હાલ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યા છે. ત્યારે ખોડીવડલી સર્કલ પાસે કેટલાક અસામાજીક તત્વોએ પોલીસ પર અચાનક હીંચકારો હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે સીસીટીવીનાં આધારે તપાસ હાથ ધરી છે.
અંબાજી ખાતે રોજનાં લાખો ભક્તો દર્શનાર્થે આવે છે
અસામાજીક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કર્યો
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના ધમધમાટ વચ્ચે અસામાજિક તત્વનો આતંક સામે આવ્યો. જેમાં અંબાજી ખોડીવડલી સર્કલ નજીક Dy.SP.ના ડ્રાઈવર પર હુમલો કરવામાં આવ્યો. હુમલાખોર દ્વારા પોલીસ વાનના ડ્રાઈવર ખોડીવડલી સર્કલ નજીક ઉભા છે. તેવામાં એકાએક પાછળથી એક શખ્સ હુમલો કરી દે છે. લાકડી વડે પોલીસ વાનના ડ્રાઈવર પર જોરથી માથાના ભાગે હુમલો કરતા પોલીસ જવાન રસ્તા પર ઢળી પડે છે. અને તેને ઈજા પહોંચે છે. એટલેથી ન અટકતા આ શખ્સ અન્ય પોલીસ અધિકારી પર પણ જીવલેણ હુમલો કરી દે છે. જોકે સદનસીબે તે પોલીસ અધિકારીને કોઈ ઈજા પહોંચતી નથી. પોલીસ કર્મચારીઓ પર હુમલો થતા જ ત્યાં હાજર પોલીસ આરોપીને દબોચી લે છે.
સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ
પોલીસ પર હુમલાની સમગ્ર ઘટના ખોડીવલડી સર્કલ નજીક લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. મહત્વનું છે કે, અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. તેવામાં પોલીસ પર હુમલો થતા અનેક સવાલો ઉઠી રહ્યાં છે. કારણકે મેળાના ઈતિહાસમાં આવી પ્રથમ ઘટના છે જેમાં કાયદાના રખેવાળ પર જ હુમલો થયો હોય. ત્યારે આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી છે.