23-24 સપ્ટેમ્બર સુધી દક્ષિણ સૌરાષ્ટ્રમા વરસાદની શક્યતા
Gujarat Weather Update: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. ત્યારે અનેક જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે જેને લઈ લોકોના જનજીવનને અસર પહોંચી છે. રાજ્યમાં હજુ પણ 4 દિવસ વરસાદની આગાહી છે. આ વચ્ચે હવે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. તેઓએ જણાવ્યું છે કે, ગુજરાતમાં હજુ અતિભારે વરસાદ પડશે.
બનાસકાંઠા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 18-19 સપ્ટેમ્બરે બનાસકાંઠામાં પડશે અતિભારે વરસાદ પડશે. ભારે વરસાદને પગલે બનાસકાંઠાની નદીઓમાં પૂરની સ્થિતી સર્જાશે. જળાશયોમાં વરસાદના કારણે જળ તાંડવની શક્યતા રહેશે. બનાસકાંઠા ઉપરાંત કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે. કચ્છના વાગડ સહિત પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ભારે વરસાદ પડશે. કચ્છમા ભારેથી અતિભારે વરસાદના કારણે સતર્ક રહેવું જરૂરી છે.
કચ્છના ભચાઉ, અંજાર સહિતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદઃ અંબાલાલ પટેલ
તેમણે જણાવ્યું કે, કચ્છના રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, આદીપુર, માંડવી, જખાઉ, નખત્રાણા અને ભુજમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત થરાદ, વાવ, ઈકબાલગઢ, તખતગઢ, કાંકરેજ, સૂઈગામના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. સાથે જ જામનગરના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા અને હળવદમાં પણ વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રના ભાવનગર તેમજ અન્ય ભાગોમાં વરસાદની શક્યતા છે.
વરસાદી સિસ્ટમ 21 સપ્ટેમ્બરે અરબ સાગરમાં જશેઃ અંબાલાલ પટેલ
તેઓએ જણાવ્યું કે, આગામી 23-24 સપ્ટેમ્બર સુધી દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં મેઘમહેર રહેશે. આ સમયગાળા દરમિયાન મુંબઇ-મહારાષ્ટ્રના ભાગો સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર-મધ્ય ગુજરાત તેમજ પંચમહાલના વિસ્તારોમાં 21 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા છે. તેઓએ વધુમાં જણાવ્યું છે કે, હાલ ચાલતી વરસાદી સિસ્ટમ 21 સપ્ટેમ્બરે કચ્છ થઇને અરબ સાગરમાં પહોંચશે.
વરસાદને લઈને સમીક્ષા બેઠક
આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં શનિવાર સાંજથી વાતાવરણ પલટાયું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. રાજ્યમાં પડી રહેલા વરસાદને લઈને આજે ગાંધીનગર ખાતે મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં રાહત કમિશનર આલોક પાંડે સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
લોકોના રેસ્ક્યૂ સહિતના મુદ્દે કરાઈ ચર્ચા
આ બેઠકમાં ફસાયેલા લોકોના રેસ્ક્યૂની ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ રાજ્યના વિવિધ સ્થળો પર આવેલા પૂરની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આજની આ બેઠક
રાજ્યના જળાશયોમાં પાણીના જથ્થાને લઈને અને સ્થળાંતર કરાયેલા લોકોની વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.