બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Aim to make India a developed country on 100th Independence Day

ભારતના ભવિષ્યના લક્ષ્યાંક / 100માં સ્વતંત્રતા દિવસે ભારતને વિકસિત દેશ બનવાનું લક્ષ્ય: 2027માં જર્મની-જાપાન પછડાશે, 2075માં અમેરિકાથી નિકળીશું આગળ

Malay

Last Updated: 10:25 PM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Independence Day 2023 News: 15 ઓગસ્ટ 2047ના રોજ આપણી આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે. ત્યારે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનું PM મોદીનું લક્ષ્ય છે અને આ માટે કામ જોરશોરથી ચાલી રહ્યું છે.

  • દેશમાં 15 વર્ષોમાં 41.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળ્યા
  • સરકાર ગરીબીને નાથવામાં વ્યૂહાત્મક અને ક્રમબદ્ધ ભરી રહી છે નક્કર પગલાંઓ 
  • 2027 સુધીમાં ભારત બની શકે છે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા
  • વર્ષ 2047 સુધીમાં આપણા દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવો છે: PM મોદી
  • 2024 સુધીમાં દરેક ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનું લક્ષ્ય

Independence Day 2023:  21મી સદી ભારતની હશે... ભારત વિશ્વની મહાશક્તિ બનશે... આવી ઘોષણાઓ ભારતના રાજનેતાઓ, અર્થશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી છે. અનેક વિદેશી વિદ્વાનોએ પણ ભારતના ઉજ્જવળ ભવિષ્યની ભવિષ્યવાણી કરી છે. શું આ સપનું સાકાર થશે? શું ખરેખર આપણે મહાશક્તિ, વિકસિત રાષ્ટ્ર બનવાના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ? આ પ્રશ્નો પર વિચાર કરવો જરૂરી છે. ભારતના સર્વાંગી વિકાસના આ દાવાઓ અને ભવિષ્યવાણીઓની પાછળ કોઈ નક્કર પુરાવા જોવા મળી રહ્યા છે. ઇ. સ. 1947માં આઝાદી પછી ભારત દેશ દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે તમામ ક્ષેત્રોમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. વિશ્વભરમાં ભારત દેશ આજે એક મજબૂત લોકશાહી તરીકે ઉભરી આવ્યો છે. તમામ ક્ષેત્રોમાં આજે ભારત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે.  

આપણી અનેક કંપનીઓએ વિદેશી કંપનીઓને હસ્તગત કરીને ભારતની ઔદ્યોગિક કાર્યક્ષમતાનો પુરાવો આપ્યો છે. આપણા શિક્ષકો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગપતિઓ વિદેશોમાં પણ પોતાની પ્રતિભાનો ડંકો વગાડી રહ્યા છે. વિજ્ઞાન, ચિકિત્સા, વ્યવસાય, કલા, સૈન્ય-શક્તિ, શિક્ષા અને સંસ્કૃતિ, દરેક ક્ષેત્રમાં આપણે નવા-નવા રેકોર્ડ સ્થાપ્યા છે. વર્તમાન સમયમાં ભારતની ટેક્નોલોજી ડેવલપમેન્ટ ઇકોસિસ્ટમ વૈશ્વિક સ્તરની બની ગઈ છે. નેશનલ ક્વોન્ટમ મિશન, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, લેસર અને જેનેટિક એન્જિનિયરિંગ વગેરે વિકાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થઈ રહ્યાં છે. તકનીકી પ્રગતિના સકારાત્મક પરિણામો આર્થિક વૃદ્ધિના સ્વરૂપમાં દેખાઈ રહ્યા છે. આ તમામ બાબતો ભારતના ઉજ્જવળ ભવિષ્યમાં આપણો વિશ્વાસ મજબૂત કરે છે. ત્યારે ચાલો ભારત દેશના વિશ્વગુરુ બનવા તરફના મહત્વપૂર્ણ લક્ષ્યાંકો વિશે જાણીએ. 

