બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Impact of Sargasan's 'Hathiyarkand': 'No Entry' for vehicles without stickers in several society-complexes in Ahmedabad

મહત્વનો નિર્ણય / સરગાસણના 'હથિયારકાંડ'ની અસર: અમદાવાદની અનેક સોસાયટી-કોમ્પ્લેક્સમાં સ્ટીકર વિનાનાં વાહનોને ‘No Entry’

Priyakant

Last Updated: 04:50 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sargasan Car Weapons News: સોસાયટી કે કોમર્શિયલ કોમ્પ્લેક્સનાં પ્રિમાઈસિસમાં બિનવારસી વાહનો જોતાં જ રહીશો તરત પોલીસને જાણ કરશેઃ પોલીસની અપીલ બાદ લોકો વધુ એલર્ટ બન્યા

  • ગાંધીનગરના સરગાસણના હથિયારકાંડની અસર 
  • અનેક સોસાયટી-કોમ્પ્લેક્સમાં સ્ટિકર વગરનાં વાહનોને ‘નો એન્ટ્રી’
  • બિનવારસી વાહનોની વિગત વોટ્સએપ ગ્રૂપમાં આવી જશે

ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલા એક ફ્લેટના બેઝમેન્ટ પાર્કિંગમાંથી બિનવારસી કારમાં હથિયારો મળી આવવાની ચકચારી ઘટના બાદ અમદાવાદની સોસાયટી તેમજ ફ્લેટોના રહીશોએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. સોસાયટીમાં બિનવારસી વાહન જોવા મળશે તો તરત જ પોલીસને જાણ કરવામાં આવશે. આ સિવાય સોસાયટીએ નક્કી કરેલાં સ્ટિકર જો વાહન પર લગાવેલાં હશે તો જ તેને પાર્કિંગમાં એન્ટ્રી આપવામાં આવશે, જ્યારે સ્ટિકર વગરનાં વાહનને ‘નો એન્ટ્રી’ રહેશે.  

અમદાવાદની નવી સોસાયટી અને ફ્લેટોમાં રહીશોનાં વાહનો પર સ્ટિકર લગાવેલાં હોય છે. જેનાં કારણે તે પાર્કિંગમાં પોતાનાં વાહનો પાર્ક કરી શકે છે જ્યારે કોઇ પણ મુલાકાતીએ પોતાનાં વાહનો સોસાયટીની બહાર પાર્ક કરવાં પડે છે. કેટલાક મુલાકાતીઓ સિક્યોરિટી ગાર્ડ સાથે બોલાચાલી કરીને બળજબરીથી વાહન પાર્કિંગમાં પાર્ક કરી દેતાં હોય છે. સોસાયટીના સૂચના બોર્ડ પર પણ લખેલું હોય છે કે મુલાકાતીઓએ પોતાનાં વાહનો બહાર પાર્ક કરવાં. બોર્ડમાં સૂચના લખેલી હોવા છતાંય મુલાકાતીઓ પાર્કિંગમાં વાહનો પાર્ક કરીને જતા રહે છે. 

શું થયું હતું બે દિવસ પહેલા ? 
બે દિવસ પહેલાં સરગાસણમાં ફ્લેટનાં બેઝમેન્ટમાં હથિયારો ભરેલી કાર મળી આવી હતી. સરગાસણના સ્વાગત એફોર્ડ સોસાયટીમાં પરેશભાઈ જશવંતલાલ સોની ચેરમેન તરીકે સેવા આપે છે. તેઓ 7 મેના રોજ રાત્રે આઠેક વાગ્યે સોસાયટીના બેઝમેન્ટના રસ્તે ઊભા હતા ત્યારે સોસાયટીમાં સ્ટિકર વગરની એક કાર રોંગ સાઈડે બેઝમેન્ટમાં પહોંચી હતી અને પરેશભાઈએ ધ્યાન દોરતાં સિક્યોરિટી સ્ટાફે બેઝમેન્ટમાં તપાસ કરી હતી. GJ.01.RJ.5702 નંબરની હ્યુન્ડાઈ વર્ના કારની ડ્રાઈવર સાઈડનો પાછળનો કાચ તૂટેલો હતો. સોસાયટીના સભ્યોને શંકા જતાં ભેગા થઈ કાર જોવા પાર્કિંગમાં પહોંચ્યા હતા. તૂટેલા કાચમાંથી કારની પાછળની સીટમાં બાર બોર રાઈફલનાં કાર્ટિજ જોવાં મળ્યાં હતાં. ગભરાયેલા રહીશોના કહેવાથી પરેશભાઈએ ગાંધીનગર પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી.

