રાજકોટ પી.ડી.યુ. મેડિકલ કોલેજની રૂબરૂ મુલાકાત
રાજકોટ જિલ્લાની કોરોના સંબંધિત પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રાજકોટ આવી પહોંચેલા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના તમામ જિલ્લાઓમાં પ્રભારી સચિવોની નિમણૂક કરી છે, જે અન્વયે તમામ પ્રભારી સચિવો તેમના સંબંધિત જિલ્લાઓની મુલાકાત લઈને કોરોનાની પરિસ્થિતિનું સમગ્રતયા આકલન કરી રહ્યા છે. રાજ્ય સરકારે જિલ્લા વહીવટીતંત્રને જરૂરિયાત મુજબનો સ્ટાફ ફાળવવા માટેના અધિકારો આપ્યા છે. નાગરિકોની સલામતીની તમામ વ્યવસ્થા માટે પોલીસ વિભાગ સતત કાર્યરત છે. પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "આત્મનિર્ભર ભારત" અંતર્ગત આપણા જ દેશમાં બનેલી કોરોના વિરોધી રસીથી કોરોના સામે રક્ષણ મેળવીને દુનિયાને ભારતની તાકાતનું દર્શન કરાવ્યું છે. કોરોનાનો સામનો કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય વેક્સિનેશન જ છે, આથી નાગરિકોને મહત્તમ વેક્સિનેશન કરાવવા ખાસ અપીલ છે.
રાજકોટના રસીકરણ કાર્યક્રમના કર્યા વખાણ
રસીકરણના પ્રથમ ડોઝમાં ૧૦૦ ટકા અને બીજા ડોઝમાં ૯૦ % ની સિધ્ધિ હાંસલ કરવા બદલ મંત્રી વાઘાણીએ જિલ્લા વહીવટીતંત્ર તથા રાજકોટ મહાનગરપાલિકાને અભિનંદન આપ્યા હતા. ૧૫ થી ૧૮ વર્ષ ના રાજકોટ ગ્રામ્યના ૯૫ હજાર અને શહેરના ૮૩ હજાર બાળકોને ૮૦ ટકાથી વધુ રસીકરણ કરવા બદલ આરોગ્ય વિભાગની પણ મંત્રી વાઘાણીએ સરાહના કરી હતી.
મુલાકાત દરમિયાન રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ, હોસ્પિટલો અને તેમાં પૂરતા પ્રમાણમાં બેડની ઉપલબ્ધતા,રેપિડ ટેસ્ટ માટેની વ્યવસ્થા,ગંભીર પેશન્ટો માટે પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની વ્યવસ્થા, વેક્સિનેશન અંગે ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી ઉપસ્થિત અધિકારીશ્રીઓ ને જરૂરી માર્ગદર્શન આપ્યું. pic.twitter.com/rw1KhSb9Wl
૮૩૨૦ બેડ, ૧૦૦ ધન્વંતરી રથ તથા ૫૦ સંજીવની રથ ફરી કાર્યરત થશે
મંત્રી વાઘાણીએ આંકડાકીય વિગતો આપતા જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા ૮૩૨૦ બેડ તાત્કાલિક ધોરણે તૈયાર કરવાના આદેશો અપાયા છે, જે પૈકી ૬૩૦૦ બેડ હાલ ઉપલબ્ધ છે. રાજકોટ ખાતે ૧૫.૬ મેટ્રિક ટનની ક્ષમતાવાળી ૨૪ ઓક્સિજન ટેન્ક પણ તૈયાર કરવામાં આવી છે, જેથી કોરોનાની ત્રીજી લહેર બાબતે કોઈ પણ પ્રકારના સાધનોની કે સુવિધાની અછત ન સર્જાય.મનુબેન ઢેબરભાઈ સેનેટોરીયમમાં ૧૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે આવનારા ૧૦ થી ૧૫ દિવસો દિવસોમાં આરોગ્ય વિભાગની ૪૧૧ ટીમ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે-ઘર સર્વે કરીને લોકોને કોરોના સામે રક્ષણ પૂરું પાડશે. આ માટે ૧૦૦ ધન્વંતરી રથ તથા ૫૦ સંજીવની રથને કાર્યરત કરવામાં આવ્યા છે. લોકોને તાવ-શરદી-નબળાઈ જેવા કોઈ પણ લક્ષણો જણાય તો તરત જ ટોલ ફ્રી નંબર ૧૦૭૫ પર સંપર્ક કરવા મંત્રી વાઘાણીએ અનુરોધ કર્યો હતો. કોરોનાથી બાળકોને બચાવવા માટે ઠંડા પીણા અને ઠંડી વસ્તુઓ ન આપવા ખાસ ભાર મુક્યો હતો.