મહામંથન : વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોએ સરકારને રજૂઆત કરી છે કે વરસાદના કારણે નુકસાન વ્યાપક છે અને તેનો સરવે કરીને વળતર ચુકવવા અંગે વિચારણા કરવામાં આવે
વરસાદના પાછોતરા રાઉન્ડમાં મેઘરાજાની તોફાની બેટિંગ
નદીકાંઠાના વિસ્તારમાં વરસાદના પાણી ફરી વળ્યા
દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વ્યાપક નુકસાન થયું
વરસાદના પાછોતરા રાઉન્ડે નદી કાંઠાના વિસ્તારમાં રાહતની સાથે આફત પણ લાવી. આગાહી પ્રમાણે વરસાદ થયો અને ભરપૂર થયો પરંતુ ઉપરવાસના વરસાદ અને નર્મદા ડેમમાંથી અચાનક એકસાથે છોડાયેલા પાણીથી આસપાસના વિસ્તારના ખેતર અને તેના ઉભા પાક ધોવાઈ ગયા છે. મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયું. એક-બે દિવસ દરમિયાન તો ખેડૂતોની બૂમરાણ મીડિયાના કેમેરા સુધી સિમિત રહી પરંતુ હવે આ નુકસાનીની નોંધ નેતાઓએ પણ લીધી છે. વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોએ સરકારને રજૂઆત કરી છે કે નુકસાન વ્યાપક છે અને તેનો સરવે કરીને વળતર ચુકવવા અંગે વિચારણા કરવામાં આવે. ખેડૂતોનું પણ કહેવું છે કે ઉંચા ભાવના ખાતર લઈને પાક વાવ્યો અને મહેનતનું ફળ મેળવવાનો સમય આવ્યો ત્યારે વરસાદના પાણીથી પાક તારાજ થયો. 10થી વધુ જિલ્લા અને અનેક પાકમાં નુકસાન થયું છે.
નદીકાંઠાના વિસ્તારમાં વરસાદના પાણી ફરી વળ્યા
વરસાદના પાછોતરા રાઉન્ડમાં મેઘરાજાની તોફાની બેટિંગથી નદીકાંઠાના વિસ્તારમાં વરસાદના પાણી ફરી વળ્યા છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વ્યાપક નુકસાન થયું છે. લોકોના ઘરમાં એક-બે માળ સુધી પાણી ઘૂસી ગયા છે. તેમજ અનેક ખેતરો ધોવાઈ ગયા અને ખેતરમાં રહેલા પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતો પાક નુકસાનીથી વ્યથિત છે. ખેડૂતોને આશા છે કે સરકાર મદદ કરે અને કેટલાક ધારાસભ્યોએ પણ સરકારને રજૂઆત કરી છે
ક્યા પાકને નુકસાન?
મગફળી, કપાસ, મકાઈ, ડાંગર, બાજરી, સોયાબીન, કઠોળ, કેળ, એરંડા, દિવેલા, શાકભાજી
ખેડૂતોનું શું કહેવું છે?
પાકને વ્યાપક નુકસાન થયું છે તેમજ ઉભો પાક ખતમ થઈ ગયો છે અને ખેતરો ધોવાઈ ગયા છે. પાક તૈયાર હતા ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. પાકને નુકસાન થયું છે જેથી સહાય મળે અને ઉંચા ભાવનું ખાતર લાવીને પાક તૈયાર કર્યો હતો. કેળ અને કપાસના ઉભા પાક નષ્ટ થઈ ગયા છે. શેરડી, પપૈયાની ખેતી પણ નષ્ટ થઈ ગઈ છે. એક કેળના 15 રૂપિયા લેખે ટિશ્યુની ખરીદી કરી છે. સહાય મળે તો કેળનો પાક ફરી ઉગાવવા વિચાર થઈ શકે તેમજ પાક નુકસાનીમાં સરકાર સરવે કરીને વળતર આપે તેવી માંગ કરી છે