસ્તુ છે કે જેનો સ્વાદ ચાખ્યા બાદ રહી શકાતું નથી. તેમ અલ્પેશ ઠાકોર હવે કોઈ પાર્ટીમાં સામિલ થાય તો નવાઈ નહીં. કારણ કે હવે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે. ત્યારે કદાચ અલ્પેશ ઠાકોર થોડા સમયમાં મંત્રી અલ્પેશ ઠાકોર બની જાય તો પણ નવાઈ પામવા જેવું નથી.
ભાજપને થઇ શકે મોટો ફાયદો
અલ્પેશને કારણે ઉત્તર ગુજરાતમાં ભાજપને મોટો ફાયદો થઈ શકે તેમ છે. કારણ કે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ અને પાટીદાર સમાજ બહૂમતિમાં છે. પાટીદાર સમાજ ભાજપ સાથે છે. અને ઠાકોર સમાજ કોંગ્રેસ સાથે.
પરંતુ જો અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ જાય તો ભાજપને કોંગ્રેસની પરંપરાગત મતબેંક તોડવામાં થોડી સફળતા મળી શકે છે. તેથી આગામી સમયમાં પ્લાન ગોઠવાઈ ગયો છે. ત્યારે જોવું રહ્યું કે અલ્પેશ ભાજપમાં જોડાય છે કે નહીં.