અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે કહ્યું કે, આ લડાઇ રાજકીય નહીં પરંતુ આસ્થાની હતી જેમાં આખરે ભક્તોની જીત થઇ છે
મોહનથાળ પ્રસાદ શરૂ કરવાના મુદ્દે કોંગ્રેસનું નિવેદન
અંબાજી મંદિર ખાતે છેલ્લા ઘણા દિવસોથી પ્રસાદીને લઈને ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. મંદિરમાં મોહનથાળના પ્રસાદને લઈને ચાલી રહેલા વિવાદમાં ભક્તોની આસ્થાની જીત થઈ છે અને મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે રાજ્ય સરકારના નિર્ણયને લઈ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે.
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરનું નિવેદન
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું કે, આ ભક્તોની આસ્થાનો ભવ્ય વિજય થયો છે. સર્વે ગુજરાતીઓ, ભક્તોની લડતનું પરિણામ આવ્યું છે તેમજ આ લડાઇ રાજકીય નહીં પરંતુ આસ્થાની હતી. તેમણે કહ્યું કે, આ લડાઈમાં આખરે ભક્તોની જીત થઇ છે. તાનાશાહી સરકાર સામે લડશો તો જ જીતશો તેમ પણ જગદીશ ઠાકોરે જણાવ્યું છે.
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું નિવેદન
મોહનથાળ પ્રસાદ શરૂ કરવાના મુદ્દે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, પ્રસાદ ચાલુ કરવાનો નિર્ણયએ ભક્તો અને કોંગ્રેસની જીત છે. મોહનથાળ પ્રસાદ બંધ કરાતા ભક્તો સાથે કોંગ્રેસે વિરોધ કર્યો હતો. જિલ્લા પંચાયતની સભામાં મોહનથાળના પ્રસાદ પર ઠરાવ કર્યો હતો. મોહનથાળ ચાલુ થાય તે માટેની લડાઈમાં સરકારે ઝૂકવું પડ્યુ.
ભરતસિંહ વાઘેલા
મોહનથાળ અને ચિક્કી બંને પ્રસાદ ચાલું રહેશે
અંબાજી મંદિરમાં મોહનથાળની પ્રસાદી બંધ થવા મુદ્દે રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલના કાર્યાલયમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં અંબાજી મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો સહિત મંદિરના પૂજારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક બાદ સરકારે જાહેરાત કરી છે કે મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરાશે. આ સાથે ચિક્કીનો પ્રસાદ પણ ચાલું રહેશે.
માઈભક્તોની આસ્થાને ધ્યાને રાખીને લેવાયો નિર્ણયઃ ઋષિકેશ પટેલ
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, માઈભક્તો અને સંગઠનોની આસ્થાને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવ્યો છે કે અંબાજીમાં પ્રસાદના સ્વરૂપે મોહનથાળ અને ચિક્કી બંને અપાશે. મોહનથાળના પ્રસાદની ગુણવત્તામાં સુધારો કરાશે. મોહનથાળનો પ્રસાદ કોને બનાવવા આપવો આ અંગેનો નિર્ણય મંદિર ટ્રસ્ટ કરશે.
શું છે સમગ્ર મામલો?
અંબાજી મંદિરમાં 4 માર્ચથી મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો હતો. મોહનથાળના પ્રસાદને જ કાયમ રાખવા રાજ્યમાં વિવિધ સ્થળો ઉપર આંદોલનો શરૂ થયાં હતા. વિશ્વ હિન્દુ પરિષદે પણ આંદોલનમાં આક્રમકતાથી ઝંપલાવ્યું હતું. અંબાજી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધરાણા યોજીને વિરોધ કરવામાં આવ્યો હતો. તો અંબાજી શહેરમાં મોહનથાળ ફરી શરૂ કરવામાં આવે તેવા બેનરો પણ લગાવવામાં આવ્યા હતા.
દાંતા રાજવી પરિવારે પણ કરી હતી માંગ
આ ઉપરાંત સ્થાનિકો અને પૂજારીઓ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. વિધાનસભા સત્ર દરમિયાન પણ અંબાજી મંદિર મોહનથાળનો મુદ્દો ઉછળ્યો હતો. વિપક્ષ દ્વારા મંદિરમાં ફરી મોહનથાળ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અંબાજી મંદિરના પૂર્વ ટ્રસ્ટી અને દાંતા રાજવી પરિવારના પરમવીરસિંહે પણ ફરી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માંગ કરી હતી. તેમણે આ અંગે હાઈકોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.