બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / lal baug cha raja darshan : devotees are standing in 8 to 10 hours of queue for darshan, questions on vvip culture
ADVERTISEMENT
દેશભરમાં અત્યારે ધામધૂમ ગણેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં લાખો લોકો ગણેશજીને પોતાના ઘરે બિરાજમાન કરે છે ત્યારે મુંબઈની ગણેશ ગલી વિસ્તારમાં બિરાજતા લાલ બાગ ચા રાજયના દર્શનનું વિશેષ મહત્વ છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો તથા મોટી હસ્તીઓ બાપ્પા સામે નતમસ્તક થવા માટે પહોંચે છે. ત્યારે જુઓ લાલ બાગ ચા રાજા પંડાલથી ગ્રાઉન્ડ રિપોર્ટ.
8થી 10 કલાક સુધી ધીરજની પરીક્ષા લે છે બાપ્પા
લાલ બાગ ચા રાજાના દર્શન માટે 24 કલાક લાઇન ચાલુ જ રહે છે, મોટા ભાગના ભક્તો લોકલ ટ્રેનથી લોઅર પરેલ સ્ટેશન પર ઉતરીને ચાલતા જ આ ગણેશ પંડાલ સુધી પહોંચી શકે છે. ભીડને જોતાં આખો રસ્તો વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યાં જુઓ ત્યાં માણસોના ટોળેટોળાં ગણપતિ બાપ્પા મોરિયા બોલતા બોલતા આગળ વધતાં જાય. આ વર્ષ જે પ્રકારે ભીડ ઉમટી રહી છે તેમાં ભક્તોને સામાન્યપણે 8થી 10 કલાકે દર્શન કરવા મળી રહ્યા છે, ચરણસ્પર્શ માટે તો 12થી 14 કલાકનો સમય પણ લાગી શકે છે.
ADVERTISEMENT
પંડાલની બહાર રોડ પર જ 4થી 6 કલાકની લાઇન
દર્શન માટે દેશ અને દુનિયાથી એટલી ભીડ આવી રહી છે કે પંડાલની બહાર ફૂટપાથ પર રેલિંગ મૂકવામાં આવી છે જ્યાં એક કિલોમીટર કરતાં પણ લાંબી કતાર લાગે છે. રેલિંગની એક બાજુ દુકાનો છે અને બીજી બાજુ નેતાઓના મોટા મોટા પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે. જેના કારણે કતારમાં ઊભા રહેલા લોકોને શ્વાસની સમસ્યા સૌથી વધુ થાય છે. લાલ બાગ ચા રાજયના પંડાલ સુધી જ ભક્તો પહોંચે ત્યાં સુધી ખાવાની વાત તો દૂર રહી, પીવાના પાણીની સુવિધા પણ તંત્ર કે પછી સંચાલકો દ્વારા કોઈ સુવિધા આપવામાં આવતી નથી.
ADVERTISEMENT

મોટા પંડાલમાં પહોંચો એટલે એક પડાવ પાર, બીજો શરૂ
કલાકો સુધી કતારમાં ઊભા રહ્યા બાદ ભક્તો લાલ બાગ ચા રાજાના પંડાલની અંદર પ્રવેશ કરી શકે છે. અહીં એક નાનકડી દુકાનમાંથી પસાર થઈને મોટા મેદાનમાં પ્રવેશ મળે છે. આ મેદાનમાં મોટો ડોમ બાંધવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો તથા પોલીસ જવાનો ખડેપગે રહે છે. ડોમમાં મોટી મોટી સ્ક્રીન લગાડવામાં આવી છે અને અહીંથી જ મુખ દર્શન અને ચરણસ્પર્શ માટેની કતાર જુદી કરવામાં આવે છે. આ ડોમની અંદર જ ઝીગઝેગ આકારની કતારમાં ઘણા કલાક સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે.
ADVERTISEMENT
મુખ દર્શનમાં દૂરથી જ ગણેશજીના દર્શન થઈ શકે છે, જ્યારે ચરણસ્પર્શમાં મૂર્તિની એકદમ સમીપ બાપ્પાના ચરણોમાં માથું નમાવવાનો લ્હાવો મળે. મુખ દર્શનમાં ચરણસ્પર્શ કરતાં પ્રમાણમાં ઓછો સમય લાગે છે.
ADVERTISEMENT
VVIP લોકોને ખાસ સુવિધા અપાતાં લોકોમાં રોષ
લાલ બાગ ચા રાજાના દર્શન કરવા માટે દરરોજ એક બાદ એક સેલિબ્રિટીઓ આવતા હોય છે. જેવી જ કોઈ હસ્તી આવે એટલે સામાન્ય લોકોની લાઇન બંધ કરી દેવામાં આવે, અને સેલિબ્રિટીને શાંતિથી દર્શન કરવા મળે, સેલિબ્રિટીઓ બાપ્પા સાથે ફોટોઝ પડાવી લે, રીલ્સ બનાવી લે પછી પ્રસ્થાન કરે, બાદમાં ફરીથી સામાન્ય લોકોની કતાર શરૂ કરવામાં આવે.
