બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Unseasonal rain in 220 talukas in Gujarat today!

કમોસમી વરસાદ / ગુજરાતમાં આજે 220 તાલુકામાં કમોસમી વરસાદ! ભાભરમાં સૌથી વધુ 2 ઈંચ ખાબક્યો, જુઓ તમારા વિસ્તારમાં કેટલો વરસાદ

Vishal Khamar

Last Updated: 08:11 PM, 26 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતનાં 220 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદનાં કારણે ખેતરમાં વાવેલ પાક પર પાણી ફરી વળતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો.

  • ગુજરાતનાં 220 તાલુકામાં કમોસમી વરસાદ
  • સૌરાષ્ટ્ર, દક્ષિણ-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ
  • બનાસકાંઠાના ભાભરમાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ 

 હવામાન વિભાગ દ્વારા આજે માવઠાની આગાહી કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતનાં 220 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર, દક્ષિણ-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો હતો. વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક વ્યાપી જવા પામી હતી. તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતે મહામહેનતે ખેતરમાં વાવેતર કરેલ પાક પર પાણી ફરી વળ્યું હતું.

રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
ગુજરાતમાં પડેલ વરસાદ પર નજર કરીએ તો બનાસકાંઠાનાં ભાભરમાં સૌથી વધુ 2 ઈંચ, જ્યારે રાધનપુર અને લોધિકામાં 2-2 ઈંચ વરસાદ પડ્યો હતો. તો તાલાળા, અંકલેશ્વર, વંથલીમાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. નડીયાદ, હાંસોટ, સુરત, દશાડા, મોડાસા દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. વાવા, પાટણ, વેરાવળમાં પણ દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો.  કેશોદ, ભરૂચ, કલ્યાણપુર, દિયોદર, સાગરબારામાં સવા ઈંચ વરસાદ પડ્યો હતો. સાંતલપુર, ઉમરપાડા. ગઢડામાં પણ સવા ઈંચ વરસાદ પડ્યો હતો. લિલિયા, સોનગઢ, વીરપુર, માંડવી, વિજાપુરમાં 1-1 ઈંચ વરસાદ પડ્યો હતો. 

ભર શિયાળે વરસાદ પડતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયા છે. બોટાદ શહેર સહિત જિલ્લાના તમામ તાલુકાઓ અને ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી વીજળીના કડાકા ભડાકા અને કરા સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે બોટાદ તાલુકાના હડદડ ગામે કમોસમી વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાયા હતા અને પપૈયા,કાકડી,મરચી, ચણા, જીરૂ, કપાસ સહિતના પાકમાં ભારે નુકશાન થતા ખેડૂત પાયમાલ થયો છે. અને તાત્કાલિક સહાય આપવાની માગ કરી હતી.

કપાસ, ઘઉં, ચણા, વરિયાળી, જીરું, બટાકાના પાકમાં નુકસાનની ભીતિ
સાબરકાંઠા જીલ્લામાં કમોસમી વરસાદને કારણે હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા પંથકમાં વરસાદ પડ્યો હતો. તો ગ્રામ્ય વિસ્તારમાં કરણપુર, ગાંભોઈ, પીપળી કંપા, કાંકરોલ કંપા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. હિંમતનગરનાં કરણપુર ગામે રોડ પર પાણી ફરી વળ્યા હતા. કરણપુર ગામે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા. કપાસ,ઘઉં, ચણા, વરીયાળી, જીરૂ, બટાકાના પાકમાં નુકશાનની ભીંતી સેવાઈ રહી છે. 

કમોસમી માવઠાથી પેઢી બહાર રાખેલ ઘઉંની બોરીઓ વરસાદમાં પલળી
વરસાદની આગાહીને પગલે દરેક એપીએમસી દ્વારા વેપારીઓ તેમજ ખેડૂતોને પોતાનો પાક પલળે નહી તે માટે એપીએમસી દ્વારા સૂચના પણ આપવામાં આવી હતી.ત્યારે એપીએમસીએ માવઠાની આપેલ સૂચના બાદ પણ વેપારીએ બોરીઓ ન ઉઠાવી. પોતાની પેઢી બરાર પડેલી ઘઉંની બોરીઓ ન ઉઠાવી. વિનોદ આત્મારામ નામની પેઢીનાં વેપારીની બેદરકારી સામે આવી હતી. કમોસમી માવઠાથી પેઢી બહાર રાખેલ ઘઉંની બોરીઓ વરસાદની પલળી હતી. માર્કેટયાર્ડમાં રાખેલ તમામ માલ સેડમાં સુરક્ષિત છે. 

