સરકારી કર્મચારીઓને સરકાર ઝટકો આપવા જઇ રહી છે. કર્મચારીઓ માટે બે વર્ષથી ચાલી રહેલી કોવિડ-19 રાહત યોજનાને સરકારે માર્ચમાં બંધ કરવાનો નિર્ણય લીધો છે. કર્મચારી રાજ્ય વીમા નિગમે આ યોજનાને 24 માર્ચ 2020થી બે વર્ષ માટે લાગુ કરી હતી. માર્ચ 2022માં તેને બે વર્ષ પૂર્ણ થશે.
કોરોનાની સ્થિતિ હવે અંકુશમાં છે, યોજનાને વધારવાની જરૂર નથી
કોવિડ રાહત યોજનાને વધારવાની કોઈ જરૂર નથી
હાલમાં કર્મચારી રાજ્ય વીમા નિગમની સંચાલક મંડળની બેઠક થઇ હતી. ઈએસઆઈસી સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે બેઠકમાં શ્રમ પ્રધાન ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે કોરોનાની સ્થિતિ હવે નિયંત્રણમાં છે. તો હવેની પરિસ્થિતિ પ્રમાણે કોવિડ રાહત યોજનાને વધારવાની કોઈ જરૂર નથી. બેઠકમાં શ્રમ પ્રધાને કહ્યું કે ઈએસઆઈસી હોસ્પિટલો તરફથી શ્રમિકોના સ્વાસ્થ્યની તપાસ ચાલુ રહેશે અને ફેક્ટરીઓ-એમએસએમઈ ક્લસ્ટરને એક યુનિટ માનવામાં આવશે.
શું છે કોવિડ રાહત યોજના?
દેશમાં જ્યારે કોવિડ-19એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ ત્યારે ઈએસઆઈસીના દાયરામાં આવતા રજીસ્ટર્ડ કર્મચારીઓ માટે આ યોજના ચલાવવામાં આવી હતી. કોઈ પણ કર્મચારીનું કોવિડ-19ના કારણે મોત થતા તેના પરિવારને આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે. જે હેઠળ પરિવારને ઓછામાં ઓછા 1800 રૂપિયા દર મહિને રકમ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ એવા કર્મચારીઓને આપવામાં આવે છે, જેણે 3 મહિના પહેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હોય અને 35 દિવસનું ન્યુનત્તમ યોગદાન પણ કર્યુ હોય. મૃત્યુ થતા પરિવારને સહાયતા સિવાય કોરોના સંક્રમિત થવાથી ઉપચાર દરમ્યાન દૈનિક સરેરાશ વેતનનો 70 ટકા બિમારીના લાભ તરીકે આપવામાં આવે છે. એક વર્ષમાં મહત્તમ 91 દિવસો માટે બિમારી લાભ મળે છે.
નાણાંકીય સહાયતા માટે આટલા લોકો લાયક
ઈએસઆઈસીના નિયમ હેઠળ જીવનસાથી, માન્ય અથવા દત્તક લીધેલ દીકરો જેની ઉંમર 25 વર્ષથી ઓછી હોય અથવા અવિવાહીત કાયદેસર અથવા દત્તક લીધેલી દીકરી અને વિધવા માતા નાણાંકીય સહાયતા માટે લાયક હોય છે. મૃત કર્મચારીના દૈનિક સરેરાશ પગારના 90 ટકા જેટલી રકમ તેના પરિવારને આપવામાં આવે છે. આ 90 ટકાને ફૂલ રેટ કહેવામાં આવે છે. જો એકથી વધુ આશ્રિત છે તો રાહતની વહેંચણી થાય છે.