અમદાવાદમાં રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાઈ તે માટે AMC દ્વારા સન્માનભેર રાષ્ટ્રધ્વજ પરત લેવાનો આવકારદાયક નિર્ણય કરાયો છે.
રાષ્ટ્રધ્વજનુ સન્માન જાળવવા AMCનો નિર્ણય
કોઈને રાષ્ટ્રધ્વજ પરત કરવો હોય તો AMCને પરત કરી શકશે
AMC સન્માન સાથે રાષ્ટ્ર ધ્વજ પરત લશે
દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની આજે ગર્વભેર શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ ગૌરવવંતા અવસરે ઠેર-ઠેર તિરંગા લહેરાવવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદમાં પણ હર ઘર તિરંગા અભિયાનને વધાવી લઇ મોટા ભાગના લોકોએ પોતાના ઘર પર તિરંગો ફરકાવ્યો હતો. તેવામાં હવે જ્યારે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્ણ થઇ છે ત્યારે અમદાવાદમાં રાષ્ટ્ર ધ્વજનું સન્માન જાળવવા માટે AMC દ્વારા સરાહનીય નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં લોકો AMCને રાષ્ટ્રધ્વજ પરત કરી શકશે. AMC રાષ્ટ્રધ્વજને પરત લઇ તેનું સન્માન જળવાઇ તેવી વ્યવસ્થા કરશે તેમ જણાવાયુ છે.
AMC સન્માન સાથે રાષ્ટ્રધ્વજને લેશે પરત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભારતના લોકોને અપીલ કરી13થી 15 ઑગસ્ટ સુધી પોતાના ઘરે તિરંગો ફરકાવવા આહવાન કર્યું હતું આ માટે સરકાર દ્વારા નિર્ણયો પર હળવા કરાયા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનુરોધને લોકોએ વધાવી લીધો હતો અને હર ઘર તિરંગા અભિયાનને લઈને અમદાવાદના મોટા ભાગના ઘરો પર લોકોએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. આખું અમદાવાદ જાણે દેશભક્તિના રંગે રંગાયુ હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. મોટી સંખ્યામાં રાષ્ટ્રધ્વજ લહેરાયા હોવાથી ઉજવણી બાદ રાષ્ટ્રધ્વજના અપમાનનો ડર જાણકારોમાં સતાવતો હતો. જેને પગલે આજે 'રાષ્ટ્રધ્વજ' ઘરે ન રાખવો હોય તો AMC સન્માન સાથે પરત લેશે. ફ્લેગ કોડનો ભંગ ન થાય તે માટે તંત્ર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
ફ્લેગ કોડનો ભંગ ન થાય તે માટે AMCનો નિર્ણય
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જણાવાયા અનુસાર કોઈને રાષ્ટ્રધ્વજ પરત કરવો હોય તો AMC સન્માન સાથે રાષ્ટ્ર ધ્વજ પરત લશે. આ ઉપરાંત કોઈ પણ શહેરીજનો ઘરે રાખવા માગે તો તેને સાચવી અને રાષ્ટ્રધ્વજની ગરિમાં જળવાઈ તે રીતે રાખવો પડશે તેમ સૂચના આપવામાં આવી છે. રાષ્ટ્રધ્વજ પરત કરવા માંગતા લોકોએ નજીકના સીવિક સેન્ટર, વોર્ડ ઓફિસનો સંપર્ક કરીને રાષ્ટ્રધ્વજ પરત કરી શકશે. ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયાના નિયમનો ભંગ ન થાય તે માટે નિર્ણય કરાયો છે. નોંધનીય છે કે, દર વર્ષે રાષ્ટ્રીય પર્વની ઉજવણી બાદ રાષ્ટ્રધ્વજનું સન્માન ન જળવાતું હોવાના કિસ્સાઑ સામે આવતા હોવાથી તમામ શહેરોમાં આ નિર્ણય લેવામાં આવે તે આવકારદાયક બાબત છે.