ગુજરાતના અમદાવાદથી ૫૦ કિ.મી.ના અંતરે આવેલા ખેડા જીલ્લાનું રઢુ ગામ છે. ગુજરાતના બીજા ગામોની માફક લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. આ સિવાય આંખે ઉડીને વળગે એવી કોઈ ખાસ ઉપલબ્ધિ હોય તો કામનાથ મહાદેવનું મંદિર. જેમાં ખાસ મંદિરમાં ૫૭૫ વર્ષથી સચવાયેલા ઘી ભરેલા ૬૫૦થી વધારે માટીના મોટા કાળા માટલા છે.
ગુજરાતના ખેડામાં આવેલું છે કામનાથ મહાદેવ મંદિર
અહીં કાળી માટીના ગોળામાં સંગ્રહ થાય છે ઘી
આ પરંપરાના કારણે લોકો અહીં ચઢાવી જાય છે ઘી
પહેલી નજરે સાભળીને આશ્ચર્ય થશે કે બે ચાર મહિના ગરમીમાં ઘી પડી રહે તો તેમાં ગંધ આવે કે ફૂગ જેવું લાગે છે. અહી મંદિરના ઓરડામાં આટલા વર્ષોમાં ઉનાળાની ગરમી અને શિયાળાની ઠંડીમાં તપતા ધાબા નીચે માટલામા સંઘરાયેલું ઘી કોઈ પણ જાતની ગંધ વિના તાજુ રહ્યું છે. ગુજરાતમાં આવેલું આ એવું શિવ મંદિર છે, જ્યાં ઘીના ભંડાર રોજબરોજ વધતા જાય છે. મંદિરમાં ઘી ભરેલા ૬૫૦ કાળા માટીના ગોળા છે. અંદાજે ૧૩થી 14 હજાર કિલો જેટલું ઘી અહીં સચવાયેલું છે. જેમાં જરા સરખી ગંધ નથી. જીવાતનો કોઈ ઉપદ્રવ નથી.
ઘીના જથ્થામાં રોજબરોજ વધારો થાય છે
મંદિરમાં જે ઘી હોય છે તેને મંદિરની બહાર લઇ જવાતું નથી કે કોઈ જ રીતે બીજા ઉપયોગમાં લેવાતો નથી. માન્યતા મુજબ આમ કરનારને મોટું નુકશાન ભોગવવું પડે છે. આ માટે કામનાથ મહાદેવના ગર્ભસ્થાનમાં બે મોટી અખંડ જ્યોત આટલા જ વર્ષોથી સતત પ્રજ્વલ્લિત રહી છે. તદુપરાંત શ્રાવણ મહિનો આખો મંદિરના પ્રાંગણમાં ઘી હોમાત્મક યજ્ઞ રખાય છે. જેમાં કેટલુય ઘી હોમાવી દેવાય છે છતાં પણ વધારો અટકાવી શકતો નથી.
ઘી એકઠું થવા માટે આ માન્યતા છે જવાબદાર
આટલા મોટા જથ્થામાં ઘી એકઠું થવા પાછળ અનેક માન્યતા જોડાયેલી છે. રઢુ ગામ તથા તેની આસપાસના ગામડાઓમાં કોઇ પણ ખેડૂતના ઘરે ભેંસ કે ગાયને બચ્ચા જન્મે પછી તેના પ્રથમ વલોણાનું ઘી બનાવીને મંદિરમાં અર્પણ કરવામાં આવે છે. આ મંદિરમાં વર્ષે ૩૫ જેટલી માટીની ગોળીઓ ઘીથી આમ જ ભરાઈ જાય છે. આ પછી દરેક પોતાની શ્રધ્ધા મુજબ માન્યતાઓ રાખે છે જે પૂરી થતા ઘી ચડાવે છે. કિલોથી લઈને ઘીના ડબ્બાઓ સુધીની ચઢામણી ગામેગામથી શ્રદ્ધાળુઓ દ્વારા આવે છે. આજ કારણે આજે ૧૩ હજારથી કિલોથી પણ વધારે ઘી અહી એકઠું થઈ ગયું છે. શ્રાવણ મહિનામાં અહી ભાવિક ભક્તોની ભીડ વધારે પ્રમાણમાં જોવા મળે છે. ગુજરાતના બીજા ગામોમાંથી બસો દ્વારાલોકો દર્શન કરવા આવે છે. ખેડા જિલ્લામાં અનેક શિવાલયો વર્ષોપુરાણા હોવા સહિત ઐતિહાસિક સમયની યાદ અપાવે છે.
