કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહએ સરકાર પર આકરા પ્રહાર કર્યો છે કે, એક અઠવાડિયાથી ડેમમાં પાણી વધી રહ્યું હતુ જો પાણી છોડવામાં આવ્યું હોત તો આ સ્થિતિ ન સર્જાઈ હોત
નર્મદા ડેમ ઓવરફ્લો થવા મામલે શક્તિસિંહના સરકાર પર પ્રહાર
એક અઠવાડિયાથી ડેમમાં પાણી વધી રહ્યું હતુઃ શક્તિસિંહ
વિપક્ષનું કામ આક્ષેપ કરવાનું છે, જેમાં કોઈ તથ્ય નથી : ઋષિકેશ પટેલ
મધ્યપ્રદેશમાં અને મધ્ય ગુજરાતમાં ભાદરવો ભરપૂર વરસી રહ્યો છે. અને ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમ ભરાતા પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે નર્મદા નદી ગાંડીતૂર બની છે. પાણીના પ્રવાહના કારણે નર્મદા, ભરૂચમાં જન જીવન પ્રભાવિત થયો છે. કાંઠા વિસ્તારના ઘરો પાણીમાં ગરકાવ થઈ જતાં લોકોનું સ્થળાંતર કરાયું છે. નર્મદાના પાણીના પ્રવાહને જોતા તંત્રને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. તો બીજી તરફ ગોલ્ડન બ્રિજ ખાતે જળસપાટીમાં વધારો થયો છે. જો કે, સમગ્ર બાબતને લઈ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે સરકાર પર આકરા પ્રહારો કર્યો છે. તો જેને લઈ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે.
નર્મદા ડેમ ઓવરફ્લો મામલે શક્તિસિંહ ગોહિલનું નિવેદન
નર્મદા ડેમ ઓવરફ્લો થવા મામલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહએ સરકાર પર આકરા પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, અત્યંત દુ:ખની વાત છે કે, આજે નર્મદા ડેમમાંથી 17 લાખ ક્યૂસકથી વધારે પાણી એક સાથે છોડવામાં આવ્યું છે. 18.2 લાખ ક્યૂસક છેલ્લે એક સાથે પાણી છૂટ્યું અને જેના કારણે નર્મદા અને ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં બે બે માળ સુધી પાણી ચડી આવ્યું. જેણે તબાઈ મચાવી દીધી છે. ગામડામાં ખેડૂતોના ખેતરો સંપૂર્ણ બરબાદ થઈ ગયા છે. તેમણે કહ્યું કે, કેટલાક વધામણાના નાટકો કરવા માટે કરીને આ બધુ થયું છે. એક અઠવાડિયાથી ડેમમાં પાણી વધી રહ્યું હતુ અને થોડુ થોડુ છોડવામાં આવ્યું હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થાત. ભવિષ્યમાં આ પ્રકારનું કામ ફરી ન થવું જોઈએ
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા
શક્તિસિંહના આરોપ પર સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, દોઢ દિવસમાં નર્મદા ડેમમાં પાણીની આવક થઈ હતી. 22 લાખ ક્યૂસેક પાણી છોડવું પડે તેવી સ્થિતિ હતી. પરંતુ ડેમમાંથી 18 લાખ ક્યૂસેક જ પાણી છોડવામાં આવ્યુ છે. આ માનવ સર્જિત નહી પરંતુ કુદરતી ઘટના છે. વિપક્ષનું કામ આક્ષેપ કરવાનું છે, જેમાં કોઈ તથ્ય નથી.
'આપત્તિને માનવસર્જિત આપત્તિ કહી લોકોને ગેરમાર્ગે'
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યમાં જુલાઇ માસમાં સારો વરસાદ પડ્યા બાદ ઓગષ્ટ માસ દરમિયાન નહિવત વરસાદ રહ્યો અને સપ્ટેમ્બર માસમાં ફરી વખત સારો વરસાદ પડ્યો છે. મધ્ય અને ઉત્તર ગુજરાત સહિતના જે વિસ્તારમાં વરસાદની ઘટ્ટ હતી ત્યાં પણ સારો વરસાદ છેલ્લા ત્રણ દિવાસમાં પડ્યો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં 100 થી 130 ટકા વરસાદ નોંધાયો છે. વિરોધીઓ દ્વારા આ આપત્તિને માનવસર્જિત આપત્તિ કહી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે ત્યારે આ આપત્તિ કુદરતી આપત્તિ હોવાનો સ્પષ્ટ મત મંત્રીશ્રી ઋષિકેશ પટેલે વ્યકત કર્યો હતો. કેચમેન્ટ વિસ્તાર, ઉપરવાસનો વરસાદ અને અન્ય રાજ્યમાંથી છોડવામાં આવેલું પાણી આ ત્રણેય કારણો ઉપરાંત છેલ્લા 1.5 દિવસમાં સતત પડી રહેલા વરસાદને કારણે હાલની પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું તેમણે જણાવ્યું હતુ.