ભાવનગર જિલ્લામાં ખેડૂતોનું કહેવું છે કે, આ વિસ્તારમાં 105 દિવસથી વરસાદ નથી, હવે વરસાદ ન આવે તો મગફળી, કપાસ અને અન્ય પાકો બળી જાય તેવી સ્થિતિ
ભાવનગરમાં ખેડૂતો મુશ્કેલીમાં
મગફળી,કપાસ સહિતના પાકો નિષ્ફળ
જિલ્લામાં સરેરાશ 38 ટકા વરસાદ
ભાવનગર જિલ્લામાં આ વર્ષે થોડા સમય પહેલા આવેલા તૌકતે વાવાઝોડા બાદ વરસાદે પણ ખેડૂતો માટે મુશ્કેલી ઉભી કરી છે. વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોનું કહેવું છે કે, આ વિસ્તારમાં 105 દિવસથી વરસાદ નથી. હવે વરસાદ ન આવે તો મગફળી, કપાસ અને અન્ય પાકો બળી જાય તેવી સ્થિતિ ઉભી થવા પામી છે. ખાસ કરીને ઘોઘા તાલુકાના મોટાભાગના ગામોમાં સિંચાઈ માટે કેનાલ નહીં હોવાથી પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે. અને માત્ર વરસાદ આધારિત ખેતી હોવાથી તેમને મોંઘા ભાવના બિયારણો તેમજ ઊંચી મજૂરી આપીને કરેલા વાવેતર હવે ફેલ જશે. ત્યારે સરકાર ખેડૂતો માટે કોઈ સહાય કરે તે જરૂરી છે
ભાવનગર જિલ્લામાં આ વર્ષે અષાઢ માસ આખો કોરો ગયો છે. શ્રાવણ માસની શરૂઆતમાં પણ વરસાદ નહીં થવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષમાં હજુ સુધી 38 ટકા જેટલો જ સરેરાશ વરસાદ થયો છે. જિલ્લામાં વાવાઝોડા બાદ ખેડૂતોએ સારા વરસાદની આશાએ 98 ટકા જમીનમાં વાવેતર કરી નાખ્યું હતું. પરંતુ વરસાદ ખેંચાતા રાતપાણીએ રોવાનો વારો આવ્યો છે. ભાવનગર જિલ્લામાં કુલ 4.80 લાખ હેકટર જમીનમાં વાવેતર થયા છે. તેમાં સૌથી વધુ 2.50 લાખ હેકટરમાં કપાસનું વાવેતર થયું છે.
આ ઉપરાંત જિલ્લામાં મગફળી, બાજરી અને જુવારનું વાવેતર પણ થયું છે. ભાવનગર જિલ્લામાં જેસર તાલુકામાં 20 ટકા, સિહોર તાલુકામાં 20 ટકા, તળાજા તાલુકામાં 22 ટકા વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ ગારિયાધાર અને મહુવામાં 55 ટકાથી ઉપર થયો છે. ઘોઘા અને તળાજા પંથકમાં વાવાઝોડાના સમયે આવેલા વરસાદને આજે 105 દિવસ થવા છતાં વરસાદના દેખા નથી. હવે પાક સૂકાવવા લાગ્યા છે તેમ ખેડૂતોનું કહેવું છે.
ભાવનગર જિલ્લામાં આમ તો શેત્રુંજી સિંચાઈ યોજનામાંથી કેટલાક તલુકાઓમાં સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. જો કે હજુ ખેડૂતોએ હાલ પાણી છોડવા માટે કોઈ માંગ કરી નથી. તેથી પાણી છોડવામાં આવ્યું નથી.
જિલ્લમાં કુલ 12 જળાશયો આવેલા છે. જેમાંથી એક માત્ર શેત્રુંજી ડેમ 75 ટકા પાણીથી ભરાયેલા છે. બાકીના ડેમમાં 30થી 50 ટકા પાણી ભરાયેલું છે. ભાવનગર જિલ્લામાં તળાજાના અને ઘોઘાના છેવાડાના ગામોને અહીં કેનાલ નહીં હોવાથી સિંચાઈનો કોઈ લાભ મળતો નથી. તેમ ખેડૂતોનું કહેવું છે. આ વિસ્તારમાં હાલ માત્ર વરસાદ ઉપર જ આધાર રાખવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે, આ વિસ્તારમાં આવેલી કેનાલોમાં મરામત કરાવવી જોઈએ અને જ્યાં કેનાલ નથી ત્યાં કેનાલ બનાવીને ખેડૂતોને થતા નુકસાન અંગે સરકારે વિચારવું જોઈએ.