કામનાથ મંદિર સાથે જોડાયેલી છે આ લોકવાયકા
પાંચ નદીઓના સંગમસ્થાન પર આવેલ કામનાથ મહાદેવ મંદિર ૧૪૪પમાં બન્યું હોવાની લોકવાયકા છે. આજથી ૫૭૫વર્ષ પહેલા આ મંદિરમાં મહાદેવજીની જયોત રઢુના જેસંગભાઇ હીરાભાઇ પટેલ વર્ષો પહેલા લાવ્યા હતા. તેઓ મહાદેવજીના ભકત જેસંગભાઇ દરરોજ સવારે મહાદેવના દર્શન કર્યા બાદ જ ખોરાક લેતા હતા. એક રાત્રિએ જેસંગભાઇને સ્વપ્ન આવ્યું હતું. જેમાં મહાદેવજીએ કહ્યું હતું કે, પુનાજ ગામેથી દીવો પ્રગટાવીને મને લઇ આવ. આથી બીજી સવારે સ્વપ્નની વાત જેસંગભાઇએ ગ્રામજનોને કરતા સૌ શ્રદ્વાપૂર્વક રઢુથી આઠેક કિલોમીટર દૂર આવેલા પુનાજ ગામે પહોંચ્યા હતા અને ત્યાંથી દીવો પ્રગટાવીને સાથે લીધો હતો. કહેવાય છે તે સમયે વરસાદ અને ભારે પવન હતો છતાંયે દીવો અખંડ રહ્યો. સંવત ૧૪૪પમાં દીવાની સ્થાપના કરીને નાની ડેરી બનાવી હતી. ત્યારથી ગામ સહિત આસપાસના પંથકના ભાવિકજનો મહાદેવજીના દર્શને આવે છે. આટલા વર્ષો પછી પણ ભક્તજનોમાં આ સ્થાનકનું મહત્વ અને શ્રધ્ધા જળવાઈ રહ્યા છે.
અહી વરસોવરસ ઘીના વધારાને સંઘરવા જગ્યા ઓછી પડે છે. જેના કારણે સંવત ર૦પ૬ના શ્રાવણ માસથી દર વર્ષે મહિના દરમિયાન હોમાત્મક યજ્ઞ કરવામાં આવે છે. આ યજ્ઞ સવારે ૬ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી ચાલે છે. જેમાં ઘીનો હોમ કરવામાં આવે છે. દિવસભર મોટી સંખ્યામાં ભાવિકજનો યજ્ઞના દર્શનાર્થ આવે છે. ઉપરાંત શ્રાવણ વદ બારસના દિવસે શ્રી કામનાથ દાદાનો મોટો મેળો ભરાય છે. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો કામનાથ મહાદેવ જેમને લાડમાં દાદા કહે છે તેમની રથયાત્રા કરે છે. આખા ગામમાં ભક્તિ અને ભાવથી યાત્રા નીકળે છે. પ્રભુ દર્શનની સાથે ભાતીગળ લોકમેળાનો આનંદ મણે છે. મંદિરમાં ટ્રસ્ટ નીમાયું છે જેના કારણે વહીવટ સુવ્યવસ્થિત ચાલે છે. આજ ટ્રસ્ટની આગેવાની હેઠળ છેલ્લા કેટલાક વર્ષોથીઅન્નક્ષેત્ર ચાલે છે જ્યાં અહી દર્શનાર્થે આવતા ભક્તોને જમવાની વ્યવસ્થા પૂરી પડાય છે.
શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એ દરેકની પોતાની અંગત માન્યતા છે પરંતુ દરેકના આશ્ચર્ય વચ્ચે આટલા બધા વર્ષોથી સંગ્રહાયેલા ઘીના સ્વાદ કે સુગંધમાં કોઈ ફર્ક નથી પડ્યો એ હકીકત છે. ભક્તિમાં શ્રધ્ધાની પોતાની જગ્યા છે. કેટલીય માન્યતાઓ અને અચંબિત કરતા દાખલાઓ ને આધારે આ ટકી રહેલી છે. ગમે તે હોય પરંતુ સંસ્કૃતિ આપણી ધરોહર છે જેને સમજપૂર્વક સાચવી રાખવાની છે.