Team VTV11:17 PM, 03 Feb 20
| Updated: 11:42 PM, 03 Feb 20
ચીનમાં કોરોના વાયરસ કહેર વરસાવી રહ્યો છે. તેની ગંભીરતાની તસ્વીરો આપણે રોજે-રોજ જોઈએ છીએ અને ચિંતા કરીએ છીએ. પરંતુ આ ગંભીર રોગને પણ ડામવા માટે ચીન કેટલું તૈયાર છે અને કેવી હરણફાળ ગતિએ કામ કરી રહ્યુ છે તેની ચર્ચા નથી કરતા. પરંતુ આજે કોરોનાની ચર્ચા વચ્ચે અમે બતાવીશું કે કેવી રીતે ચીન કામ કરે છે.
કોરોનાને ડામવા હોસ્પિટલ તૈયાર
10 દિવસમાં ઉભી કરી હોસ્પિટલ
1000 બેડની સુવિધાઓથી છે સજ્જ
આ તસ્વીરો ચીનના વુહાનની છે. જ્યાં ચીને કોરોના વાયરસને ડામવા માટે અને પોતાના નાગરીકોનો જીવ બચાવવા માટે 1000 બેડની હોસ્પિટલ બનાવી છે અને તે માત્ર 10 દિવસોમાં. કદાચ તમને માન્યામાં નહીં આવતું હોય પરંતુ આ બંને તસ્વીર તેનો પુરાવો છે. પહેલી તસ્વીર 24 જાન્યુઆરીની છે. જેમાં ચીની સરકારના આદેશ મળતાની સાથે 100થી વધુ એન્જીનિયરો દ્વારા તાત્કાલીક ધોરણે આ હોસ્પિટલનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. જે કામ પૂર્ણ તો બે દિવસ પહેલા જ થઈ ગયું હતું. પરંતુ હોસ્પિટલમાં સારવાર આજથી શરૂ કરાઈ છે.
આ આકાશી દ્રશ્યો તે હોસ્પિટલના જ છે. જેને ચીને માત્ર 10 દિવસમાં ઉભી કરી છે. આ હોસ્પિટલમાં તમામ પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. એટલું જ નહીં પરંતુ વુહાન શહેરમાં સ્થિત આ હોસ્પિટલમાં સેનાના 1400 ડોક્ટરોની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે. લોકોની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
Wuhan's first hospital built specially for receiving coronavirus patients completed on Sunday after 10 days of speedy construction. It will be managed by China's military medical system and start operation on Monday. pic.twitter.com/bXYkfaFvEA
મહત્વનું છે કે, આપણે એવી ચર્ચાઓ ખુબ કરતા હોઈએ છીએ કે, ચાઈનાએ વિશ્વની બજારો પર કબજો કર્યો છે. ઈલેક્ટ્રીક્સ ગેઝોટથી માંડી ગૃહિણીઓના ઘર સુધી અને બાળકોના વોકરથી માંડી વૃદ્ધોની વોકિંગ સ્ટીક સુધી તેને પોતાનું પ્રભૂત્વ જમાવ્યું છે. પરંતુ કેવી રીતે નામ બનાવ્યું છે તેનું આ હોસ્પિટલ જીવતું ઉદાહરણ છે. તેમની કાબિલિયત, તેમના દિમાગની કરામત અને તેમની કામ કરવાની ક્ષમતા દર્શાવે છે કે, તે કેવી રીતે દરેક ક્ષેત્રમાં આગળ છે. વુહાનમાં હોસ્પિટલ તૈયાર કરવાની આ ઘટના પરથી એટલું તો ચોક્કસથી કહી શકાય કે, આયોજન અને માળખાગત સુવિધાઓની બાબતમાં ભારતે ચીન પાસેથી ઘણું શીખવાની જરૂર છે.
કેવી છે ચીનમાં સ્થિતિ?
જોકે હાલ ચીનમાં કોરોનાએ લોકોના હાલ-બેહાલ કર્યા છે. લોકો રસ્તા પર ચાલતા-ચાલતા મરી રહ્યા છે. લોકો જ નહીં હવે તો પ્રાણીઓ પણ મરવા લાગ્યા છે. જે દર્શાવે છે કે, ચીનમાં ખુબ વિકટ પરિસ્થિતિ પૈદા થઈ ચૂકી છે. એવી માહિતી છે કે, અત્યાર સુધીમાં 361 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 17 હજાર લોકો કોરોનાના સંક્રમણમાં આવી ચૂક્યા છે. વિશ્વ સ્વાસ્થ સંગઠને તો ઈન્ટરનેશનલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી દીધી છે.
કોરોનાનો તોડ મળી ગયો!
જોકે આ તરફ થાઈલેન્ડથી એક સારા સંકેત પણ મળી રહ્યા છે. થાઈલેન્ડ સરકારે દાવો કર્યો છે કે, તેમણે કોરોનાની દવા શોધી કાઢી છે અને તે દવાથી એક દર્દી 48 કલાકમાં ઠીક થઈ ગયું છે. જોકે આ દાવો હકીકતમાં સાચો હોય તો આશા રાખીએ કે, તે દવા ચીન સુધી અને વિશ્વના દેશો સુધી પહોંચે જેથી આ મોતના વાયરસ પર રોક લાગે.