ગીર પંથકમાં ખેડૂતો લડતના મૂડમાં આવી ગયા છે. કેસર કેરીના પાકના વળતર મુદ્દે ખેડૂતો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. 26મેના રોજ તલાલાના 45 ગામમાં બંધનું એલાન જાહેર કરાશે. ભારતીય કિસાન સંઘ દ્વારા આ એલાનની જાહેરાત કરાઇ છે. જે બાબતે માર્કેટ યાર્ડથી રેલી યોજીને મામલતદારને આવેદન અપાશે.
આ વર્ષે માત્ર 20 ટકા જ કેસર કેરી પાકશે 80 ટકા પાક નિષ્ફળ રહેશે
અત્રે જણાવી દઇએ કે, બે વર્ષથી કેસર કેરીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને આર્થિક ફટકો પડી રહ્યો છે. કારણ કે ગત વર્ષે તૌકતે વાવાઝોડું તો આ વખતે ગ્લોબલ વોર્મિંગથી ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું છે. છેલ્લાં ઘણાં વર્ષોથી કેસર કેરીનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે. આ વર્ષે પણ માત્ર 20 ટકા જ કેસર કેરી પાકશે પરંતુ 80 ટકા પાક નિષ્ફળ નીવડશે. જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થશે.
મહત્વનું છે કે, તલાલા પંથકની જીવાદોરી સમાન કેસર કેરીના પાકને ગત વર્ષે તૌકતે વાવાઝોડાએ સાફ કરી નાખ્યો હતો તો આ વર્ષે ગ્લોબલ વોર્મિંગના કારણે ઊભી થયેલ પરિસ્થિતિએ આંબા ઉપર તૈયાર થતાં પાકનો નાશ કરી નાખતા આ વર્ષે પણ કેસર કેરીના પાકનું બાળમરણ થયું છે. આથી, તલાલા પંથકમાં બે વર્ષથી કેસર કેરીનો પાક નિષ્ફળ જતાં કેરીના ઉત્પાદક ખેડૂતોને આર્થિક જબરો ફટકો પડ્યો છે.
ખેડૂતોની યોગ્ય માંગણી પ્રત્યે સરકારે દાખવી હતી ઉદાસીનતા
આ કારણોસર નોંધારા થઈ ગયેલા ખેડૂતોએ આર્થિક પાયમાલીમાંથી બચાવા તલાલા તાલુકા કિસાન સંઘ ઉપરાંત તલાલા પંથકની 32 ગ્રામ પંચાયતો, 27 સહકારી મંડળી ઉપરાંત તલાલા માર્કેટીંગ યાર્ડ અને છેલ્લે ગીર પંથકના ધારાસભ્યએ વિસ્તૃત વિગતો સાથે સરકારમાં રજૂઆત કરી હતી. પરંતુ તલાલા પંથકના ખેડૂતોની યોગ્ય માંગણી પ્રત્યે સરકારે ઉદાસીનતા દાખવતા તલાલા પંથકના કેરીના ઉત્પાદક ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.
આથી, ભારતીય કિસાન સંઘે ઉગ્ર લડત કરવાનો નિર્ણય લીધો છે જે અંતર્ગત તા. 26ના રોજ તલાલા તાલુકાના 45 ગામો સજ્જડ બંધ પાળશે. જેનાં સમર્થનમાં તલાલા શહેરના તમામ સમાજના નાના મોટા વેપારી ભાઈઓ પણ બપોર બાદ સજ્જડ બંધ પાળી ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવવા આ લડતમાં જોડાશે. તલાલા પંથકના તમામ ગામના કેરીના ઉત્પાદક ખેડૂતો ઉપરાંત શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ-વેપારી ભાઈઓ ગુરૂવારે બપોરના 3:00 વાગે માર્કેટીંગ યાર્ડ ખાતે એકત્ર થઈ મામલતદારને આવેદનપત્ર આપવા જશે.