અમદાવાદ ખાતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પેપર કૌભાંડ મામલે સરકાર પર ચાબખા મારી સણસણતા આરોપો લગાવ્યા હતા.
પેપરલીક મામલે કોંગ્રેસના ભાજપ પર પ્રહાર
જગદીશ ઠાકોરે ભાજપ પર કર્યા પ્રહાર
ભાજપ માત્ર પોતાના લોકોને નોકરી આપે છે
ગુજરાત વિધાનસભાનો ગઢ જીતવા ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો અત્યારથી જ કામગીરીમાં લાગ્યા છે. જેના ભાગરૂપે બેઠકો, નિમણૂકો, મિટિંગો, પ્રવાસ સહિતના કાર્યક્રમોનો દૌર જામ્યો છે. તેવામાં આજે અમદાવાદ ખાતે એક કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે હાજર આપી હતી. જેમાં તેમણે પેપર કૌભાંડ મામલે સરકારને આડેહાથ લીધી હતી. આ મામલે જગદીશ ઠાકોરે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા.
ભાજપ માત્ર પોતાની વિચારધારા સાથે સંકળાયેલા લોકોને જ નોકરી આપે છે
ગુજરાતમાં પેપર લીક કૌભાંડ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યુ હતું કે એક પછી એક14 પેપરો ફુટ્યા છે જે જગજાહેર હોવા છતા કશૂરવારો સામે પગલાં ભરવામાં આવ્યા નથી. પેપરકાંડ થકી સરકાર યુવાઓના ધૈર્યનો ટેસ્ટ કરી રહી છે. એટલું જ નહિ ભાજપ પર સણસણતા આરોપ કરતા તેમણે જણાવ્યુ હતું કે, ભાજપવાળા માત્ર પોતાની વિચારધારા સાથે સંકળાયેલા લોકોને જ નોકરી આપે છે. સરકાર માત્ર ગુજરાતના યુવાનો પાસે તૈયારીઓ જ કરાવે છે. યુવાઓ દિવસ-રાત એક કરીને મહેનત કરે છે અને પેપર લિક થાય એટલે યુવાઓની મહેનત પાણીમાં જાય છે.
બેરોજગારી, પેપરલીક અને ડ્રગ્સના દૂષણ સામે અવાજ ઉઠાવીશું: જગદીશ ઠાકોર
વધુમાં જગદીશ ઠાકોરે જણાવ્યુ હતું કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો પેપર કૌભાંડમાં સંડોવાયેલ શખ્સોને પાતાળમાંથી શોધી તેની વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે. જો અમારી સરકાર બની તો પેપર ફોડનારે રાજ્ય છોડવુ પડશે. જો આ પેપર ફોડનારા ગુજરાત છોડી ભાજપ શાસિત રાજ્યમાં પણ જતા રહેશે તો અમે તેમને ત્યાંથી પણ પકડી તેની વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં જગદીશ ઠાકોરે ઉમેર્યું હતું કે, બેરોજગારી, પેપરલીક અને ડ્રગ્સના દૂષણ સામે અમે તાકાતથી અવાજ ઉઠાવીશું અને યુવાનોને થતા અન્યાય સામે કોંગ્રેસ આંદોલન કરશે.