ગરીબી નાબૂદીઃ ભારતમાં છેલ્લા 15 વર્ષમાં ગરીબી અડધી થઈ
ભારતમાં છેલ્લા 15 વર્ષોમાં 41.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળ્યા છે. હિન્દુસ્તાન તે 25 દેશોમાં સામેલ છે, જ્યાં છેલ્લા 15 વર્ષમાં ગરીબી અડધી થઈ ગઈ છે. આ વાત સંયુક્ત રાષ્ટ્ર તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં સામે આવી છે. UNએ વિશ્વભરના દેશોમાં વર્તમાન ગરીબીની સ્થિતિને લઈને ગ્લોબલ મલ્ટીડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ 2023 જાહેર કર્યો હતો. આ રિપોર્ટને યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ ઓફિસ (HDRO) અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના ઓક્સફોર્ડ પોવર્ટી અને માનવ વિકાસ પહેલ (Oxford Poverty and Human Development Initiative) (OPHI) દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવ્યો હતો.

2005-2006માં 64.5 કરોડ લોકો ગરીબીની યાદીમાં હતા સામેલ
સંયુક્ત રાષ્ટ્ર (UN)ના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2005-2006થી 2019-2021 દરમિયાન ભારતે તેના વૈશ્વિક MPI મૂલ્યો (ગરીબી)ને સફળતાપૂર્વક અડધું કરી દીધું છે. વૈશ્વિક એજન્સીનું માનીએ તો આ આંકડો દેશમાં ઝડપી વિકાસ દર્શાવે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં માત્ર 15 વર્ષની અંદર કુલ 41.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. 2005-2006માં જ્યાં ગરીબોની વસ્તી 55.1 ટકા હતી, તે 2019-2021માં ઘટીને 16.4 ટકા થઈ ગઈ. 2005-2006માં ભારતમાં લગભગ 64.5 કરોડ લોકો ગરીબીની યાદીમાં સામેલ હતા, આ સંખ્યા 2015-2016માં ઘટીને લગભગ 37 કરોડ થઈ ગઈ અને 2019-2021માં તે ઘટીને 23 કરોડ થઈ ગઈ. રિપોર્ટ અનુસાર ભારતમાં તમામ સૂચકાંકોમાં ગરીબીમાં ઘટાડો થયો છે.

દેશમાં બાળ મૃત્યુ દર ઘટીને 1.5 ટકા થયો
રિપોર્ટ મુજબ, ભારતમાં પોષણ સૂચકઆંકો હેઠળ બહુપરીમાણીય રીતે ગરીબ અને વંચિત લોકોની સંખ્યા 2005-2006માં 44.3 ટકાથી ઘટીને 2019-2021માં 11.8 ટકા થઈ ગઈ. આ સમયગાળા દરમિયાન બાળ મૃત્યુદર 4.5 ટકાથી ઘટીને 1.5 ટકા થયો હતો. રિપોર્ટ અનુસાર ગરીબ અને રસોઈ ઇંધણથી વંચિત લોકોની સંખ્યા 52.9 ટકાથી ઘટીને 13.9 ટકા થઈ ગઈ છે.

સરકારે ગરીબી ઘટાડવા ભર્યા અનેક પગલા 
- સરકારે ગ્રામીણક્ષેત્રે શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ, રોજગારી, કુંટુંબ નિયોજન, સંદેશાવ્યવહાર, આંતર સુવિધાયુક્ત માળખાં સુધાર્યા. સિંચાઈ, સડક, પાકસંરક્ષણ, કૌશલ્ય અને તાલીમક્ષેત્રે, ખેતીક્ષેત્રે સુધારાઓ કર્યા, પાકની વિવિધ જાતો વિકસાવી, બિયારણ, ખાત, ટ્રેક્ટરની સુવિધા માટે સસ્તી બેંકલોનનું ધિરાણ ઉપલબ્ધ કરાવીને ગ્રામોદ્વારના અનેકવિધ મહત્વાકાંક્ષી પગલાંઓ ભર્યા.

- ઘર આંગણે યુવકો માટે રોજગારીનાં ક્ષેત્રો ખોલ્યા જેથી શહેર તરફનું સ્થળાંતર ઘટે અને શહેરો પર વસ્તીનું ભારણ ઘટે. ગ્રામીણ કે નગર કક્ષાએ શાળાઓ, માધ્મિક અને ઉચ્ચત્તર માધ્મિક શાળાઓ, નજીકના અંતરે કોલેજો શરૂ કરીને ટેક્નિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો અને તાલીમક્રેન્દ્રોની સુવિધાઓ ઊભી કરી. 

