કર્ણાટક, પંજાબ અને હરિયાણામાં H3N2 વાયરસના કારણે મૃત્યુ
કોરોના પછી હવે H3N2 વાયરસ (ઈન્ફ્લુએન્ઝા વાયરસ) એ હાહાકાર મચાવ્યો છે. આ વાયરસ દેશભરમાં ફેલાવા લાગ્યો છે. H3N2 વાયરસને કારણે દેશમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસારકર્ણાટક, પંજાબ અને હરિયાણામાં H3N2 વાયરસના કારણે મૃત્યુ થયા હોવાની માહિતી મળી રહી છે. જોકે, પ્રાથમિક તપાસમાં આ વાત સામે આવી હોવાનું સૂત્રોનું કહેવું છે. જો કે, H3N2 થી મૃત્યુનું કારણ નક્કી કરવા માટે વધુ તપાસની જરૂર છે.
બીજી તરફકર્ણાટકના હાસનમાં H3N2 વાયરસથી એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ થઈ છે. મૃતક દર્દીની ઓળખ એચ ગૌડા તરીકે થઈ છે. તેઓ 82 વર્ષના હતા. તેમને 24 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 1 માર્ચના રોજ તેમનું અવસાન થયું. આ પછી તેમના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. 6મી માર્ચે IA રિપોર્ટમાં H3N2ની પુષ્ટિ થઈ છે.
H3N2એ સમગ્ર દેશમાં ચિંતા વધારી
H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસ ફાટી નીકળતાં સમગ્ર દેશમાં ચિંતા વધી છે. ઈન્ફલ્યુએન્ઝાના કેસ એવા સમયે સામે આવી રહ્યા છે જ્યારે દેશ ત્રણ વર્ષ બાદ કોરોના મહામારીમાંથી બહાર આવ્યો છે. બાળકો અને વૃદ્ધો વધુને વધુ વાયરસનો શિકાર બની રહ્યા છે. ડોકટરોના જણાવ્યા મુજબ, ઈન્ફલ્યુએન્ઝાના મોટાભાગના દર્દીઓમાં સમાન લક્ષણો હોય છે. જેમ કે ઉધરસ, ગળામાં ચેપ, શરીરમાં દુખાવો, નાકમાં પાણી આવવું.
અત્યાર સુધીમાં H1N1 ના 8 કેસ નોંધાયા છે. ઈન્ફલ્યુએન્ઝા ત્રણ પ્રકારના હોય છે, જેમ કે H1N1, H3N2 અને ઈન્ફલ્યુએન્ઝા B, જેને યામા ગાટા કહે છે. હાલમાં ભારતમાં બે પ્રકારના ઈન્ફલ્યુએન્ઝા વાયરસ H1N1 અને H3N2ની હાજરી છે. સમગ્ર દેશમાં ઈન્ફલ્યુએન્ઝાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આમાંના મોટાભાગના કેસો ફક્ત H3N2 ના છે. આ વાયરસને હોંગ-કોંગ ફ્લૂ પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે ઈન્ફલ્યુએન્ઝાના ઉધરસ, શરદી, શ્વાસ લેવામાં તકલીફ અને કફ જેવા લક્ષણો છે. દર્દીઓએ ગળામાં દુખાવો, શરીરમાં દુખાવો અને ઝાડા થવાની પણ ફરિયાદ પણ સામે આવી રહી છે.
હરિયાણાની હોસ્પિટલોમાં દર્દીઓમાં 40%નો વધારો
હરિયાણામાં ઈન્ફ્લ્યુએન્ઝાના કેસ ઝડપથી વધી રહ્યા છે. હરિયાણાની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં 40%નો વધારો થયો છે. અહીં સરકાર પણ એલર્ટ પર છે અને આરોગ્ય વિભાગે અહીંના અધિકારીઓને તૈયાર રહેવા જણાવ્યું છે. તો સાથે સાથે ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં પણ તેના કેસ ઝડપથી વધી રહ્યા છે. આંધ્રપ્રદેશમાં આરોગ્ય મંત્રી વેદાલા રજનીએ પરિવારોને અપીલ કરી છે કે જો લક્ષણો જોવા મળે તો બાળકોને શાળાએ ન મોકલો.
ઈન્ફ્લ્યુએન્ઝાના કેસ 6 મહિનામાં 200% વધે છે
નિષ્ણાતો કહે છે કે છેલ્લા 6 મહિનામાં ઈન્ફલ્યુએન્ઝાના કેસમાં 200 ટકાનો વધારો થયો છે. આના મુખ્ય ત્રણ કારણો છે. તેમાં નવેમ્બરથી જાન્યુઆરી સુધીની શિયાળાની ઋતુ, વાયુ પ્રદૂષણમાં વધારો અને વાયરલ ઇન્ફેક્શનનો સમાવેશ થાય છે. નિષ્ણાતો કહે છે કે દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, પરંતુ ઉધરસ, શરદી અને તાવના કેસ ઝડપથી વધી રહ્યા છે, જે ઈન્ફલ્યુએન્ઝા વાયરસના કારણે થઈ રહ્યા છે.