દિલ્હી હિંસા મામલે ગૃહ મંત્રાલયે સંજ્ઞાન લીધા બાદા મોટી કાર્યવાહી કરવાની પણ તૈયારીમાં છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, દિલ્હીમાં કાયદો વ્યવસ્થા કાયમ રાખવી પ્રાથમિકતા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ન માત્ર સંજ્ઞાન લીધું, હવે એક્શનના મૂડમાં
ઉપદ્રવીઓ અને ખેડૂત નેતાઓ વિરૂદ્ધ કડક એક્શન લેવાની પણ તૈયારીમાં કેન્દ્ર
ખેડૂતોની ટ્રેક્ટર પરેડને લઇને મંગળવારે ભારે હંગામો થયો હતો
કૃષિ કાયદાઓ વિરૂદ્ધ ગણતંત્ર દિવસ પર ખેડૂતોની ટ્રેક્ટર પરેડને લઇને મંગળવારે ભારે હંગામો થયો. ખેડૂત પ્રદર્શનકારીઓએ બેરિકેડિંગ તોડવા, પોલીસ સાથે અથડામણ અને નક્કી રૂટથી અલગ રસ્તા પર ટ્રેક્ટર લઇ જવાના સમાચાર ગણતંત્ર પર્વે દિવસભર ચર્ચામાં રહ્યા. હવે સમાચાર મળી રહ્યા છે કે, ખેડૂત પ્રદર્શનમાં ઉપદ્રવને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ન માત્ર સંજ્ઞાન લીધું છે પરંતુ તેના વિરૂદ્ધ કડક એક્શન લેવાની પણ તૈયારીમાં છે.
ટ્રેક્ટર પરેડમાં હંગામાની સ્થિતિ બનાવ્યા બાદ કેન્દ્રીય ગૃહ સચિવે ગૃહ મંત્રી અમિત શાહને દિલ્હીની હાલની સ્થિતિ અંગે માહિતી આપી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી આ મામલે મોટું એક્શન લેવાઇ શકે છે. કેટલાક ખેડૂત નેતા રડાર પર છે. સિંઘૂ બોર્ડર પર પણ ટ્રેક્ટર પરેડ બાદ મુખ્ય ખેડૂત નેતા નજરે નથી આવી રહ્યા. ત્યારે દિલ્હી પોલીસે ખેડૂતોના પ્રદર્શનને ઉગ્ર અને હિંસક ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, પ્રદર્શનકારીઓ સાથે અથડામણમાં પોલીસના 83 જવાન ઇજાગ્રસ્ત થયા છે.
રાજધાનીમાં ભારે માત્રામાં સુરક્ષાબળ તૈનાત
આ ઘટનાને ગંભીરતાથી લેતા કેન્દ્ર સરકારે સુરક્ષાના ભાગરૂપે રાજધાનીમાં વધુ પેરામિલિટ્રી ફોર્સ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. જણાવાયું છે કે, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં શાંતિ સ્થાપવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વધારે કેન્દ્રીય બળોની તૈનાતી કરવામાં આવશે. ત્યારે દિલ્હીથી જોડાયેલ હરિયાણા રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પ્રદેશ સરકારે ઇન્ટરનેટ અને SMS સેવાઓ પર રોકની સમય મર્યાદા વધારી દીધી છે. સરકારે આદેશ જાહેર કર્યો છે કે સોનીપત, પલવલ અને ઝજ્જર જિલ્લાઓમાં બુધવાર સાંજે 5 વાગ્યા સુધી ઇન્ટરનેટ અને SMS સેવાઓ પર પ્રતિબંધ રહેશે, જેથી અફવાઓને ફેલાવતા રોકી શકાય.