- યુવક-યુવતીઓને ઉચ્ચશિક્ષણ પૂરું કરે ત્યાં સુધીની આર્થિક સહાયરૂપે સ્કોલરશિપ, ફી-માફીની સુવિધા, આશ્રમશાળાઓ, કન્યા કેળવણી માટે આર્થિક સહાય દ્વારા પ્રોત્સાહન જેવા અનેક પગલા ભર્યા છે. મહિલા સશક્તિકરણના પ્રયાસરૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા સ્વરોજગારી ઊભી કરવા વિવિધ નક્કર પ્રયાસો અને કાર્યક્રમો અમલમાં મૂક્યા. 

- આમ સરકાર ગરીબીના રાક્ષસને નાથવામાં વ્યૂહાત્મક અને ક્રમબદ્ધ નક્કર પગલાંઓ ભરી રહી છે. આ પગલાઓના અમલ થવા છતાં અર્થતંત્રમાં ઊંડે ઘર કરી ગયેલી ગરીબીની સમસ્યાને જડમૂળથી ઉખાડી ફેંકી દેવાના સ્વપ્નને સાકાર કરવામાં અને વિશ્વબેંકના 2030 સુધીમાં વિશ્વમાંથી ગરીબીનું નિર્મૂલન કરવાના વિઝનને મિશનરૂપે પૂર્ણ કરવામાં ભારતે હજી ઘણી મંઝિલ મક્કમ પગલે કાપવાની રહેશે. 

Ecowrap: ભારત બની શકે છે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા
ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને IMF, વિશ્વ બેંક સહિત અન્ય વૈશ્વિક એજન્સીઓએ પણ આ હકીકત સ્વીકારી છે. હવે વધુ એક સારા સમાચાર આવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2027 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. આ દાવો SBI Ecowrap રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBIના રિપોર્ટ (SBI Ecowrap)માં જણાવ્યું છે કે જો ભારત તેની ગ્રોથની વર્તમાન વૃદ્ધિની ગતિ જાળવી રાખે છે, તો દેશને નાણાકીય વર્ષ 2027-28  (FY27-28) સુધીમાં દેશને ત્રીજા સૌથી મોટા અર્થતંત્રનો ટેગ મળવાની પૂરી સંભાવના છે. 

ભારત 2027 સુધીમાં જાપાન-જર્મનીને છોડી શકે છે પાછળ!
તો બીજી બાજુ અર્થશાસ્ત્રીઓએ એમ પણ કહ્યું છે કે, 2027 સુધીમાં ભારત દેશ જાપાન અને જર્મની જેવા દેશોને પાછળ છોડી શકે છે. વર્તમાન આંકડાઓના આધારે અર્થવ્યવસ્થાની આ ગતિને જોઈએ તો ભારત અર્થવ્યવસ્થામાં દર બે વર્ષે 0.75 ટ્રિલિયન ડોલર ઉમેરે જેવી સંભાવના છે, જેનો અર્થ છે કે ભારત 2047 સુધીમાં 20 ટ્રિલિયન ડોલરને સ્પર્શવા માટે તૈયાર છે. જીડીપીમાં ભારતની વૈશ્વિક હિસ્સેદારી 2027 સુધીમાં 4 ટકાને પાર કરી જશે. અર્થશાસ્ત્રીઓ માનવું છે કે વૈશ્વિક જીડીપીમાં ભારતનો હિસ્સો અત્યારે 3.5 ટકા છે, જે 2014માં 2.6 ટકા હતો.

PM મોદીનું 'વિઝન 2047'
આજે ભારત તમામ મોર્ચે આગળ વધી રહ્યો છે. આત્મનિર્ભર ભારતથી લઈને તમામ વસ્તુઓમાં ઝડપથી વિકાસ કરી રહ્યા છે. આજે વિશ્વમાં ભારતની તાકાત વધી છે. વડાપ્રધાને લાલ કિલ્લા પરથી આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત દેશ બનાવવાનું સપનું બતાવ્યું છે. 15 ઓગસ્ટ 2047ના રોજ આપણી આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે. અત્યારથી આગામી 25 વર્ષ સુધીના સમયને વડાપ્રધાન દ્વારા અમૃતકાળ કહેવામાં આવ્યો છે. 