આ ગુનાના કામે પકડાયેલ ગાડીના નંબર આધારે તપાસ કરતાં ગાડીનો રજિસ્ટ્રેશન નં- GJ.01.RJ.5702 ખોટો હોવાનું સામે આવ્યું હતું. કારમાં   જિતેન્દ્ર પટેલ નામની ધર્માદાની સ્લિપ મળી આવી હતી. જેથી પોલીસે હથિયારકાંડમાં  સ્વાગત એફોર્ટમાં જઈ તપાસ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, મકાન નં ટી-104માં જિતેન્દ્ર બળદેવભાઇ પટેલ હાલ ભાડુઆત તરીકે રહે છે. તેથી પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેણે હથિયારો છુપાવ્યાં હોવાની કબૂલાત કરી હતી. આ ઘટના બાદ સોસાયટીના રહીશો એલર્ટ થઇ ગયા હતા. ગાંધીનગરમાંથી મળેલાં હથિયારના પડઘા અમદાવાદમાં પડ્યા છે અને સોસાયટીના રહીશોએ કેટલાક નિર્ણય લીધા છે. 

શું કહ્યું DCP ભગીરથસિંહ જાડેજાએ? 
ઝોન-7ના ડીસીપી ભગીરથસિંહ જાડેજાએ આ અંગે જણાવ્યું છે કે, બિનવારસી પડેલા વાહનોના મામલે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને રેસિડેન્શિયલ સોસાયટીઓમાં પડી રહેલા બિનવારસી વાહનોની જાણ પોલીસને કરવા માટે પણ શહેરીજનોને અપીલ કરવામાં આવી છે. વાહનો પર સોસાયટી કે કોમ્પ્લેકસના નામ અને નંબરવાળાં સ્ટિકર લગાવવા પણ સૂચના આપવામાં આવી છે.   

બેઝમેન્ટ પાર્કિંગમાં CCTV કેમેરા લગાવાશે
સોસાયટી સીસીટીવી કેમેરાથી સજ્જ હોય છે પરંતુ કેટલીક સોસાયટીનાં બેઝમેન્ટ પાર્કિંગમાં  CCTV કેમેરા લાગેલા હોતા નથી, જેના કારણે કોઇપણ વ્યકિત ગમે તે કાંડ કરી શકે છે. સરગાસણની ઘટના બાદ હવે બેઝમેન્ટમાં CCTV લગાવવાનો નિર્ણય લેવાયો છે. સોસાયટીમાં મિટિંગનો દોર શરૂ થઇ ગયો છે અને  CCTV લગાવવાની વાતો પણ ચાલી રહી છે.

બિનવારસી વાહનોની વિગત વોટ્સએપ ગ્રૂપમાં આવી જશે 
સામાન્ય રીતે સોસાયટીના રહીશોનું વોટ્સએપ ગ્રૂપ હોય છે જેમાં તે સોસાયટીના લગતી તમામ ચર્ચાઓ કરતા હોય છે. હવે કોઇ પણ રહીશ જ્યારે સ્ટિકર વગરની કાર સોસાયટીનાં પ્રિમાઈસિસમાં જોશે તો તરત જ તે ફોટો પાડીને વોટ્સએપ ગ્રૂપમાં મૂકશે. જો કોઇ મહેમાનની કાર કે ટુ વ્હીલર હશે તો તેને બહાર મૂકવા જવું પડશે અને જો તે બિનવારસી હશે તો સીધી પોલીસને જાણ કરવામાં આવશે. થોડા દિવસ પહેલાં ઓગણજ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં સ્ટિકર વગરની કાર હતી. જેને હટાવવા માટે વોટ્સએપ ગ્રૂપમાં ફોટોગ્રાફ્સ પણ મુકાયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