મહેસાણાનાં જોટાણામાં તાલુકા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખનાં ઘરે ધોળે દિવસે લૂંટારૂઓએ રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે બપોરનાં સુમારે અચાનક જ મૃગેશ ચાવડાનાં ઘરે હથિયારો સાથે લૂંટારૂઓ ત્રાટકતા ઘરનાં સભ્યો સહિત પાડોશીઓમાં પણ ભયનો માહોલ વ્યાપી ગયો હતો.
રિવોલ્વર ની અણીએ લૂંટ કરી ફરાર
બપોરનાં સુમારે અચાનક જ જોટાણા ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ મૃગેશ ચાવડાનાં ઘરે 3 મહિલાઓ એકલી હતી. ત્યારે અચાનક પાંચ જેટલા શખ્શો હથિયારો સાથે ઘરમાં ધુસી જતા મહિલાઓએ બુમાબુમ કરી મુકી હતી. આ બાબતની જાણ પાડોશીઓને થતા પાડોશીઓએ તાત્કાલીક આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
ઘરના CCTV બંધ હોવાથી આરોપીઓની ઓળખ કરવી મુશ્કેલ
અસામાજીક તત્વોને હવે કાયદાનો ડર રહ્યો ન હોય તેમ ધોળે દિવસે તાલુકા કોંગ્રેસ સમિતનાં પ્રમુખ મૃગેશ ચાવડાનાં ઘરે લૂંટ ચલાવતા લોકોમાં ભય વ્યાપી ગયો હતો. ત્યારે આ અંગેની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટનાં સ્થળે દોડી ગઈ હતી. પરંતું પોલીસ પહોંચે તે પહેલા લૂંટારૂઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ત્યારે લૂંટારૂઓ નંબર પ્લેટ વગરની કારમાં આવ્યા હતા. ત્યારે મૃગેશ ચાવડાનાં ઘરના CCTV બંધ હોવાથી આરોપીઓની ઓળખ કરવી મુશ્કેલ છે.
એલ.સી.બી., એસ.ઓ.જી. દ્વારા ટીમો બનાવી શોધખોળ હાથ ધરી
આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટનાં સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તેમજ એલ.સી.બી. એસ.ઓ.જી. દ્વારા અલગ અલગ ટીમો બનાવી નાકાબંધી કરી તમામ માર્ગો પર આવતા જતા વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું. તેમજ પોલીસ દ્વારા લૂંટારૂઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી.