પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કાના મતદાન પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હુગલામાં ચૂંટણી રેલી ગજવી હતી જેમાં EVMને લઈને પ્રથમ વખત નિવેદન આપ્યું હતું.
પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી મોદીનો ઝંઝાવાતી પ્રચાર
EVMને લઈને આપ્યું મોટું નિવેદન
કહ્યું- અમ્પાયર પર સવાલ ઉઠાવનારની રમતમાં જ ખામી હોય છે
પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહાર કરતા જમાવ્યું હતું કે, જ્યારે કોઇ EVMને દોષ આપવા લાગે ત્યારે સમજી જવું જોઇએ કે નક્કી તેનો ખેલ ખતમ થઈ ચૂક્યો છે.PM મોદીએ કહ્યું કે, ક્રિકેટના મેદાનમાં કોઇ ખેલાડી વારંવાર અમ્પાયર પર સવાલ ઉઠાવે તો સમજી જવું જોઇએ કે, તેની રમતમાં કોઇ ખામી છે.
બંગાળના લોકો ભાજપની સરકાર ઇચ્છી રહ્યા છે : PM
PM મોદીએ કહ્યું કે, બંગાળના લોકો દરેક પરીક્ષામાં પાસ થઇ જાય છે. ફેઇલ તો તેવા લોકો થાય છે જેમણે બંગાળનો વિકાસ નથી કર્યો. આજે બંગાળમાં લોકોએ ફરીએકવાર પરિવર્તનની કમાન સંભાળી છે. સોનાર બાંગ્લાના વિઝનમાં અહીંના લોકો ભાજપની સરકાર બનાવવાનું ઇચ્છી રહ્યા છે. માટે અહીંના લોકોએ પહેલા 2 તબક્કાની ચૂંટણીમાં ભાજપની જીતનો રસ્તો નક્કી કર્યો છે. 2 મેના રોજ પરિણામ આવશે જેની ઝલક અમે 2 દિવસ પહેલા નંદીગ્રામમાં જોઇ ચૂક્યા છીએ.
બંગાળમાં 6 એપ્રિલે ત્રીજા તબક્કાનું મતદાન
બંગાળની 294 બેઠકો માટે 8 તબક્કામાં મતદાન થવાનું છે. પહેલા તબક્કાનું મતદાન 27 માર્ચ અને બીજા તબક્કાનું મતદાન 1 એપ્રિલે થઇ ચૂક્યું છે. હવે 6 તબક્કામાં મતદાન બાકી છે. ત્રીજા તબક્કામાં 31 બેઠકો માટે 6 એપ્રિલે મતદાન થશે. 2016ની ચૂંટણીમાં ટીએમસીએ અહીંની 211 બેઠકો જીતીને સરકાર બનાવી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે અહીંની 42 બેઠકોમાંથી 18 બેઠકો જીતી હતી. એટલા માટે આ વખતે ભાજપ અને ટીએમસી વચ્ચે ખરાખરીનો ખેલ જોવા મળી રહ્યો છે.
બંગાળમાં મમતાએ આયુષ્યમાન ભારત યોજના લાગુ થવા દીધી નહીં
પ્રધાનમંત્રીએ કહ્યું કે, કેન્દ્રની દરેક યોજના સામે દીદી દિવાલ બનીને ઉભી રહી છે. ગેરંટી વગર ગરીબોને લોન આપવાની સ્કીમ, આયુષ્યમાન યોજના હેઠળ 5 લાખ સુધીનો ઇલાજ કરવાની યોજના લાગુ છે. પરંતુ મમતા બેનર્જી આ બધુ જ બંગાળમાં લાગુ થવા દેતા નથી.
આસામમાં પણ ચૂંટણી સભાને કર્યું સંબોધન
આસામમાં ત્રીજા ચરણની ચૂંટણી માટે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. મતદાન પહેલા પ્રધાણાંત્રની મોદીએ આજે તામુલપુરમાં સભાને ગજવી હતી જેમાં એક સમય એવો આવ્યો કે પીએમ મોદીએ પોતાનું ભાષણ અધવચ્ચે અટકાવી દેવું પડ્યું. પીએમ મોદી સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે જ પાર્ટીનો એક કાર્યકર્તા બેભાન થઈ ગયો. પીએમ મોદીની નજર તે કાર્યકર્તા પર પડી તો તરત તેમણે મેડિકલ ટીમને ત્યાં પહોંચી જવા માટે આદેશ આપ્યો.
પોતાની સાથે આવેલા ડૉક્ટરોને મોકલ્યા
મંચ પર ભાષણ અટકાવીને પીએમ મોદીએ કહ્યું કે જે મેડિકલ ટીમ મારા સાથે આવી છે તરત ત્યાં પહોંચે, પાણીના અભાવમાં એક કાર્યકર્તાને કઇંક તકલીફ પડી છે. મારા સાથે જે ડૉક્ટરો આવેલા છે તે તરત આ અમારા સાથીની મદદ કરે. અમારા બંધુને પાણીના અભાવમાં તકલીફ પડી છે.
પીએમ મોદી પાંચ રાજ્યોમાં ચૂંટણી માટે ધમાકેદાર પ્રચાર કરી રહ્યા છે ત્યારે આજે આસામમાં પીએમ મોદીએ સેક્યુલરીઝમ પર જોરદાર હુમલો કર્યો છે. સેક્યુલરીઝમ પર કટાક્ષ કરતાં PM મોદીએ કહ્યું કે દેશમાં કેટલાક લોકો એવી વાતો ચલાવી રહ્યા છે જો સમાજમાં ભેદભાવ કરીને સમાજના ટુકડા કરીને પોતાના વૉટબેંક માટે કઈં આપો તો દુર્ભાગ્ય તો જુઓ આ વસ્તુને દેશમાં સેક્યુલેરીઝમ કહેવામાં આવે છે. પરંતુ જો અમારા જેવા બધા માટે કામ કરે, ભેદભાવ ન કરે, વિકાસ બધાને આપીએ તો અમે સાંપ્રદાયિક. સેક્યુલરીઝમ- કમ્યુનલિઝમની આ રમતે દેશનું બહુ નુકસાન કરી નાંખ્યું છે. અમે પરિશ્રમ કરનારા લોકો છીએ.