SBI card IPO prices might drop amid global recession atmosphere
મંદી /
SBI કાર્ડના IPO થી અમીર બનવાનું સપનું હોય તો તમારી માટે આવ્યાં ખરાબ સમાચાર
Team VTV05:40 PM, 01 Mar 20
| Updated: 05:40 PM, 01 Mar 20
શેરબજારમાં ઉપરાછાપરી મોટા કડાકાના કારણે એસબીઆઇ કાર્ડના આઇપીઓ દ્વારા અમીર બનવાનું રોકાણકારોનું સપનું રગદોળાઇ શકે છે. સોમવારથી ખૂલી રહેલ એસબીઆઇ કાર્ડના આઇપીઓ પર શેરબજારની મંદી હાવી થઇ શકે છે. એસબીઆઇ કાર્ડનો આઇપીઓ દેશનો પાંચમા નંબરનો સૌથી મોટો આઇપીઓ છે, જેમાં રોકાણકારો ૧૩ કરોડ શેર માટે બોલી લગાવશે.
શુક્રવારે શેરબજારમાં ૧,૪૦૦ પોઈન્ટ કરતા વધુ કડાકો બોલાઇ જતાં એસબીઆઇ કાર્ડના આઇપીઓ માટેના રિટેલ ઇન્વેસ્ટર્સની ઊંઘ હરામ થઇ ગઇ છે. અત્યાર સુધી સુરક્ષિત મનાતાં એસબીઆઇ કાર્ડના આઇપીઓ પર હવે શંકા-કુશંકાના વાદળો ઘેરાયાં છે. શેરબજારની મંદીની અસર આઇપીઓના પ્રોફિટ પર પડી શકે છે.
આ ઇશ્યૂ સાઇઝનો લગભગ ૩૫ ટકા ભાગ નાના રોકાણકારો માટે રિઝર્વ રખાયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં મોટા ઘટાડાથી રોકાણકારો ચિંતિત છે, પરંતુ સામે પક્ષે એવું પણ આશ્વાસન મળી રહ્યું છે કે પ્રાઇમરી માર્કેટ પર તેની મોટી અસર પડવાની સંભાવના નથી.
સૌથી ખરાબ હાલતમાં આઇપીઓના સબસ્ક્રિપ્શન લેવલ પર નજીવી અસર પડી શકે છે. તેના કારણે આઇપીઓના લિસ્ટિંગ પ્રીમિયમ પર પણ થોડી અસર પડી શકે છે. આ ઈશ્યૂ માટે ગ્રે માર્કેટમાં આજ કાલ ૨૦૦થી ૨૫૦ રૂપિયાનું પ્રીમિયમ બોલાઇ રહ્યું છે. જો શેરબજારમાં મંદીનો સિલસિલો ચાલુ રહેશે તો એસબીઆઇ કાર્ડનો આઇપીઓ ઓછા પ્રીમિયમે લિસ્ટ થશે એવો ડર રોકાણકારોમાં પ્રવર્તી રહ્યો છે.
એસબીઆઈ કાર્ડના આઇપીઓ હેઠળ ડીઆરએચપી અનુસાર કંપની ઓફર ફોર સેલ દ્વારા બજારમાં ૧૩,૦૫,૨૬,૭૯૮ ઇક્વિટી શેર લાવશે. તેમાં ૩,૭૨,૯૩,૩૭૧ સુધી શેરોનું વેચાણ એસબીઆઇ અને બાકીના ૯,૩૨,૩૩,૪૨૭ શેર કાર્બાઇલ ગ્રૂપ કરશે. આ ઉપરાંત કંપની રૂ. ૫૦૦ કરોડના ફ્રેશ ઇક્વિટી શેર પણ ઈશ્યૂ કરશે.