બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Today is Nirjala Ekadashi, why is it called Bhimseni or Pandava Ekadashi Know the auspicious moment
Megha
Last Updated: 08:36 AM, 1 June 2023
ADVERTISEMENT
હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ છે. નિર્જળા એકાદશી તમામ એકાદશીઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ વ્રત કરવાથી વર્ષભરની તમામ એકાદશીઓનું ફળ મળે છે. આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ જલ્દી જ ભક્તો પર પ્રસન્ન થઈ જાય છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી વિષ્ણુની કૃપા જળવાઈ રહે છે અને ન પાર પડતા કાર્યો પણ પાર પડી જાય છે.
જેઠ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. દર વર્ષે કુલ 24 એકાદશી આવે છે, જેમાં નિર્જળા એકાદશીને વધુ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા અનુસાર આ વ્રત કરવાથી તમામ અગિયારસનું ફળ પ્રાપ્ત થાય છે અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા રહે છે. દીર્ઘાયુ અને મોક્ષ પ્રાપ્તિ માટે નિર્જળા એકાદશી કરવામાં આવે છે. આ વ્રતમાં પાણી પીવામાં આવતું નથી, જેથી નિર્જળા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે 31 મેના રોજ નિર્જળા એકાદશી છે.
ADVERTISEMENT
નિર્જળા એકાદશી 2023 શુભ સમય-
એકાદશી તિથિ શરૂ થાય છે - 30 મે, 2023 રાત્રે 01:07 વાગ્યે
એકાદશી તિથિ સમાપ્ત થાય છે - 31 મે, 2023 રાત્રે 01:45 વાગ્યે
નિર્જળા એકાદશી ઉપવાસનો સમય-
01 જૂને નિર્જલા એકાદશી વ્રત ઉજવાશે. 01 જૂને ઉપવાસનો સમય સવારે 05:24 થી સવારે 08:10 સુધીનો રહેશે.દ્વાદશી પારણ તિથિના દિવસે સમાપ્ત થાય છે - બપોરે 01:39 સુધી.
નિર્જળા એકાદશીને પાંડવ એકાદશી અને ભીમસેની એકાદશી અથવા ભીમ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. પાંડવોમાં બીજા ભાઈ ભીમસેનને ખાવા પીવાનો સૌથી વધુ શોખ હતો અને તે પોતાની ભૂખને કાબૂમાં રાખી શકતો ન હતો, તેથી જ તે એકાદશીનું વ્રત કરી શક્યો નહીં. ભીમ સિવાય, બાકીના પાંડવ ભાઈઓ અને દ્રૌપદી વર્ષના તમામ એકાદશીના વ્રત સંપૂર્ણ ભક્તિ સાથે પાળતા હતા.
ભીમસેન પોતાની લાચારી અને નબળાઈથી ચિંતિત હતા. ભીમસેનને લાગ્યું કે તે એકાદશીનું વ્રત ન કરીને ભગવાન વિષ્ણુનો અનાદર કરી રહ્યો છે. આ મૂંઝવણને દૂર કરવા ભીમસેન મહર્ષિ વ્યાસ પાસે ગયા, ત્યારે મહર્ષિ વ્યાસે ભીમસેનને વર્ષમાં એકવાર નિર્જળા એકાદશીનું વ્રત રાખવાની સલાહ આપી અને કહ્યું કે નિર્જળા એકાદશી વર્ષમાં ચોવીસ એકાદશીના સમકક્ષ છે. આ દંતકથા પછી, નિર્જળા એકાદશી ભીમસેની એકાદશી અને પાંડવ એકાદશી તરીકે પ્રખ્યાત થઈ.
નિર્જળા એકાદશીનું મહત્ત્વ
આ દિવસે જળ ગ્રહણ કર્યા વિના ભગવાન વિષ્ણુની ઉપાસનાનું વિધાન છે. આ વ્રત કરવાથી તમામ એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે. કહેવામાં આવે છે કે, ભીમે માત્ર આ એક ઉપવાસ કર્યો હતો અને તેઓ મૂર્છિત થઈ ગયા હતા. આ કારણોસર આ એકાદશીને ભીમસેની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.
નિર્જળા એકાદશીની પૂજા
નિર્જળા એકાદશીના દિવસે સવારે સ્નાન કરીને ભગવાન સૂર્યને અર્ધ્ય અર્પણ કરો. ત્યાર પછી પીળા વસ્ત્ર ધારણ કરી લો અને ભગવાન વિષ્ણુની પૂજા કરો. ભગવાન વિષ્ણુને પીળા ફૂલ, પંચામૃત અને તુલસી અર્પણ કરો. ભગવાન વિષ્ણુ અને માઁ લક્ષ્મીના મંત્રનો જાપ કરો. વ્રતનો સંકલ્પ કર્યા પછી બીજા દિવસે સૂર્યોદય ના થાય ત્યાં સુધી જળ ગ્રહણ ના કરવું. અન્ન અને ફળાહાર પણ ગ્રહણ કરવાના નહીં રહે. બારસના દિવસે સ્નાન કરીને શ્રીહરિની પૂજા કર્યા પછી અન્ન અને જળ ગ્રહણ કર્યા પછી વ્રતના પારણા કરવા.
નિર્જળા એકાદશી મહાઉપાય
આ દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિઓને દાન કરવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે અને તમામ પાપનો નાશ થાય છે. આ દિવસે એક ચકોર ભોજપત્ર પર કેસરમાં ગુલાબજળ મિશ્ર કરીને ત્રણ વાર ‘ઓમ નમો નારાયણાય’ મંત્ર લખો. આસન ગ્રહણ કરીને વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરો, ત્યાર પછી આ ભોજપત્ર તમારા પર્સ અથવા પોકેટમાં રાખો. જેથી ધન ધાન્યની સાથે સાથે રોકાયેલું ધન પણ પરત મળશે.
નિર્જળા એકાદશીના દિવસે આ કામ ભૂલથી પણ ના કરવા
ઘરમાં ભાત ના બનાવવા.
તુલસીના પાન તોડવા નહીં, જરૂરી હોય તો એક દિવસ પહેલા તોડી લેવા.
શારીરિક સંબંધ ના બનાવવો.
લસણ, ડુંગળી, માંસ, મદિરાનું સેવન ના કરવું.
ઝઘડો ના કરવો અને કોઈનું અહિત ના વિચારવું.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.