પંથકમાં અનેક લગ્ન આયોજનો વરસાદમાં ધોવાયા 
અરવલ્લી જીલ્લામાં માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો થવા પામ્યો છે. મોડાસા અને ગ્રામ્ય પંથકમાં રવિવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. ઈસરોલ, જીવનપુર, ઉમેદપુર પંથકમાં વરસાદ પડ્યો હતો. યાત્રાધામ શામળાજીમાં પણ માવઠાથી ભક્તો ભીંજાયા હતા. પંથકમાં અનેક લગ્નનાં આયોજનો વરસાદમાં ધોવાયા હતા. અચાનક વરસાદ પડતા લગ્નના મંડપો ઉખડી ગયા હતા. 

તુવેર, ઘઉં, ચણા, ડાંગર સહિતના પાકને નુકસાનની ભીતિ
મહીસાગર જીલ્લામાં વહેલી સવારથી કમોસમી વરસાદ પડ્યો હતો. લુણાવાડા, બાલાસિનોર, કડાણા સહિત ખાનપુર પંથક તેમજ સંતરામપુર, વીરપુર સહિતનાં ગ્રામ્ય પંથકમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. તુવેર, ચણા, ઘઉં, ડાંગર સહિતનાં પાકને નુકશાનની ભીંતી છે. 

ધોધમાર વરસાદ પડે તો મોટાપાયે ડાંગરને થશે નુકસાન 
વલસાડ જીલ્લામાં કમોસમી વરસાદની આશંકા છે. વલસાડનાં મુખ્ય પાક એવા ડાંગરને બચાવવા ખેડૂતો ખેતરમાં તૈયાર થયેલ ડાંગરનાં પાકને બચાવવા પ્લાસ્ટિકથી ઢાંક્યું હતું. શાકભાજીનાં પાકને પણ વાદળછાયા વાતાવરણથી નુકશાનની આશંકા છે.  ધોધમાર વરસાદ પડે તો  મોટા પાયે ડાંગરને નુકશાન થશે. કમોસમી વરસાદને કારણે શેરડીનાં પાકની કાપણી અટકી હતી. 

ખેડૂતોને તાત્કાલિક સહાય આપવા કિસાન સંઘની માગ
બોટાદ જીલ્લામાં સવારથી વરસાદી માહોલ છવાયો હતો. હડદડ ગામમાં કરા સાથે વરસાદ પડતા ખેતીમાં નુકશાનની ભીંતી સેવાઈ રહી છે. પપૈયા, કાકડી, મરચી, ચણા, ઘઉં, કપાસ સહિતનાં પાકમાં નુકશાન થવા પામ્યું છે. ખેડૂતોને તાત્કાલિકસ સહાય આપવા કિસાન સંઘ દ્વારા માંગ કરી છે. 

ભારે પવન અને વરસાદને કારણે અનેક ખેતરોમાં આખો પાક નમી ગયો 
સુરતનાં ભાટા વિસ્તારમાં કરાનો વરસાદ પડ્યો હતો. આગાહી વચ્ચે વરસાદ પડતા ખેડૂતોનીં ચિંતામાં વધારો થવા પામ્યો છે. શિયાળામાં વરસાદને લઈ શિયાળુ પાકને કરોડો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે. પાપડી, ગુવાર સરગવા અને તુવેરનાં પાકને મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યું છે. ભારે પવન અને વરસાદને કારણે અનેક ખેતરોમાં આખો પાક નમી ગયો છે. હજારો હેક્ટર ખેતીમાં કમોસમી વરસદને લઈને મોટું નુકશાન થવા પામ્યું છે.  

અપડેટ

રાજ્યમાં ક્યાં તાલુકામાં ક્યાં કેટલી વરસાદ

રાજ્યભરમાં સવારથી કમોસમી વરસાદ
સુરેન્દ્રનગરના ચુડામાં 3.5 ઇંચ વરસાદ
સુરત શહેરમાં 3.5 ઇંચ વરસાદ
બનાસકાંઠાના ભાંભરમાં 2.5 ઇંચ વરસાદ
રાધનપુર અને સાંતલપુરમાં 2 ઇંચ વરસાદ
અંકલેશ્વર અને ઉમરપાડામાં 2 ઇંચ વરસાદ
અમરેલી અને ઓલપાડમાં 2 ઇંચ વરસાદ
લોધિકા અને તાલાલામાં 2 ઇંચ વરસાદ
પાલનપુર,વંથલી અને વિસનગરમાં 1.5 ઇંચ વરસાદ
દશાડા,ડીસા અને લાઠીમાં 1.5 ઇંચ વરસાદ
નડિયાદ,મોડાસા અને વાવમાં 1.5 ઇંચ
મુળી,સાગબારા અને ભરૂચમાં 1 ઇંચ વરસાદ
કાંકરેજ,ડેડિયાપાડા અને બોટાદમાં 1 ઇંચ
કેશોદ, કલ્યાણપુર અને દિયોદરમાં 1 ઇંચ
કલોલ,વઢવાણ અને ગઢડામાં 1ઇંચ
સહિતના તાલુકામાં 1 ઇંચથી વધારે કમોસમી વરસાદ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