86 પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા
દિલ્હીના નૉર્થ ડિસ્ટ્રિક્ટના અંદાજિત 45 પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત થયા છે. નૉર્થ ડિસ્ટ્રિક્ટના ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને સારવાર માટે સિવિલ લાઇન હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 18 ઇજાગ્રસ્તપોલીસ કર્મચારીઓને સારવાર માટે લોકનાયક જયપ્રકાશ(LNJP) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કેટલાક પોલીસ કર્મચારીઓની હાલત નાજૂક
ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓમાંથી કેટલાકની હાલત નાજૂક જણાવવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, LNJP હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલા 18 પોલીસ કર્મચારીઓમાંથી એકની હાલત ગંભીર છે. દિલ્હી પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે આ મામલે ગુનેગારો વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. દિલ્હી પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે, ખેડૂત નેતાઓએ જે શરતો પર સહમતિ દર્શાવી હતી, તે તમામ શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું.
આંદોલનકારીઓએ 8 બસો અને 17 ગાડીઓ તોડી
કેટલીક જગ્યાઓ પર પોલીસ અને ખેડૂતો વચ્ચે હિંસક અથડામણ થઇ. આંદોલનકારીઓએ આ દરમિયાન પબ્લિક પ્રોપર્ટીને પણ નિશાન બનાવી. પ્રદર્શન દરમિયાન આંદોલનકારીઓએ DTCની 8 બસોને ખુબ નુકસાન પહોંચાડ્યું. આ બસોમાં ટ્રેક્ટરથી ટક્કર મારવામાં આવી. બસોના કાચ તોડી દેવામાં આવ્યા. એટલું જ નહીં આ પ્રદર્શન દરમિયાન 17 એવા વાહનોને નિશાન બનાવવામાં આવ્યા, જે સામાન્ય નાગરિકોના હતા. આ સિવાય ચાર કન્ટેનર પણ તોડી દેવામાં આવ્યા. પ્રદર્શનકારીઓને રોકવા માટે રોડ પર લગાવવામાં આવેલા લોખંડના અંદાજિત 30 બેરિકેડ્સને પણ તોડી દેવામાં આવ્યા.
ખેડૂતની ટ્રેક્ટર પરેડ હિંસા બાદ 7 ફરિયાદ નોંધાઇ
દિલ્હીમાં હોબાળા અને સંપત્તિને નુકસાન પહોંચાડવાના મામલે ઈસ્ટર્ન રેન્જ પોલીસ દ્વારા 4 ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પાંડવ નગર પોલીસ સ્ટેશનમાં એક, ગાઝીપુર પોલીસ સ્ટેશનમાં બે અને એક ફરિયાદ ઉત્તમનગર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. સૂચના એ છે કે સેન્ટ્રલ અને નોર્થ દિલ્હી જે એરિયામાં લાલ કિલા છે, ત્યાં પણ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
દિલ્હીમાં હિંસા બાદ હરિયાણામા હાઈ અલર્ટઃ DGPએ કહ્યું- ઉપદ્રવીઓને બક્ષવામાં નહીં આવે
ગણતંત્ર દિવસે હિંસક પ્રદર્શન બાદ હરિયાણામાં પોલીસ હાઇ અલર્ટ પર છે. DGP મનોજ યાદવે કહ્યું કે, રાજ્યમાં કાયદો વ્યવસ્થાને બગાડવાનો પ્રયાસ કરનારાઓ સામે પોલીસ કડકાઇથી વર્તશે. તેમણે કહ્યું કે, હિંસા કરનારાઓ અને અફવાઓના માધ્યમથી હિંસા ભડકાવનારાઓની ધરપકડ કરીને તેમને તેમના અંજામ સુધી પહોંચાડવામાં આવશે.
ખેડૂત આંદોલનને લઇને હરિયાણામાં હાઈ અલર્ટ છે. ડીજીપી મનોજ યાદવે તમામ રાજ્યોના જિલ્લા કેપ્ટનોને આદેશ આપ્યા છે કે કોઇ પણ સંજોગોમાં ઉપદ્રવિઓ અને દંગાખોરોને બક્ષવામાં ન આવે.