બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાવનગર / રાજકોટ / Heavy rains in Gujarat: 195 taluks received today, 4 inches highest in Jamnagar, see where it rained
Vishal Khamar
Last Updated: 08:57 PM, 8 July 2023
ADVERTISEMENT
રાજ્યમાં આજે 195 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે સૌથી વધુ જામનગરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગીર સોમનાથમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. પાટણનાં હારીજમાં અઢી ઈંચ, ભુજમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો.
ADVERTISEMENT
જામનગરમાં મેઘરાજાએ સવારથી જ તોફાની બેટિંગ શરૂ કરી છે. સવારે 6થી 2 વાગ્યા સુધીમાં 5 ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના નીચાળવાળા વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાયાં હતાં તેમજ સરકારી કચેરીઓ, સરકારી વસાહતો સહિત મુખ્ય માર્ગો પર ગોઠણસમા પાણી ભરાયાં હતાં. શહેરના સત્યનારાયણ મંદિર પાસે દિવાલ ધરાશાયી થઈ હતી. જેની સાથે વીજપોલ પણ તૂટી પડ્યો છે, જેના કારણે કેટલીક જગ્યાએ લાઈટ પણ ડૂલ થઈ છે. બીજી તરફ સર્કિટ હાઉસ અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી પાણી ઘુસી આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
તંત્ર દ્વારા અનેક ગામડાઓને અલર્ટ કરવામાં આવ્યા
આ તરફ જિલ્લાના કાલાવડ તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો. સમગ્ર પંથકમાં સારા વરસાદના પગલે વોડીસાગર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં જ આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. જોકે નદીકાંઠાના લોકોની સુરક્ષાનો ધ્યાને રાખતા તંત્ર દ્વારા અનેક ગામડાઓને અલર્ટ કરવામાં આવ્યા છે.
વરસાદના પગલે નદી-નાળાઓ છલકાઈ ગયાં
દ્વારકા જિલ્લામાં પણ વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. સમગ્ર પંથકમાં સારા વરસાદના પગલે નદી-નાળાઓ છલકાઈ ગયાં છે. ભારે વરસાદના પગલે જિલ્લામાંથી પસાર થતી ભોગાત નદી ગાંડીતૂર બની હતી.
સારા વરસાદના પગલે ઘરતીપુત્રોમાં ખુશીનો માહોલ
પોરબંદર પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે. પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદના પગલે ઘરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો આ તરફ પોરબંદર શહેરના ખાપટ, લક્ષ્મી નગર, શિવ નગર, વિસ્તારમાં સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાનીનો સામનો કરવો પડ્યો હતો. તો રસ્તા પર પાણી ભરાવાથી વાહન ચાલકોને પણ મુશ્કેલીઓ વેઠવી પડી હતી.
સમગ્ર જિલ્લાના નદી-નાળા છલકાયા
બોટાદ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદી મહેર જોવા મળી રહી છે. જેના કારણે સમગ્ર જિલ્લાના નદી-નાળા છલકાયા છે.. સારા વરસાદના કારણે ગઢડાનો માલપર ડેમ આજે ઓવરફ્લો થયો છે. જેના કારણે ડેમના 3 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. તો નદીકાંઠા વિસ્તારના ગામડાઓમાં એલર્ટ આપવામાં આવ્યું હતું.
ભાદર-2 ડેમ પણ સીઝનમાં સતત ત્રીજી વખત ઓવરફ્લો થયો
સૌરાષ્ટ્રમાં વરસાદી મહેર આજે પણ જોવા મળી છે. જેમાં ધોરાજીનો ભાદર-2 ડેમ પણ સીઝનમાં સતત ત્રીજી વખત ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધતા હાલ 4 દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. અને 12 હજાર ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જોકે ડેમ છલકાંતા જ આસપાસના 37 ગામના ખેડૂતોની ખુશીનો કોઈ પાર નથી. કારણ કે, આ ડેમમાંથી જ તેમને સિંચાઈ માટેનું પાણી પુરુ પાડવામાં આવે છે. વહેલી સવારથી ભુજ સહિતના તાલુકાઓમાં મેઘ મહેરના કારણે રોડ-રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.. ભૂજ શહેરમાં પણ સાર્વત્રિક સારો વરસાદ પડ્યો. જેના કારણે રસ્તાઓ પર ઘૂટણસમા પાણી ભરાયા હતા.
યાત્રાધામ નારાયણ સરોવરમાં પણ નવા નીરની આવક થઈ
સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે નદી-નાળાઓ છલકાઈ ગયાં છે. આ તરફ યાત્રાધામ નારાયણ સરોવરમાં પણ નવાનીરની આવક થઈ છે. જેના કારણે ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
હમીરસર તળાવના મોટા બંધ પાસે નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા
ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. જેના કારણે હમીરસર તળાવના મોટા બંધ પાસે નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મોટા બંધમાં પાણીની આવક થતાં આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. તો બીજી તરફ ગ્રામ્ય પંથકની નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે.
નદી પર આવેલા કોઝવે પર પાણી ફરીવળતા વાહન વ્યવહાર ઠપ
કચ્છના લખપત તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદના પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે. અને આજ કારણે નારાયણ સરોવર અને નલિયાને જોડતો મુખ્યમાર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. નદી પર આવેલા કોઝવે પર પાણી ફરીવળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. અને આ કારણે અનેક વાહન ચાલકો અટવાઈ ગયા હતાં. આમ એકંદરે કચ્છ જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે. અને આ વરસાદના પગલે ધરતી પુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.