'25 વર્ષમાં ભારતને બનાવવાનો છે વિકસિત દેશ'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 15મી ઓગસ્ટે સતત 9મી વખત લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યા બાદ દેશને સંબોધિત કરતા કહ્યું હતું કે, 'આપણે આગામી 25 વર્ષમાં એટલે કે 2047માં ભારતને વિકસિત દેશ બનાવવાના લક્ષ્ય સાથે કામ કરવાનું છે. આ માટે આપણે આયાત ઘટાડવી પડશે અને આપણા સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવું પડશે. હવે આપણે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ. વર્ષ 2030 સુધીમાં આપણે જાપાન અને જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર છીએ. આ માટે સરકાર દેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને મજબૂત બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. વ્યાપાર અને રોકાણને આકર્ષવા માટે કાયદાઓમાં સુધારો કરવામાં આવી રહ્યો છે અને નિયમોને ઉદાર બનાવવામાં આવી રહ્યા છે. અમે તાજેતરમાં અમારી નવી વેપાર નીતિ પણ લાવ્યા છીએ. જેના કારણે દેશમાં વિદેશી કંપનીઓ માટે તેમના ઉદ્યોગો સ્થાપવા, અન્ય દેશોમાં માલની નિકાસ વગેરે માટે અનેક પ્રકારની સુવિધાઓ સરળ અને ન્યાયી બનાવવામાં આવી છે.'

4 પાસા પર અપાઈ રહ્યું છે ધ્યાન
પીએમ મોદીના આ નિર્ધારિત લક્ષ્યને હાંસલ કરવા માટે એટલે કે 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવા માટે સરકાર ચાર પાસાઓ પર ધ્યાન આપી રહી છે. આ પાસાઓ છે- ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણ, નવીનતા અને સર્વસમાવેશકતા. આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીમાં દેશને વિકસિત દેશ બનાવવા અંગે તાજેતરમાં જ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, 'કેન્દ્ર સરકાર આ લક્ષ્ય સાથે ચાર અલગ-અલગ પાસાઓ પર ભાર મૂકી રહી છે. સરકારનું પ્રથમ ધ્યાન ઈન્ફ્રા એટલે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર છે. આ જ કારણ છે કે છેલ્લા ત્રણથી પાંચ વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારી ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. નાણાકીય વર્ષ 2023-24માં સરકારી ખર્ચનો આ આંકડો 10 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોડ રસ્તાઓ, બંદરો તથા એરપોર્ટની સાથે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ સમાવેશ થાય છે.' 

2075માં ભારત હશે બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા
ભારતીય અર્થવ્યવસ્થા જે રોકેટ ગતિએ ચાલી રહી છે. વર્તમાન સમયમાં આ દેશ વિશ્વની પાંચમી અર્થવ્યવસ્થાવાળો દેશ છે અને 2075 સુધીમાં તે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બની જશે. એટલું જ નહીં જાપાન અને જર્મનીની સાથે-સાથે મહાશક્તિ કહેવાતા અમેરિકાને પણ પાછળ છોડી દેશે. આ દાવો Goldman Sachsના તાજેતરના એક રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો. વર્ષ 2075માં ભારત બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે, જેની અર્થવ્યવસ્થા વધીને 52.5 ટ્રિલિયન ડોલર થઈ જશે. Goldman Sachsના રિપોર્ટ અનુસાર ચીન વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે, જેની અર્થવ્યવસ્થા 57 ટ્રિલિયન ડૉલરની હશે. 51.5 ટ્રિલિયન ડોલર સાથે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાની હશે. આ પછી યુરો એરિયા અને જાપાનની અર્થવ્યવસ્થા જળવાઈ રહેવાની છે. 

દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાનું લક્ષ્ય
દેશના કેટલાક વિસ્તારોમાં આજે પણ પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ નથી. આ સમસ્યાને દૂર કરવા માટે સરકાર વિવિધ પ્રયાસો કરે છે. જેથી દરેક ઘરમાં પીવાનું શુધ્ધ પાણી ઉપલબ્ધ કરાવી શકાય. આ માટે મોદી સરકાર દ્વારા 2019થી 'હર ઘર નલસે જલ' યોજના શરૂ કરવામાં આવી છે. હર ઘર નલ સે જલ યોજનાનો ઉદ્દેશ દેશના દરેક વિસ્તારના દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાનો છે. પહેલાં આ યોજના અંતર્ગત દરેક ઘર સુધી શુદ્ધ પાણી પહોંચાડવાનું લક્ષ્ય 2030 નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આ સમયમર્યાદા 2024 કરવામાં આવી છે.

