પાકિસ્તાનની શહેબાઝ શરીફ સરકારે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આ કારણે ત્યાંના લોકોની મુશ્કેલીઓ વધી છે.
પાકિસ્તાનના લોકોની ચિંતામાં ફરીથી વધારો
પેટ્રોલ ડીઝલ કેરોસીનમાં ભાવ વધારો
IMF પાસે લોન લેવા માટે આ ભાવ વધારો કરવામાં આવ્યો
આર્થિક સંકટનો સામનો કરતુ પાકિસ્તાન
આર્થિક સંકટનો સામનો કરી રહેલી પાકિસ્તાનની સરકારે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) દ્વારા નક્કી કરવામાં આવેલી શરતોને અનુરૂપ પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં વધારો કર્યો છે. આ નિર્ણય લાગુ થયા બાદથી તમામ પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવમાં લગભગ 14 રૂપિયાથી 19 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. સરકારે રોકડની તંગી વચ્ચે આઇએમએફ પાસેથી 6 અબજ ડોલરનું રાહત પેકેજ પુનઃસ્થાપિત કરવાની આશામાં આ પગલું ભર્યું છે.
પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો
પાકિસ્તાનના નાણા મંત્રાલયે ગુરુવારે જાહેર કરેલા નોટિફિકેશન મુજબ સરકારે પેટ્રોલ પર 10 રૂપિયા પ્રતિ લીટર અને હાઈ સ્પીડ ડીઝલ, કેરોસિન અને લાઈટ ડીઝલ ઓઈલ પર 5 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલિયમ ડ્યૂટી લગાવી છે. તેના કારણે પેટ્રોલના ભાવમાં 14.85 રૂપિયા, એચએસડીમાં 13.23 રૂપિયા, કેરોસીનમાં 18.83 રૂપિયા અને એલડીઓના ભાવમાં 18.68 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. પાકિસ્તાનમાં પેટ્રોલનો એક્સ ડેપો હવે 248.74 રૂપિયા પ્રતિ લિટર, હાઇ-સ્પીડ ડીઝલ 276.54 રૂપિયા, કેરોસીન 230.26 રૂપિયા અને લાઇટ ડીઝલ ઓઇલ ભાવ 226.15 રૂપિયા થઈ ગયો છે.
નવી સરકારે 4 વખત ભાવ વધાર્યો
એપ્રિલમાં સત્તા સંભાળનાર શેહબાઝ શરીફ સરકારના કાર્યકાળ દરમિયાન પેટ્રોલિયમ પેદાશોમાં આ ચોથો વધારો છે. નાણાં પ્રધાન મિફ્તાહ ઇસ્માઇલે જણાવ્યું હતું કે ઇમરાન ખાનના નેતૃત્વવાળી અગાઉની સરકારે હસ્તાક્ષર કરેલા કરારો સ્થગિત કર્યા બાદ ચાર મહિના મોડા કરેલ આઇએમએફ રાહત કાર્યક્રમને પુનઃસ્થાપિત કરવા માટે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે.
IMF રાહત પેકેજ મેળવવા પાકિસ્તાન કરી રહ્યું છે મહેનત
આઇએમએફે રાહત પેકેજને ફરીથી શરુ કરવા માટે વીજળીના દરમાં વધારો અને પેટ્રોલિયમ પેદાશો પર ડ્યુટી લાદવા જેવી કડક પૂર્વ શરતો મૂકી છે. આ શરતોનો અમલ કર્યા પછી આઇએમએફ તેના એક્ઝિક્યુટિવ બોર્ડને લોનના હપ્તાની મંજૂરી અને કાર્યક્રમના પુન શરુ કરવા માટેની પાકિસ્તાનની વિનંતીને પેશ કરશે. આ પ્રક્રિયામાં હજુ એક મહિનો લાગી શકે છે. 22 જૂને પાકિસ્તાને આઇએમએફ સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં અટકી પડેલા 6 અબજ ડોલરના સહાય પેકેજને પુન:સ્થાપિત કરવા અને અન્ય આંતરરાષ્ટ્રીય સ્રોતોમાંથી ભંડોળ મેળવવાનો માર્ગ ખુલ્લો કરવા માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.