BCCIએ IPL 2022ની અમદાવાદની ટીમને અંતિમ મંજૂરી આપી દીધી છે. જે ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાનું નામ નક્કી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સત્તાવાર જાહેરાત ટુંક સમયમાં થઇ શકે છે.
IPL અમદાવાદને મળ્યું ગ્રીન સિગ્નલ
CVC કેપિટલને BCCIએ આપી લીલીઝંડી
કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાનું નામ નક્કી
IPL 2022 મેગા ઓક્શન પહેલા ગુજરાતી ક્રિકેટ રસીકો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) દ્વારા અમદાવાદ ફ્રેન્ચાઈઝીને સત્તાવાર મંજૂરી અને લેટર ઓફ ઈન્ટેન્ટ (LOI) આપી દેવામાં આવ્યો છે. ત્યારે હવે ખરાબ ફૉર્મ અને ખરાબ ફિટનેસના કારણે ટીમ ઇન્ડિયાથી બહાર રહેલા હાર્દિક પંડ્યા ઇન્ડિયન પ્રીમિયર લીગની નવી ટીમ અમદાવાદના કેપ્ટન બની શકે છે. આઈપીએલના વરિષ્ઠ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અમદાવાદની ટીમ માટે હાર્દિક પંડ્યાનું નામ નક્કી છે. તો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)થી મંજૂરી મળ્યા બાદ અમદાવાદે પોતાની ટીમને તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે.
સમાચાર એજન્સી પીટીઆઈના અનુસાર, અમદાવાદની ટીમ હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને ઈશાન કિશને પોતાની સાથે જોડી શકે છે. તેમાં હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવી શકાય છે, પહેલા માનવામાં આવી રહ્યું હતું કે શ્રેયસ અય્યર અમદાવાદના કેપ્ટન બની શકે છે, પરંતુ હવે હાર્દિક પંડ્યાનું નામ કેપ્ટનશીપમાં સામે આવી રહ્યું છે. તો હેડ કોચ તરીકે રવિ શાસ્ત્રીનું નામ પણ ફાઇનલ છે. રશીદ ખાન અને ઇશાન કિશનનો પણ ટીમમાં સમાવેશ કરાયો હોવાની ચર્ચા ચાલી રહી છે. હાલ ડ્રાફ્ટ ખેલાડીઓ તરીકે ફ્રેન્ચાઇઝી નામ સોંપ્યા છે.
શું હતો વિવાદ?
બીસીસીઆઇએ ટીમને લેટર ઓફ ઇન્ટેન્ટ આપ્યો છે. હવે અમદાવાદ ટીમની ખેલાડીની પસંદગીનો માર્ગ મોકળો બન્યો છે. ત્યારે ટીમ ખરીદનાર કંપની સટ્ટામાં સંડોવાયેલી હોવાથી વિવાદ થયો હતો. સીવીસી કંપનીએ 5625 કરોડમાં અમદાવાદ ટીમ ખરીદી હતી. તો અમદાવાદ ટીમની માલિક કંપની CVC કેપિટલ્સ કંપની સામે વિવાદ સર્જાતા બોર્ડ દ્વારા એક કમિટિની રચના કરવામાં આવી હતી. જેમાં યોગ્ય રિપોર્ટ્સ સોંપવા જણાવ્યું હતું. ત્યારબાદ કમિટિએ રિપોર્ટ્સ સોંપી દેતા બોર્ડ દ્વારા આ CVC કેપિટલ્સને IPLમાં ટીમ બનાવવાની અનુમતિ મળી છે. હવે હરાજી જાન્યુઆરીની શરૂઆતથી ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં તે યોજાઈ શકે છે.
Irelia Co. Pvt Ltd (CVC કેપિટલ પાર્ટનર્સ) એ ₹5,625 કરોડની બિડ લગાવીને અમદાવાદ ફ્રેન્ચાઇઝી મેળવી છે. તો આરપી-સંજીવ ગોએન્કા ગ્રૂપે બીજી નવી ટીમ લખનૌને ₹7,090 કરોડમાં હસ્તગત કરીને 5 વર્ષ પછી ફરીથી લીગમાં કમબેક કર્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગોયન્કા ગ્રુપ પાસે 2 વર્ષ 2016 અને 2017માં રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સની ટીમ રહી હતી.