રાજકારણ ગરમાયું /
VIDEO: પાટણમાં કોંગી MLAએ ભાજપની રેલીને ફુલડે વધાવી, પણ સામે પક્ષે જે આરોપ મૂક્યો તે જાણીને ચોંકી જશો
Team VTV04:26 PM, 04 Dec 22
| Updated: 04:34 PM, 04 Dec 22
પાટણ બેઠક પર મતદાન યોજાય એ પહેલા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ સામસામે આક્ષેપો કર્યા છે. બંને ઉમેદવારોના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
પાટણમાં ભાજપ-કોંગ્રેસ ઉમેદવારોના સામસામે આક્ષેપ
કોંગ્રેસની રેલીમાં ગુંડા અને અસામાજિક તત્ત્વો હતાઃ રાજુલ દેસાઈ
જનતાનું અપમાન થયું છે જનતા જવાબ આપશે: કિરીટ પટેલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા રાજકીય માહોલ સતત જામી રહ્યો છે. રાજકીય પાર્ટીઓ એક બીજા પર આક્ષેપો કરી રહી છે. ત્યારે પાટણના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ સામસામે આક્ષેપ કર્યા છે. પાટણ બેઠક ભાજપના મહિલા ઉમેદવાર ડૉ. રાજુલ દેસાઈએ જણાવ્યું કે, 'અસમાજિક તત્ત્વો અને ગુંડાઓ લઈને નીકળેલી આ કોંગ્રેસની રેલીએ ખુલ્લી દાદાગીરીની પ્રતીતિ અમને કરાવી છે.' તો કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે જવાબ આપતા જણાવ્યું છે કે, 'અમારી રેલીમાં ભીડ જોઈને ભાજપે માનસિક સ્થિતિ ગુમાવી છે.'
ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય ઉમેદવારોના શક્તિ પ્રદર્શન
ગતરોજ ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ હોવાથી રાજકીય પક્ષોએ મતદારોને પોતાની તરફ કરવા માટે આડીચોટીનું જોર લગાવી દીધું હતું. મધ્ય અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ઉમેદવારોના રોડ શો અને સભાઓ યોજાઈ હતી. આ અંતર્ગત પાટણ ખાતે પણ ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય ઉમેદવારોએ શહેરમાં વારાફરતી શક્તિ પ્રદર્શન માટે રોડ શો કર્યાં હતા.
ભાજપના મહિલા ઉમેદવારે લગાવ્યા આક્ષેપો
આ દરમિયાન પાટણ શહેરના બ્રિજ ઉપર કોંગ્રેસ અને ભાજપની રેલીઓ સામસામે ભેગી થતાં કોંગ્રેસના ધારાસભ્યે ભાજપના ઉમેદવારની રેલીને ફુલડાથી વધાવી હતી. તો રેલી પૂર્ણ થયા બાદ ભાજપના મહિલા ઉમેદવારે ડૉ. રાજુલ દેસાઈએ કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ પર દાદાગીરીનો આક્ષેપો લગાવ્યા હતા.
કોંગ્રેસની રેલીએ ખુલ્લી દાદાગીરીની પ્રતીતિ અમને કરાવી છેઃ રાજુલ દેસાઈ
ભાજપ ઉમેદવાર ડૉ. રાજુલ દેસાઈએ જણાવ્યું હતું કે, અસામાજિક તત્વો અને ગુંડાઓને લઈને નીકળેલી કોંગ્રેસની રેલીએ ખુલ્લામાં ખુલ્લી દાદાગીરીની પ્રતીતિ અમને કરાવી છે. હું આ વિસ્તારમાં વિકાસ અને સેવા કરવા આવી છું, આ સહેજ પણ નહીં ચલાવી લઉં. કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.'
પાટણની જનતાને અસામાજિક તત્ત્વો કહ્યાં છેઃ કિરીટ પટેલ
દેસાઈના આક્ષેપ પર કોંગ્રેસ ઉમેદવાર કિરીટ પટેલે જવાબ આપ્યો કે, 'મને લાગે છે કે જે રીતે એમણે હાર જોઈ છે અને હાર એ સહન ન કરી શકતા માનસિક પરિસ્થિતિ ગુમાવી દીધી હોય એ રીતે આવા ખોટા નિવેદનો કરીને પાટણની પ્રજાને અસામાજિક તત્વો કહ્યા છે. હું આ બાબતે કંઈ કહેવા માંગતો નથી. જનતાનું અપમાન થયું છે જનતા જવાબ આપશે.'