બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Two flags have been hoisted at Dwarkadhish temple today
Malay
Last Updated: 01:32 PM, 12 June 2023
ADVERTISEMENT
ભયંકર વાવાઝોડું બિપોરજોય 5 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ગુજરાત તરફ આવી રહ્યું છે. વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે વર્તાવા લાગી છે. વાવાઝોડાના પગલે ગુજરાત સરકાર તથા સ્થાનિક વહીવટી તંત્ર એલર્ટ છે. NDRF અને SDRFની ટીમો તૈનાત કરાઈ છે. બિપોરજોય વાવાઝોડાના મંડરાતા ખતરા વચ્ચે આજે ભગવાન દ્વારકાધીશજીના જગત મંદિરના 150 ફૂટ ઊંચા શિખર પર એકસાથે બે ધજા ચડાવવામાં આવી છે.
ADVERTISEMENT
મંદિરે એક સાથે બે ધજા ચડાવાઈ
વાવાઝાડાને પગલે દ્વારકામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા દ્વારકાધીશ મંદિરે બે ધજા એક સાથે ચડાવામાં આવી છે. સવારે ભારે પવનના કારણે ધજા ચડાવાઇ નહોતી. જેથી હાલ એક સાથે બે ધજા ફરકાવામાં આવી છે. બે ધજા સાથે ચડાવવાથી દ્વારકા પરથી સંકટ ટળી જશે એવી લોક માન્યતા છે. જેથી આજે મંદિરે એકસાથે બે ધજા ચડાવવામાં આવી છે.
તૌકતે વાવાઝોડામાં વખતે પણ ચડાવાઈ હતી બે ધજા
આપને જણાવી દઈએ કે, તૌકતે વાવાઝોડા વખતે પણ દ્વારકાધીશ મંદિરે બે ધજા એક સાથે ચડાવવામાં આવી હતી. બે ધજા સાથે ચડવાથી દ્વારકા પરનું સંકટ ટળી જતું હોવાની લોક માન્યતા છે. તો ગઈકાલે ભારે પવનના કારણે દ્વારકાધીશ મંદિર પર 52 ગજની ધજા અડધી પાટલીએ ચડાવાઈ હતી.
અબોટી બ્રાહ્મણો દ્વારા ચડાવવામાં આવે છે દિવસની 5 ધજા
દ્વારકા જગતમંદિર મંદિરના શિખર પર વર્ષોથી અબોટી બ્રાહ્મણો દ્વારા દરરોજ પાંચ ધજા ચડાવવામાં આવે છે. ઠંડી હોય, ગરમી હોય કે ભારે વરસાદ હોય અબોટી બ્રાહ્મણો આ કાર્યને સેવા ગણીને દિવસની પાંચ ધજા ચઢાવવાનું ક્યારેય ચૂકતા નથી. તેમનો આ ક્રમ ક્યારેય તૂટ્યો નથી. તેઓ ગમે તેવી આફતમાં પણ ધજા ચઢાવવાનું ચૂકતા નથી. તેઓ જાતે ચઢીને મંદિર પર ધજા ફરકાવે છે. આ અબોટી બ્રાહ્મણોની વર્ષોની પરંપરા છે.
યાદવો પોતાના મહેલમાં લગાવતા હતા અલગ-અલગ ધજા
દ્વારકાધીશ મંદિર પર 52 ગજની જ ધજા ફરકાવવામાં આવે છે. જેની પાછળ અનેક માન્યતાઓ છે જેમાં દ્વારકાનગરી પર 56 પ્રકારના યાદવોનું શાસન હતું. એ સમયે તમામના પોતાના મહેલ હતા અને દરેક પર પોતાના અલગ-અલગ ધ્વજ લગાવતા હતા. જ્યારે અન્ય 52 પ્રકારના યાદવોનાં પ્રતીક સ્વરૂપમાં ભગવાન દ્વારકાધીશના મંદિર પર 52 ગજની ધજા ફરકાવવામાં આવે છે. ઉપરાંત 12 રાશિ, 27 નક્ષત્ર, 10 દિશા, સૂર્ય, ચંદ્ર અને શ્રી દ્વારકાધીશ સહિત 52 થાય છે. એટલે 52 ગજની ધજા ચડાવાય છે. આમ અનેક માન્યતાઓ પ્રચલિત છે.
આ સમયે ચડાવવામાં આવે છે ધજા
દ્વારકાધીશની મંગલા આરતી સવારે 7.30 વાગે, શ્રૃંગાર સવારે 10.30 વાગે, ત્યાર બાદ સવારે 11.30 વાગે, તથા સાંજની આરતી 7.45 વાગે અને શયન આરતી 8.30 વાગે થાય છે. આ સમય દરમિયાન ધજા ચડાવવામાં આવે છે. મંદિરની પૂજા આરતી ગૂગળી બ્રાહ્મણ કરાવે છે. ત્યારબાદ દ્વારકાના અબોટી બ્રાહ્મણ દ્વારા ધજા ચડાવવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે નવી ધજા ચડાવ્યા બાદ જૂની ધ્વજા પર અબોટી બ્રાહ્મણોનો જ હકદાર હોય છે અને તે કપડાંથી ભગવાનના વસ્ત્રો તૈયાર કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.