2022 સુધીમાં 8 કરોડથી વધુ લોકોને મળ્યો લાભ
'હર ઘર નલ સે જલ' યોજનાને 'જલ જીવન મિશન' તરીકે પણ ઓળખવામાં આવે છે. PIBએ 1 ફેબ્રુઆરી 2022ના રોજ આપેલી જાણકારી અનુસાર, આ યોજનાને સફળ બનાવવા માટે 60 હજાર કરોડનું બજેટ પસાર કરવામાં આવ્યું હતું, જેથી 2022-2023માં 3.8 કરોડ ઘરોને આ યોજનાનો લાભ મળી શકે. વર્ષ 2022 સુધીમાં 8 કરોડ 7 લાખ લોકોને આ યોજનાનો લાભ મળ્યો હતો, જેમાંથી 5.5 કરોડ ઘરોને તો માત્ર 2 વર્ષમાં જ આનો લાભ મળ્યો હતો. 

2024 સુધીમાં દરેક ઘર સુધી પહોંચશે પીવાનું શુદ્ધ પાણી!
એક રિપોર્ટ મુજબ, 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ – ગોવા, તેલંગાણા, આંદામાન અને નિકોબાર ટાપુઓ, દાદરા અને નગર હવેલી, દમણ, દીવ, પુડુચેરી અને હરિયાણામાં 100 ટકા ગ્રામીણ પરિવારોને નળ દ્વારા સ્વચ્છ પાણીનું જોડાણ આપવામાં આવ્યું છે. આ સિવાય કેટલાક રાજ્યો એવા છે જ્યાં 90 ટકા ગ્રામીણ ઘરોમાં નળ દ્વારા પાણી પહોંચાડવાનું કામ કરવામાં આવ્યું છે. આ રાજ્યોમાં પંજાબ, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને બિહારનો સમાવેશ થાય છે. 2024 સુધીમાં દેશના તમામ ઘરોમાં નળ કનેક્શન દ્વારા પીવાનું પૂરતું પાણી પહોંચાડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

દરેક પાસે પોતાનું ઘર હોવું જોઈએઃ 2024 સુધી લંબાઈ છે પીએમ આવાસ યોજના (ગ્રામીણ)
દરેક લોકોનું સપનુ હોય છે કે તેને એક પોતાનું ઘરનું ઘર હોય ત્યારે સરકાર પીએમ આવાસ યોજના અંતર્ગત ઘરનું ઘર આપી રહી છે. PMAY અથવા PM આવાસ યોજના (Pm Awas Yojana) ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. જેમાં સરકાર તરફથી મકાન બનાવવા માટે આર્થિક સહાય આપવાની જોગવાઈ છે. તે 25 જૂન 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજનાને અમલમાં મૂકવા માટે રાજ્ય સરકારો દ્વારા કેટલીક એજન્સીઓની રચના કરવામાં આવી છે. આ એજન્સીઓ કેન્દ્રમાંથી મળેલી રકમ લાભાર્થી સુધી પહોંચાડે છે. જે હેઠળ નબળા વર્ગો અને ઓછી કમાણી ધરાવતા લોકોને લાભો આપવામાં આવે છે. પીએમ આવાસ યોજનામાં બે પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. પીએમ આવાસ યોજના (શહેરી) અને પીએમ આવાસ યોજના (ગ્રામીણ) આ બંને યોજનાનો અત્યાર સુધીમાં લાખો લોકો લાભ લઈ ચૂક્યા છે. 

2.95 કરોડ પાકા મકાન બનાવવાનું લક્ષ્ય
સરકારે પીએમ આવાસ યોજના- ગ્રામીણ અંતર્ગત 2.95 કરોડ પાકા મકાનો ફાળવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. અત્યાર સુધીમાં લગભગ 2 કરોડ કરતા વધારે પાકાં મકાનો બનાવવામાં આવ્યા છે. પરંતુ હજુ પણ આવા ઘણા પરિવારો બાકી છે જેને ધ્યાનમાં રાખીને 2024 સુધી પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. જેના પગલે લાખો ગ્રામજનોને ઘણો ફાયદો થશે. 

આ વખતે બજેટમાં કર્યો છે 66 ટકાનો વધારો 
આપને જણાવી દઈએ કે, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વખતે પોતાના બજેટ ભાષણ દરમિયાન દેશના લોકોને પરવડે તેવા મકાનો આપવા માટે મોટી જાહેરાત કરી હતી. જે મુજબ અગાઉની સરખામણીમાં 66 ટકાનો વધારો કરી 79,000 કરોડ રૂપિયાથી વધુ ફાળવવાની જાહેરાત કરી હતી. 2022-23માં પીએમ આવાસ યોજના માટે 48,000 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