ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની આગાહી સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદી શક્યતા છે. ત્યારે 2 દિવસ બાદ વરસાદ ઘટશે તેવી આગાહી કરવામાં આવી છે.
આ બાબતે સ્કાયમેટ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં હવે ચોમાસાની સીઝન ફરી જામી છે. ત્યારે આગામી સમયમાં ગુજરાતનાં ઘણા જીલ્લાઓમાં મેઘમહેર થશે. કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, પાલનપુર, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, ભરૂચ આ તમામ વિસ્તારોમાં આગામી 2 થી 3 દિવસ હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
બનાસકાંઠા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 18-19 સપ્ટેમ્બરે બનાસકાંઠામાં પડશે અતિભારે વરસાદ પડશે. ભારે વરસાદને પગલે બનાસકાંઠાની નદીઓમાં પૂરની સ્થિતી સર્જાશે. જળાશયોમાં વરસાદના કારણે જળ તાંડવની શક્યતા રહેશે. બનાસકાંઠા ઉપરાંત કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે. કચ્છના વાગડ સહિત પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ભારે વરસાદ પડશે. કચ્છમા ભારેથી અતિભારે વરસાદના કારણે સતર્ક રહેવું જરૂરી છે.
વરસાદને લઈને સમીક્ષા બેઠક
આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં શનિવાર સાંજથી વાતાવરણ પલટાયું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. રાજ્યમાં પડી રહેલા વરસાદને લઈને આજે ગાંધીનગર ખાતે મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં રાહત કમિશનર આલોક પાંડે સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
રેલવે ટ્રેક પર ભરાયા પાણી, રેલ વ્યવહારને થઈ અસર
ભરૂચ-અંકલેશ્વર વચ્ચેના સિલ્વર બ્રિજ પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે મુંબઈ-અમદાવાદ વચ્ચેનો રેલવે ટ્રેક બંધ કરાયો છે. નર્મદા નદીના જળસ્તરમાં ભયજનક વધારો થતા રેલ વ્યવહાર બંધ કરાયો છે. વર્ષ 2013 બાદ પ્રથમ વખત રેલ વ્યવહારને અસર થઈ છે. ગોલ્ડન બ્રિજ, નર્મદામૈયા બ્રિજ બાદ સિલ્વર બ્રિજ પણ બંધ કરાયો છે. રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થતાં મુંબઈ-અમદાવાદની 15થી વધુ ટ્રેન રદ કરવામાં આવી છે. વડોદરા ડિવિઝનની પણ કેટલીક ટ્રેન રદ કરાઈ છે. ટ્રેનની અવરજવર બંધ થતાં મુસાફરો અટવાયા છે. કઈ કઈ ટ્રેનો કરાઈ રદ?
વેસ્ટર્ન રેલવે વડોદરા ડિવિઝનના ભરૂચ-અંકલેશ્વર સેક્શનમાં બ્રિજ નંબર 502 પર પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર હોવાને કારણે રેલ ટ્રાફિકને અસર થઈ છે. જેના કારણે 18 સપ્ટેમ્બર 2023ના રોજ અમદાવાદ ડિવિઝનની 12 ટ્રેનોને રદ કરવામાં આવી છે. જેમાં (1) ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ, (2) ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ, (3) ટ્રેન નંબર 20902 ગાંધીનગર મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ, (4) ટ્રેન નંબર 12009 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ, (5)ટ્રેન નંબર 12010 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ, (6) ટ્રેન નંબર 19015 દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, (7) ટ્રેન નંબર 12934 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ, (8) ટ્રેન નંબર 12932 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ, (9) ટ્રેન નંબર 82902 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ, (10) ટ્રેન નંબર 22954 અમદાવાદ મુંબઈ મધ્ય ગુજરાત એક્સપ્રેસ, (11) ટ્રેન નંબર 12933 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ, (12) ટ્રેન નંબર 82901 મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ તેજસ એક્સપ્રેસનો સમાવેશ થાય છે.