જો તમે કાર ખરીદવા માંગો છો પણ તમારી પાસે પૈસા નથી તો મારુતિ સુઝુકી તમારા માટે એક આકર્ષક સબસ્ક્રાઈબ સ્કીમ લઇને આવ્યા છે. તમે આ સ્કીમ વડે અમદાવાદમાં સ્વીફ્ટનું LXI મોડેલ ફક્ત 14,665 રૂપિયા પ્રતિ મહિનાના દરે મેળવી શકો છો.
આ સ્કીમ અંતર્ગત તમે નવી ગાડી ઘરે લઇ જઈ શકો છો. હાલ આ સ્કીમને 4 શહેરો મુંબઈ, ચેન્નાઈ, અમદાવાદ અને ગાંધીનગરમાં લાગુ કરવામાં આવી છે પરંતુ આ યોજનાને 3 વર્ષમાં દેશના 60 શહેરોમાં લોન્ચ કરવાની યોજના છે.
મારુતિના કહ્યા પ્રમાણે તેણે આ માટે ઓરિક્સ કોર્પોરેશન સાથે જોડાણ કર્યું છે. આ સબસ્ક્રિપ્શન સ્કીમ પહેલા દિલ્હી NCR, બેંગ્લોર, હૈદરાબાદ અને પુણેમાં શરુ કરવામાં આવી હતી.
શું છે યોજના?
મારુતિએ કહ્યું છે કે આ યોજના પ્રમાણે ગ્રાહક ગાડીને ખરીદ્યા વિના ગાડી ચલાવી શકશે. આ માટે તેમણે માસિક ભાડું ભરવું પડશે. આ ભાડામાં ગાડીની સર્વિસીસ, વીમો, રસ્તામાં વાહન ખરાબ થઇ જવું તેવા તમામ ખર્ચનો સમાવેશ થઈ જશે.
એવું જાણવા મળ્યું છે કે આ યોજનાને સારો પ્રતિસાદ સાંપડ્યો છે. અત્યાર સુધી 6000થી વધારે ગ્રાહકોએ આ માટે પૂછપરછ કરી છે.
કઈ કઈ કારના વિકલ્પ મળે છે?
આ સ્કીમમાં તમને સ્વીફ્ટ, વીટારા બ્રેઝા, એર્ટીગા, નેક્સાની બલેનો, સીઆઝ અને XL6 જેવી ગાડીઓમાંથી કોઈ ગાડી સિલેક્ટ કરવાનો વિકલ્પ મળે છે.