અંબાજીમાં મોહનથાળના પ્રસાદનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચી શકે છે. હોળી વેકેશન બાદ હાઈકોર્ટમાં PIL દાખલ થઈ શકે છે. તો અંબાજીમાં મોહનથાળના પ્રસાદની વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ માંગ કરાઈ રહી છે.
પ્રસાદ વિવાદમાં VHP મેદાનમાં
આવતીકાલે અંબાજીમાં કરશે ધરણા
રવિવારે મંદિરોમાં વહેંચાશે મોહનથાળનો પ્રસાદ
અંબાજી મંદિરની ઓળખ ધરાવતો મોહનથાળ પ્રસાદ બંધ કરાતા સમગ્ર દેશમાં મામલો ગરમાયો છે. અંબાજી પ્રસાદનો મામલો હજુ પણ દેશભરમાં ગાજી રહ્યો છે. મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવામાં ન આવતા ભક્તોમાં રોષ ફેલાયો છે અને અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ ચાલુ કરવાની માંગ કરવામાં આવી રહી છે. અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવતા હવે વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં આવ્યું છે.
સંતો, ભાવિ ભક્તોને આહ્વાન કરાયું
અંબાજી ખાતે આવતીકાલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધરણાં યોજાશે. પ્રસાદ બંધ કરવાના મામલે VHPના મંત્રી અશોક રાવલના નેતૃત્વમાં ધરણા કરવામાં આવશે. આ ઉપરાંત રવિવારે રાજ્યના તમામ મંદિરોએ સ્તુતિ કરી મોહનથાળ પ્રસાદ વહેંચાશે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યાત્રા સંઘો, સંતો, ભાવિ ભક્તોને આ ધરણાંમાં જોડાવા આહ્વાન કરાયું છે.
ભૂદેવો પહોંચ્યા હતા પાલનપુર કલેક્ટર કચેરીએ
છેલ્લા 8 દિવસથી અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈકાલે અંબાજી મંદિરમાં માં અંબાને મોહનથાળનો ભોગ લગાવવામાં આવ્યો હતો. જે બાદ આ પ્રસાદ લઈને 21 ભૂદેવો અબોટી પહેરીને પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને નાયબ કલેક્ટરને મોહનથાળનો પ્રસાદ આપ્યો હતો. આ તકે તેઓએ અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માંગ કરી હતી.
હાઈકોર્ટમાં દાખલ થઈ શકે છે PIL
અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદને બદલે ચિક્કીનો પ્રસાદ શરૂ કરાતા ભક્તો અને સંગઠનોમાં વિરોધનો મધપૂડો છંછેડાયો છે. અંબાજીમાં મોહનથાળના પ્રસાદનો મામલો હાઈકોર્ટમાં
પહોંચી શકે છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે હોળી વેકેશન બાદ હાઈકોર્ટમાં PIL દાખલ થઈ શકે છે.
ધાર્મિક સંગઠનોએ આપેલા અલ્ટીમેટમનો સમય પૂર્ણ
અંબાજી પ્રસાદનો મામલો દેશભરમાં ગાજી રહ્યો છે. જેનો હજુ સુધી અંત ન આવતા ભક્તોમાં રોષ ફેલાયો છે અને અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ ચાલુ કરવાની માંગ કરવામાં આવી રહી છે. અંબાજીમાં મોહનથાળના પ્રસાદ બંધ કરવા મામલે વિવિધ ધાર્મિક સંગઠનોએ અંબાજી ટ્રસ્ટને જે અલ્ટીમેટમ આપ્યું હતું, તે હવે પૂર્ણ થઈ ચૂક્યું છે. આવતીકાલે ધાર્મિક સંગઠનોના આંદોલન શરૂ થશે. હાલ અંબાજીમાં ભક્તોને ચિક્કીનો પ્રસાદ અપાઇ રહ્યો છે.
8 તારીખ સુધીનું આપવામાં આવ્યું હતું અલ્ટીમેટમ
અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવતા અંબાજી હિન્દૂ હિત રક્ષા સમિતિ દ્વારા મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાને લઈ અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. અંબાજી વહીવટી તંત્રને આવેદનપત્ર આપીને 8 તારીખ સુધીમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માગ કરી હતી. તેમજ જો 8 તારીખ સુધીમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. વધુમા ગ્રામજનો સાથે મિટિંગ યોજી ગામ બંધ કરવાની તૈયારી દર્શાવી અને વહેલી તકે મોહનથાળનો પ્રસાદ શરૂ કરવા જણાવ્યું હતું.
પરંપરા ન તોડવા અપીલ
બીજી તરફ આ મામલે કરણી સેનાએ પણ રોષ ઠાલવ્યો હતો. રાજકોટમાં કરણી સેનાના અગ્રણીએ આ મામલે મોટું નિવેદન આપ્યું હતું. પ્રસાદ વિતરણની જવાબદારી તંત્ર ન સંભાળી શકે તો અમને આપો. તેમ કહી પ્રસાદ વિતરણની જવાબદારી કરણી સેના સ્વીકારવા તૈયાર હોવાનું જણાવ્યું હતું. પરંતુ કોઈપણ સંજોગોમાં પરંપરા નહીં તોડવા કરણી સેનાના અગ્રણીએ અપીલ કરી હતી.