બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Monsoon active again in Gujarat due to rain system created in Bay of Bengal

મેઘો ઓળઘોળ / ગુજરાતમાં ભાદરવો ભરપૂરઃ 8 કલાકમાં 158 તાલુકાઓમાં વરસાદ, ખારી નદીમાં કાર સાથે 5 લોકો તણાયા

Malay

Last Updated: 03:49 PM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી ચોમાસુ સક્રિય, સુખસરની ખારી નદીમાં પાણીના ધસમસતા પ્રવાહમાં 5 લોકો સાથે કાર તણાઈ જતાં વહીવટી તંત્ર દોડતું થયું

  • રાજ્યના 158 તાલુકામાં ધોધમાર વરસાદ 
  • પંચમહાલના શહેરા તાલુકામાં 7.7 ઇંચ વરસાદ 
  • વડોદરાનો રંગ અવધૂત બ્રિજ જ બંધ કરાયો
  • ખારી નદીમાં 5 લોકો સાથે કાર તણાઈ

ગુજરાતમાં ફરી ચોમાસુ સક્રિય થયું છે. ગઈકાલથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, મહીસાગર, પંચમહાલ, ખેડા, દાહોદ, નર્મદા, સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.  ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાયા છે. રાજ્યના વિવિધ ડેમો છલોછલ ભરાયા છે. તો નદીઓ ગાંડીતૂર બની છે. છેલ્લા 24 કલાકથી એકધારા પડી રહેલા વરસાદનાં પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ઠેર ઠેર પાણી ભરાયાની બૂમો ઉઠવા પામી છે. તંત્ર દ્વારા નદી કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં રોડ-રસ્તા બંધ કરવાની ફરજ પડી છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને નદી કાંઠે ન જવાની સૂચના આપવામાં આવી છે. 

8 કલાકમાં 158 તાલુકામાં નોંધાયો વરસાદ 
આજે સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 158 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ પંચમહાલના શહેરામાં નોંધાયો છે. પંચમહાલના શહેરામાં 7.7 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મહીસાગર જિલ્લાના વિરપુરમાં  સવા 7 ઇંચ અને ગોધરામાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત 2 વાગ્યા સુધીમાં લુણાવાડામાં 5.5 ઇંચ, તલોદમાં 5.4 ઇંચ, મોરવા હડફમાં 5.4, પ્રાંતિજમાં 5 ઇંચ, ધનસુરામાં 4.7 ઇંચ, બાયડમાં 4.1 ઇંચ, કપડવંજમાં 3.5 ઇંચ, મેઘરજમાં 3.4 ઇંચ, કડીમાં 3.3 ઇંચ વરસાદ નોંધાઈ છે. 

રંગ અવધૂત બ્રિજ અને ગળતેશ્વર બ્રિજ બંધ કરાયો
વડોદરા જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તો નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી ઠાલવવામાં આવતા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વડોદરાના રંગ અવધૂત બ્રિજ નીચે પાણીનો ધસમસતો પ્રવા જોવા મળી રહ્યો છે. જેના કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડોદરા-રાજપીપળાને જોડતો રંગ અવધૂત બ્રિજ બંધ કરાયો છે. સુરક્ષાને ધ્યાને લઈ રંગ અવધૂત બ્રિજ બંધ કરાયો છે.  મહીસાગર નદીએ પણ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખેડા-વડોદરા જિલ્લાને જોડતા બ્રિજ ઉપર નદીના પાણી ફરી વળ્યાં છે. ગળતેશ્વર બ્રિજ ઉપર પાણી ફરી વળતા બ્રિજ બંધ કરાયો છે. મહિસાગર નદી ઉપર સાવલી-ગળતેશ્વરને જોડતા બ્રિજને બંધ કરાયો છે. ગળતેશ્વર મામલતદાર પોલીસ અને વહીવટીતંત્ર એલર્ટ છે. 

શિવગંજની જવાઈ નદીમાં 4 શ્રમિકો ફસાયા 
ઉપરવાસમાં ભારે વરસાદને લઇ બનાસકાંઠાની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. આબુરોડ પાસેના શિવગંજની જવાઈ નદીમાં 4 શ્રમિકો ફસાયા હતા. ખેતરમાં કામ કરતી વખતે નદીનો પ્રવાહ વધતા શ્રમિકો ફસાયા હતા. આ અંગેની જાણકારી મળતા જ રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક તંત્રને જાણ થતા તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું. કલાકોની મહેનત બાદ શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 

નદીમાં કાર તણાતા 5 લોકોના જીવ જોખમમાં
દાહોદના સુખસરની ખારી નદીમાં પાણીના ધસમસતા પ્રવાહમાં 5 લોકો સાથે કાર તણાઈ જતાં વહીવટી તંત્ર દોડતું થયું છે. સ્થાનિકોની મદદથી કારમાંથી લોકોને બહાર કાઢવા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે.  મળતી માહિતી અનુસાર, સુખસરની ખારી નદીમાં કાર પાણીના પ્રવાહમાં તણાતા કારમાં સવાર લોકો 'બચાવ બચાવ'ની ચીસો પાડવા લાગ્યા હતા. આ બનાવને પગલે સ્થાનિકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અંગેની જાણ કરાતા રેસ્ક્યુ ટીમો પણ સુખસર ખાતે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી, હાલ સ્થાનિકોની મદદથી કારમાં સવાર લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. 

ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યના વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતો અને સામાન્ય લોકોને હાશકારો થયો છે. ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું છે કે,  લો પ્રેશર મધ્ય-પૂર્વ ગુજરાત પર છે. હાલ વેલમાર્ક લો પ્રેશરની કેટગરીમાં છે. જે મધ્ય, ઉત્તર ગુજરાત અને કચ્છ પરથી થઈને આગળ વધશે. જેના કારણે આજથી 20 તારીખ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. વરસાદના નવા રાઉન્ડનો 80% વિસ્તારને લાભ મળશે. રાજ્યના 80 ટકા વિસ્તારને વરસાદના ચોથા રાઉન્ડનો લાભ મળશે.

'ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ફરી મેઘરાજાની થશે પધરામણી'
તેઓએ જણાવ્યું છે કે, કેટલાક વિસ્તારોમાં થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે. સૌરાષ્ટ્રમાં 18, 19, 20 તારીખમાં સાર્વત્રિક વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ થશે. ચોથા રાઉન્ડ બાદ ગુજરાતમાં ફરી પાંચમા રાઉન્ડનો વરસાદ વરસશે. આ રાઉન્ડ બાદ પણ વધુ એક રાઉન્ડ આવશે. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં વધુ એક રાઉન્ડ આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