પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાના કારણે માર્કેટમાં શાકભાજીના ભાવમાં પણ ભડકા જોવા મળી રહ્યા છે. તેમાંય સૌથી વધારે ચર્ચા લીંબૂ અને મરચાની થઈ રહી છે.
માર્કેટમાં લીંબૂ પર કોઈની નજર લાગી, ભાવો આસમાને પહોંચ્યા
લીલા શાકભાજીના ભાવ પણ વધ્યા
સામાન્ય લોકોને પડતા માથે પાટા જેવી સ્થિતિ
સામાન્ય માણસ માટે હાલ તો લીંબૂના દર્શન દુર્લભ થઈ ગયા છે, પણ સાથે સાથે હવે લીલી શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચી રહ્યા છે. ખિસ્સા ખાલી કરવામાં ડુંગળી પણ પાછળ નથી. નવરાત્રિ ચાલૂ છે. તેમ છતાં પણ ડુંગળીના ભાવ ચડેલા છે. નોઈડમાં લોકો હવે લીંબૂને જોઈને મોં ફેરવી રહ્યા છે. ઈંધણના વધતાં ભાવ, નવરાત્રિ અને રોઝા તથા ઓછા ઉત્પાદનના કારણએ લીંબૂના ભાવ 350થી 400 રૂપિયા કિલો સુધી પહોંચી ચુક્યા છે. ગૌતમબુદ્ધ નગરમાં લીલી શાકભાજીના ભાવ છેલ્લા બે ત્રણ દિવસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. લીલા શાકભાજીમાં ભિંડા, પરવળ, કાકડી, દૂધી, તુરિયા અને સીતાફળ સહિત કેટલાય શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા છે.
ત્રણથી ચાર દિવસમાં ક્યાંથી ક્યાં પહોંચી ગયા ભાવ
નોઈડાની ફુલપુર મંડી અને ગ્રેટર નોઈડાની માર્કેટમાં ભિંડા 100 રૂપિયાથી 125 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યા છે. જ્યારે કારેલા ત્રણ દિવસમાં 80 રૂપિયાથી 100 રૂપિયા કિલોએ પહોંચી ગયા છે. કહેવાય છે કે, નવરાત્રિમાં ઉપયોગ ઓછો હોવાના કારણે ડુંગળીના ભાવ ઘટી જતાં હોય છે. પણ માર્કેટમાં ડુંગળી 40થી 50 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહી છે.
જો કે, 40 રૂપિયે કિલોવાળી ડુંગળી ખૂબ જ નાની હોય છે. આદૂ 90થી 100 રૂપિયા કિલો સુધી પહોંચી ગયું છે. તો વળી શિમલા મરચા 100 રૂપિયે કિલો વેચાયા બાદ હવે 120 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયા છે. દૂધી 60 રૂપિયા કિલો અને સીતાફળ 50થી 60 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયા છે. ટામેટાના ભાવ પણ 70થી 90 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે.
શા માટે વધી રહ્યા છે શાકભાજીના ભાવ
પેટ્રોલ, ડીઝલ, એલપીજી, સીએનજી અને પીએનજીના ભાવ સતત વધી રહ્યા છે. નવરાત્રિ અને રોઝાના સમયમાં લીંબૂ અને અમુક ખાસ શાકભાજીની ડિમાન્ડ વધી ગઈ છે. તો વળી જાણકારોનું કહેવુ છે કે, આ વખતે લીંબૂથી લઈને અમુક ખાસ લીલી શાકભાજીનું ઉત્પાદન ઓછુ થયું છે. તો વળી ઈંધણના ભાવ મોંઘા હોવાના કારણે ખેડૂતો પોતાની શાકભાજી શહેર સુધી લાવવામાં સક્ષમ નથી. તેને લઈને લીંબૂ અને શાકભાજીના ભાવ વધી રહ્યા છે. જાણકારો કહી રહ્યા છે, નવરાત્રિ અને રોઝા ખતમ થયા બાદ ધીમે ધીમે ભાવ ઉતરવા લાગશે.