બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Vibrant Gujarat Vibrant District programs were held in 32 districts

VGVD 2024 / 45 હજાર કરોડના કુલ 2614 MoU, 1.70 લાખથી વધુ રોજગારી ઉભી થશે, 32 જિલ્લાઓમાં વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટના કાર્યક્રમો યોજાયા

Kishor

Last Updated: 06:45 PM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ભાગરૂપે ગુજરાતના 32 જિલ્લાઓમાં વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ યોજાયો છે. જે કાર્યક્રમમાં 45 હજાર કરોડથી વધુના પ્રસ્તાવિત રોકાણો સાથે કુલ 2614 એમઓયુ થયા છે.

  • ગુજરાતના 32 જિલ્લાઓમાં વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ યોજાયો
  • 45 હજાર કરોડથી વધુના પ્રસ્તાવિત રોકાણો સાથે કુલ 2614 એમઓયુ
  • જિલ્લાઓમાં થયેલા એમઓયુથી 1,70,883 રોજગારીઓ ઊભી થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ આગામી 10થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન રાજ્યમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ યોજાવા જઇ રહ્યું છે. આ 10મી વાયબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં 2 ઓક્ટોબરથી ‘વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ’ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર, 2023 એટલે કે ગાંધીજયંતીથી સરદાર પટેલ જયંતી દરમિયાન રાજ્યના કુલ 32 જિલ્લાઓમાં વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

ગુજરાતના 32 જિલ્લાઓમાં ₹45 હજાર કરોડથી વધુના સંભવિત રોકાણો સાથે કુલ 2614 એમઓયુ થયા છે. ઓક્ટોબર મહિના દરમિયાન ગુજરાતના 32 જિલ્લાઓમાં યોજાયેલા વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમો દરમિયાન ₹45,603.71 કરોડના પ્રસ્તાવિત રોકાણો સાથે કુલ 2614 એમઓયુ કરવામાં આવ્યા છે. આ એમઓયુ થકી રાજ્યમાં 1,70,883 જેટલી સંભવિત રોજગારીઓ ઉત્પન્ન થશે.

રાજ્યના તાપી જિલ્લાથી શરૂ થયો વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ

2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતીના દિવસે ગુજરાતના તાપી જિલ્લાથી વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ત્યારબાદ, ક્રમવાર રાજ્યના તમામ જિલ્લાઓમાં આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં આયોજિત વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વિકસિત ભારત @2047’ નું જે વિઝન આપ્યું છે, તેમાં ગુજરાતનો દરેક જિલ્લો પોતાનું યોગદાન આપીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં ખભે ખભો મિલાવીને ઊભો રહેવાનો છે. મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે જિલ્લા સ્તરે ઉદ્યોગકારો-રોકાણકારોમાં પાર્ટિસિપેશન અને ઓનરશિપની ભાવનાથી વાયબ્રન્ટ સમિટને બ્રાન્ડિંગ અને બોન્ડિંગ બંને માટે સક્ષમ મંચ મળે છે. 

વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ

ગુજરાત સરકારના વિવિધ મંત્રીઓ પણ વિવિધ જિલ્લાઓમાં આયોજિત વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં જોડાયા હતા. રાજ્યના મહેસાણા, પાટણ, અમદાવાદ અને બનાસકાંઠા જિલ્લામાં આયોજિત કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત; અમદાવાદ તેમજ ખેડા (નડિયાદ) જિલ્લામાં આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ; મોરબી, કચ્છ અને આણંદ જિલ્લાઓમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્ય ઉદ્યોગ (MSMEs) રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા; વડોદરા જિલ્લામાં ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવી; દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાઓમાં આદિજાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ ડિંડોર,  મહીસાગર જિલ્લામાં પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી  બચુભાઈ ખાબડ, 
ભાવનગર, બોટાદ અને રાજકોટ જિલ્લાઓમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા; દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાઓમાં જળસંપત્તિ અને પાણી પુરવઠા તેમજ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા; સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાઓમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા; વલસાડ અને નવસારી જિલ્લાઓમાં નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ,
 