આસ્થા હોય ત્યાં મુશ્કેલીઓ ન નડે
કલાકો ભૂખ્યા તરસ્યા, ધક્કામુક્કી કર્યા બાદ જ્યારે ભક્તોને ગણપતિ બાપ્પાના દર્શન થાય ત્યારે અલગ જ ધન્યતાની અનુભૂતિ થતી હોય છે. વિઘ્નહર્તા ગણેશજીમાં ભક્તોને એટલી આસ્થા છે કે દર્શન કરવામાં ભલે ગમે તેટલા વિઘ્નો આવે પણ બાપ્પાની એક ઝલક જોવા મળી જાય તો પણ જીવનમાં આવતા તમામ વિઘ્નો દૂર થઈ જાય છે.
ADVERTISEMENT
સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ
લાલ બાગ ચા રાજાના દર્શન માટે દરરોજ લાખોની ભીડ આવે છે, એવામાં તમામ ભક્તો શાંતિથી દર્શન કરે તેવી વ્યવસ્થા ઊભી કરવું તો લગભગ અશક્ય છે. ભક્તો પોતે પણ આ વાત સ્વીકારવા તૈયાર છે. પણ VIP કલ્ચર સામે મોટા ભાગના લોકોને રોષ છે, જે સોશ્યલ મીડિયામાં પણ જોવા મળી રહ્યો છે. આ વર્ષે પણ શાહરુખ ખાન જેવી બોલિવૂડ હસ્તીઓ તથા અંબાણી પરિવાર જેવા VVIP ભક્તોને ખૂબ સુવિધા સાથે દર્શન કરવા મળ્યા, જેને લઈને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે ભગવાન સામે આ પ્રકારનો ભેદભાવ કેમ?
હાલ સોશ્યલ મીડિયામાં તેનો એક વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં સુરક્ષાકર્મીઓ દ્વારા ભક્તોના કપડાં ખેંચીને તેમને દૂર કરવામાં આવી રહ્યા છે જ્યારે VVIP લોકોને ત્યાં મજાથી રીલ્સ બનાવે છે અને ફોટોઝ પડાવે છે.
લાખોની ભીડ હોય ત્યાં વધુ સમય સુધી દર્શન કઈ રીતે કરવા મળે?
જોકે પંડાલમાં કામ કરતાં કાર્યકર્તાઓએ કહ્યું કે, અહીં દરરોજ લાખોની ભીડ આવે છે, જો તમામ ભક્તોને 2થી 3 મિનિટ સુધી દર્શન કરવાનો સમય આપીશું, તો કતારમાં પાછળ ઊભા રહેલા લોકોનો વારો ક્યારે આવશે?
90 વર્ષથી કરવામાં આવે છે આયોજન
લાલ બાગ ચા રાજાનો ઈતિહાસ વર્ષ 1934થી જોડાયેલો છે. જે વિસ્તારમાં લાલ બાગ ચા રાજા વિરાજે છે, ત્યાં 1900ના દાયકામાં કપાસની 130 ફેક્ટરીઓ હતી. 1932માં આ મોટું માર્કેટ બંધ થઈ ગયું, અહીં રહેતા કારીગરો અને વેપારીઓ પર તેની માઠી અસર પડી. માન્યતા છે કે માછીમારો કરતાં પરિવારોને માનતા રાખી કે તેમનો રોજગાર બચી જશે તો ગણેશજીની સ્થાપના કરીશું.
એક જ પરિવાર દર વર્ષે બનાવે છે મૂર્તિ
બાપ્પાની કૃપાથી નવું માર્કેટ શરૂ થઈ ગયું અને અહીં રહેતા લોકોના જીવનમાં ફરીથી ખુશીઓની હેલી થઈ ગઈ. જે બાદ પહેલીવાર લાલ બાગ ચા રાજાની સ્થાપના કરવામાં આવી, 1935માં કાંબલી પરિવાર દ્વારા અહીંની મૂર્તિની જવાબદારી લેવામાં આવી અને આજ દિન સુધી એ જ કાંબલી પરિવારના વંશજો અહીંની મૂર્તિ બનાવે છે.
શરૂઆતના ત્રણ જ દિવસમાં કરોડોનું દાન

મંડળ દ્વારા કરવામાં આવે છે સેવાના કાર્યો
લાલ બાગ ચા મંડળ દ્વારા દાનમાં આવેલી રકમથી સેવાનું કામ કરવામાં આવે છે, આ મંડળની પોતાની ઘણી હોસ્પિટલ છે અને ઍમ્બ્યુલન્સ પણ ગરીબોને મફત સેવા આપવા માટે દોડાવવામાં આવે છે. દેશમાં જ્યારે કોઈ મોટી આફત આવે ત્યારે અહીંથી ફંડની મદદ પણ ટ્રસ્ટ મંડળ દ્વારા અવાર નવાર કરવામાં આવતી હોય છે.
બાપ્પાની આરતીના દર્શન:
ચોપાટીમાં મૂર્તિનું વિસર્જન
લાલ બાગ ચા રાજાને નવસાચા ગણપતિ એટલે કે ઈચ્છાઓ પૂર્તિ કરનાર ગણેશજી તરીકે પણ ઓળખવામાં આવે છે. 10 દિવસ સુધી ધામધૂમથી ઉજવણી બાદ ગિરગાંવ ચોપાટીમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.