Khodaldham president Naresh Patel video viral on patidar Dominance
VIDEO /
આપણે લેઉવા પટેલ બસ 2 જગ્યાએ પાછળ રહી ગયા : ખોડલધામ નરેશ પટેલનો જૂનો વીડિયો કેમ થઈ રહ્યો છે વાયરલ
Team VTV07:21 PM, 22 Dec 20
| Updated: 07:23 PM, 22 Dec 20
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા થોડા દિવસ અગાઉ લેઉવા પાટીદાર આગેવાનોની ખોડલધામ ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકને રાજકીય રીતે બેઠક ખૂબ જ સૂચક ગણવામાં આવે છે. આ બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને AAPના રાજકીય આગેવાનો હાજર રહ્યાં હતા. રાજકારણમાં ઘટતા વર્ચસ્વ મુદ્દે ગંભીર ચર્ચા થઇ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ વચ્ચે હવે ખોડલધામ પ્રમુખ નરેશ પટેલનો એક વીડિયો વાયરલ થયો છે.
ખોડલધામ પ્રમુખ નરેશ પટેલનો વીડિયો વાયરલ
લેઉવા સરકારી નોકરી અને રાજકારણમાં પાછળઃ નરેશ પટેલ
ખોડલધામમાં થોડા દિવસ અગાઉ કોંગ્રેસ-ભાજપની બેઠક મળી હતી
વિધાનસભાની પેટાચૂંટણી ખતમ થયા બાદ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. આ ચૂંટણી રાજકીય રીતે પરિવર્તન કારી અને ભવિષ્યનો આયનો બતાવનારી માનવામાં આવે છે. ત્યારે પાટીદાર સમાજ પોતાના વર્ચસ્વ અને નેતૃત્વને મજબૂત બનાવવા એક થયું હોવાની ચર્ચા છે. એટલું જ નહીં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમીપાર્ટીના નેતાઓ ખોડલધામ ખાતે ભેગા પણ થયા હતા. આ તમામે રાજકીય વચસ્વ મુદ્દે ચર્ચા પણ કરી હતી. તેવામાં હવે ખોડલધામ પ્રમુખ નરેશ પટેલનો એક વીડિયો વાયરલ થયો છે. જોકે આ વાયરલ વીડિયો વર્ષ 2019નો હોવાનું અનામન લગાવવામાં આવી રહ્યું છે.
રાજકારણમાં સરપંચથી સાંસદ સુધી લેઉવા પટેલના વ્યક્તિ હોવા જોઈએઃ નરેશ પટેલ
નરેશ પટેલે ખોડલધામ ટ્રસ્ટના સ્વપ્ન અંગે વાત કરી હતી. નરેશ પટેલે જણાવ્યું હતું કે, લેઉવા સરકારી નોકરી અને રાજકારણમાં પાછળ છે. સરકારી નોકરીમાં ક્લાર્કથી કલેકટર સુધી લેઉવા જ હોવા જોઇએ. રાજકારણમાં સરપંચથી સાંસદ સુધી લેઉવા પટેલના વ્યક્તિ હોવા જોઈએ. આ વીડિયો વર્ષ 2019નો હોવાનું અનુમાન છે. જોકે આ વીડિયો ખોડલધામમાં મળેલ કોંગ્રેસ અને ભાજપની મળેલી બેઠક બાદ વાયરલ થયો છે. જેને લઇને આ વીડિયો મામલે અનેક તર્ક વિતર્કો ઊભા થયા છે.
પાટીદાર સમાજને બેઠકની જરૂર કેમ પડી?
2015 પછી પાટીદાર સમાજ રાજકીય અને સામાજિક રીતે એકલતા અનુભવી રહ્યો છે. સૌરાષ્ટ્રના પાટીદારમાં જે તે સમયે નિખિલ દોંગા આગળ પડતું નામ હતુ. ગોરધન ઝડફિયા જયારે GPPમાંથી ચૂંટણી લડ્યા ત્યારે નિખિલ દોંગાએ ઝડફિયાનું ખુલ્લુ સમર્થન કર્યુ હતુ. નિખિલ દોંગા જયેશ રાદડિયાના પણ ખાસ માણસ છે. જયેશ રાદડિયા 2012 પછી ભાજપમાં ભળી ગયા, વખત જતા ઝડફિયાએ પણ ઘરવાપસી કરી.
2019ની લોકસભા ચૂંટણીમાં રમેશ ધડુકનો લોકસભામાં વિજય થતા રાદડિયાનું રાજકીય કદ ઘટ્યું. રાદડિયાનું કદ ઘટતા નિખિલ દોંગા પર કાયદાનો સકંજો કસાયો. ગોંડલ અને રાજકોટમાં અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ સામે નિખિલ દોંગા વચ્ચેનું કોલ્ડવોર રાજકીય વર્તુળોમાં જાણીતું છે. નિખિલ દોંગા સામે તાજેતરમાં જ ગુજસીટોકનો કાયદો લગાવવામાં આવ્યો છે. જામનગરમાં દિપન ભદ્રનના આગમન બાદ જયેશ પટેલ સામે પણ કાયદાનો ગાળિયો કસાયો છે. પાટીદારો સમાજની વાત કરી રહ્યા છે પરંતુ બંધ બારણે નિખિલ દોંગા, જયેશ પટેલની ચર્ચા અવગણી નથી શકતા. પાટીદારોને રક્ષણ આપવા જે લોકો ઉભા કરાયા આજે તે જ લોકો સાઈડલાઈન કરાયાની અંદરખાને લાગણી અનુભવાઈ રહી છે. રાજકીય રીતે પણ પાટીદારોનું કદ ઘટી રહ્યું હોવાનો ખ્યાલ પ્રબળ બન્યો છે.
ભાજપમાં જીતુ વાઘાણીને રિપીટ ન કરાયા જયારે કોંગ્રેસ ધાનાણીને હટાવવા માંગે છે. કોંગ્રેસે 1990 પછી કોઈ પાટીદાર ચહેરો રાજ્યસભામાં નથી મોકલ્યો. 2015 પછી વર્તમાન સરકાર પણ પાટીદારો સાથે ચોક્કસ અંતર રાખી રહી હોવાની ભાવના પ્રબળ થઈ.
શું પાટીદારો રાજકીય એકલતા અનુભવે છે?
તેવામાં સવાલ થાય છે કે શું પાટીદારો રાજકીય એકલતા અનુભવે છે? સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નવા-જૂની થશે? પાટીદાર આગેવાનોએ કેમ યોજી બેઠક? ભાજપ-કોંગ્રેસના પાટીદાર આગેવાનોની હાજરી શું સૂચવે છે? અનામત આંદોલન પછી પાટીદારોની સામે તમામ જ્ઞાતિઓ છે? શું રાજકીય રીતે પાટીદારોનું વજૂદ ઓછું થઈ રહ્યું છે? કોંગ્રેસ-ભાજપથી પરે સમાજનું તટસ્થ વલણ ન હોઈ શકે? સામાજિક ક્રાંતિને કારણે સરકાર અને સમાજને અણગમતા થયા? રાજકીય અસ્તિત્વ પાટીદારો માટે કેટલું મહત્વનું છે? પાટીદાર સમાજનું આગળના 20 વર્ષનું લક્ષ્યાંક શું છે?