જૂનાગઢ અને રાજકોટ જિલ્લાઓમાં કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલ; સુરત જિલ્લામાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રીમુકેશભાઈ પટેલ; ડાંગ અને ભરૂચ જિલ્લાઓમાં આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ અને નર્મદા જિલ્લામાં અન્ન અને નાગરિક પુરવઠા તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમાર વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમોમાં જોડાયા હતા. તાપી, અમરેલી, સાબરકાંઠા, અરવલ્લી, છોટા ઉદેપુર અને ગીર સોમનાથ જિલ્લાઓમાં પ્રભારી મંત્રીઓ, સાંસદ સભ્યઓ તેમજ અન્ય મહાનુભાવોની હાજરીમાં વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ આયોજિત થયો હતો. 

સ્થાનિક ઉત્પાદનોના પ્રચાર-પ્રસાર માટે એક્ઝિબિશનનું આયોજન

તમામ જિલ્લાઓમાં આયોજિત વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમોનું અમલીકરણ જિલ્લા કક્ષાના સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં જિલ્લાઓના સ્થાનિક ઉત્પાદનોના પ્રચાર-પ્રસાર માટે 2-3 દિવસના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં ‘વન ડિસ્ટ્રિક્ટ-વન પ્રોડક્ટ’ (ODOP) હેઠળ દરેક જિલ્લામાંથી પસંદ થયેલી પ્રોડક્ટ્સનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો હતો અને તેમને અગ્રતા આપવામાં આવી હતી. આ ઉપરાંત, તેમાં સ્ટાર્ટઅપ્સ અને સ્થાનિક સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs)નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ, ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન્સ (FPOs), મહિલા ઉદ્યોગ સાહસિકો, ખાદી અને ગ્રામોદ્યોગ, કુટિર ઉદ્યોગો વગેરેને પણ આ કાર્યક્રમોમાં સાંકળવામાં આવ્યા હતા. આ સાથે જ, પીએમ વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓને પણ આ કાર્યક્રમોમાં જોડવામાં આવ્યા હતા. 

આ કાર્યક્રમો દરમિયાન ક્રેડિટ લિંકેજ પ્રોગ્રામ હેઠળ લોન મેળાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, અને લાભાર્થીઓને લોન મંજૂરીના ચેકોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. 32 જિલ્લાઓમાં યોજાયેલ વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ દરમિયાન આયોજિત થયેલા એક્ઝિબિશન્સમાં કુલ 996 સ્ટોલ્સ લગાવવામાં આવ્યા હતા, જેના માધ્યમથી સ્થાનિક ઉત્પાદનોનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. આમ, વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ ખરા અર્થમાં વડાપ્રધાનશ્રીના ‘વોકલ ફોર લોકલ’ ના આહ્વાનને સાકાર કરતો કાર્યક્રમ બન્યો હતો. વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રહેલી ઉદ્યોગોની અપાર સંભાવનાઓને ઓળખવામાં આવી છે, જેનાથી નાના-મોટા ઉદ્યોગોને ઘણો જ લાભ થશે. 


B2B, B2C અને B2G મીટિંગો અને સેમિનારનું આયોજન

વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ દરમિયાન વિવિધ જિલ્લાઓના ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે B2B (બિઝનેસ ટુ બિઝનેસ), B2C (બિઝનેસ ટુ કસ્ટમર્સ) અને B2G (બિઝનેસ ટુ ગવર્મેન્ટ) મીટિંગોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગો દરમિયાન જિલ્લાઓના ઉદ્યોગકારોએ સરકાર સાથે એમઓયુ સાઇન કર્યા હતા. આ ઉપરાંત, વિવિધ વિષયો પર સેમિનાર અને વર્કશોપનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2003 માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રવર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ શેરિંગ અને વ્યૂહાત્મક ભાગીદારી માટેના સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચ તરીકે વિકસિત થઈ છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતા અને ઉત્પાદન શ્રેષ્ઠતાને પ્રદર્શિત કરશે, જેમાં અગ્રણી ઉદ્યોગપતિઓ, નીતિ નિર્માતાઓ અને સ્વપ્નદ્રષ્ટાઓ સાથે મળીને ગુજરાતના ભાવિ વિકાસ અને સમૃદ્ધિ માટેના પથનું નિર્માણ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