કચ્છમાંથી ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો યથાવત, ફરી એકવાર અબડાસામાંથી મળ્યા 10 પકેટ ચરસ મળી આવતા મરીન પોલીસ થઇ સતર્ક
કચ્છમાંથી મળી આવ્યાં ચરસના વધુ 10 પેકેટ
અબડાસાના સિંધોડી નજીક મળ્યાં ચરસના પેકેટ
જખૌ મરીન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળ્યાં પેકેટ
ગુજરાતના દરિયાકાંઠે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક હોવાના દાવા વચ્ચે ડ્રગ્સ મળવાની ઘટનાઓમાં કોઇ ફેરફાર જોવા મળ્યો નથી. ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સના દૂષણ મામલે પહેલેથી જ બદનામીનો માર ભોગવી રહ્યો છે. આ રમણીય દરિયા માથે સફેદ કલંક સમાન ડ્રગ્સનો અવારનવાર જથ્થો ઝડપાઇ રહ્યો છે. તેવાં સંજોગો વચ્ચે આજે ફરી એક વાર કચ્છ વિસ્તારમાંથી ચરસના 10 પેકેટ મળી આવ્યા.
સિંધોડી નજીક ચરસના પેકેટ મળ્યા
અબડાસાના સિંધોડી નજીક જખૌ મરીન પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી આ દરમિયાન ચરસના પેકેટ મળી આવ્યા. મરીન પોલીસે ચરસ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથધરી છે. છેલ્લા ઘણા સમયથી અવારનવાર ડ્રગ્સ મળી આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતના દરિયાકાંઠા પર ચુસ્ત બંદોબસ્ત અને સુરક્ષા કર્મીઓ તૈનાત કરવા અનિવાર્ય થઇ પડે છે.
24મેના રોજ ડ્રગ્સનું એક પેકેટ મળ્યું હતું
મહત્વનું છે કે ચાર દિવસ અગાઉ પણ અબડાસામાંથી જ ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું હતું. દરિયાકાંઠેથી ડ્રગ્સનુ 1 પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસ તંત્ર સાબદું બન્યું હતું. પશ્ચિમ ક્ચ્છ SOG સ્ટાફ પેટ્રોલિંગમાં હતો આ દરમિયાન બે શખ્સો શંકાસ્પદ હાલતમાં નજરે ચડયા હતા. જેને લઈને પોલીસે આ બંનેની અટકાયત કરી હતી. ત્યારબાદ પોલીસે તલાશી લેતા તેના કબ્જામાંથી ડ્રગ્સનુ 1 પેકેટ ઝડપાયુ હતું.
આરોપીઓ ડ્રગ્સ વેચવા નીકળ્યાને ચડયા પોલીસ ઝપટે
પશ્ચિમ ક્ચ્છ SOG દ્વારા આરોપીની કરાયેલી પૂછપરછમાં આ બંને શખ્સોને દરિયામા માછીમારી દરમિયાન ડ્રગ્સ મળ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. આ પેકેટને વેચવા નીકળ્યા હતા જે વેળાએ બન્ને આરોપીઓ પોલીસ ઝપટે ચડયા હોવાની માહિતી મળી હતી.