હોટલ એસોસિએશનના પ્રમુખે દર્શાવ્યા ત્રણ જવાબદાર કારણ
10 હજારના બુકિંગ માટે ગ્રાહકે ચૂકવવા પડે છે 12થી 13 હજાર
ગુજરાતમાં એક તરફ લગ્નગાળાની સિઝન તો બીજી તરફ G-20 સમિટની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે તેની સીધી અસર અમદાવાદની હોટલો પર દેખાઇ રહી છે. ગુજરાતનું એપી સેન્ટર કહેવાતા અમદાવાદની હોટલોમાં હાલ બુકિંગ મળવું ઘણું મુશ્કેલ બની ગયું છે. ત્યારે ખુદ VTV ગુજરાતીએ ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરાં એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણી સાથે વાતચીત કરી હતી. દરમ્યાન નરેન્દ્ર સોમાણીએ હોટલો હાઉસફુલ હોવા પાછળના ત્રણ કારણો દર્શાવ્યા હતા. જેમાં એક લગ્ન ગાળાની સિઝન, બીજું કોન્ફરન્સ અને ત્રીજું G-20 સમિટની તૈયારીઓ દર્શાવ્યા હતા.
આવી ને આવી સ્થિતિ ફેબ્રુઆરી મધ્ય સુધી રહેશે: નરેન્દ્ર સોમાણી
નરેન્દ્ર સોમાણીએ VTV સાથે ફોન પર વાતચીત કરતા જણાવ્યું કે, હાલ અમદાવાદમાં જો હોટલની વાત કરીએ તો તમામ હોટલના થઇને આશરે દસ હજાર રૂમ હશે. જે મોટા ભાગે આજે પેક છે અને તેના ભાવ પણ વધી ગયા છે. 10 હજારનું બુકિંગ હોય તો તેની માટે રૂપિયા 12થી 13 હજાર ગ્રાહકે ચૂકવવા પડે છે. એટલે કે ટૂંકમાં 15થી 20 ટકા ભાવ ઊંચકાઈ ગયા છે. એટલે કે પૈસા દેવા છતાંય કસ્ટમર્સને સારી-સારી હોટલોના રૂમ નથી મળી રહ્યાં. હોટેલ એન્ડ રેસ્ટોરાં એસોસિએશનના પ્રમુખના જણાવ્યાં મુજબ, હજુ આવી ને આવી સ્થિતિ ફેબ્રુઆરી મધ્ય સુધી રહેશે. જોકે બાદમાં લગ્ન ગાળો હળવો પડશે એટલે ભાવ સ્ટેબલ થઈ જશે.
ગુજરાતમાં G-20ની 15 જેટલી બેઠકો યોજાશે
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારતને એક વર્ષ માટે G-20ની અધ્યક્ષતા મળી છે. CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત વિવિધ સ્થળોએ કુલ 15 G-20 મીટિંગોની યજમાની કરવા માટે તૈયાર છે. જેમાંની પ્રથમ ઇવેન્ટ ‘બિઝનેસ20 (B20) ઇન્સેપ્શન મીટિંગ’ 23 જાન્યુઆરીના રોજ સવારે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાઇ હતી. જ્યારે બીજી 24 જાન્યુઆરીના રોજ યોજાઇ હતી. આ મીટિંગમાં દેશ-વિદેશમાંથી ખૂબ મોટી સંખ્યામાં ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યાં હતા. જ્યારે ગુજરાતના 600થી વધુ ડેલિગેટ્સ બેઠકમાં હાજર રહ્યાં હતા. ઇન્ડસ્ટ્રી સંબંધિત ક્ષેત્ર સાથે સંકળયેલા ડેલિગેટ્સ પણ બેઠકમાં જોડાયા. નોંધનીય છે કે, ભારતમાં 200થી વધુ G-20 મીટિંગો થવાની છે. G-20ની 15 જેટલી બેઠકો ગુજરાતમાં યોજાશે.