બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Torrential rain in North Gujarat from this morning, know where and how much rain

અષાઢી મેઘ / 25થી વધુ ગામો સંપર્ક વિહોણા, તળાવ ઓવરફ્લો, રસ્તાઓ જળબંબાકાર... આજ સવારથી જ 107 તાલુકાઓમાં મેઘરાજાની તોફાની ઈનિંગ

Malay

Last Updated: 02:22 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain In Gujarat: આજ સવારથી ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. તોફાની વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.

  • આજ સવારથી અત્યાર સુધીમાં 107 તાલુકામાં મેઘ મહેર 
  • તલોદ અને લુણાવાડામાં નોંધાયો સવા 4 ઈંચ વરસાદ
  • મોડાસામાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબકતા ચારે બાજુ પાણી-પાણી 
  • ભારે વરસાદથી અનેક ગામો બન્યા સંપર્ક વિહોણા

ગુજરાતમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. ગઈકાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ધબધબાટી બોલાવ્યા બાદ આજે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં ગુજરાતના 107 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. રોડ રસ્તા પર વરસાદી પાણી ફળી વળ્યા છે. વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, તો કેટલાક ડેમો પણ ઓવરફ્લો થયા છે. ભારે વરસાદના કારણે કેટલાક ગામો પણ સંપર્ક વિહોણા બન્યા છે.

આજે તલોદ અને લુણાવાડામાં ભારે વરસાદ પડ્યો
ગુજરાતમાં હાલ વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. આજ સવારથી અત્યાર સુધીમાં 107 તાલુકામાં મેઘ મહેર જોવા મળી છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં સૌથી વધારે વરસાદ તલોદમાં ખાબક્યો છે. તલોદમાં સવા 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે લુણાવાડામાં સવા 4 ઈંચ, ખેરાલુમાં 4 ઈંચ, ધનસુરામાં પોણા 4 ઈંચ, મોડાસામાં  4 ઈંચ, વિરપુરમાં પોણા 4 ઈંચ, વિજાપુરમાં પોણા 4 ઈંચ, પ્રાંતિજમાં 3.5 ઈંચ, વિસનગરમાં 3.5 ઈંચ, બાયડમાં સવા 3 ઈંચ, દાંતામાં પોણા 3 ઈંચ, વિસાવદરમાં પોણા 3 ઈંચ, ઉંજામાં સવા 2 ઈંચ, શેહરામાં સવા 2 ઈંચ, હિંમતનગરમાં સવા 2 ઈંચ અને સંજેલીમાં સવા 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. 

મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી વરસાદ
આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી વરસાદ ચાલું છે. વરસાદને લઈ જિલ્લાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. મહેસાણા બસ સ્ટેશનમાં પણ  પાણી ભરાઈ ગયા છે. મહેસાણાના ઊંઝામાં ભારે વરસાદથી પ્રવેશદ્વાર અંડર પાસ પાણીમાં ગરકાવ થયો છે. અંડર પાસમાં પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફ્રિક ડાયવર્ટ કરાયો છે. તો બહુચરાજીમાં વરસાદના કારણે રેલવે અંડરપાસમાં પાણી ભરાયું છે. રેલવે અંડરપાસમાં પાણી ભરાતા હાઇવેનો રસ્તો બંધ થયો છે. હારીજ-બહુચરાજી હાઇવે બંધ થતાં લોકો અટવાયા છે. ભારે વરસાદના કારણે બહુચરાજી વિસ્તારના 20થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે.

મહીસાગરના વિરપુરના અનેક ગામો સંપર્ક વિહોણા
મહીસાગર જિલ્લામા વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહીસાગરના વીરપુર, લુણાવાડા, ખાનપુર તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે કોઠંબા વિસ્તારમાં રોડ પર પાણી ફરી વળ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મહીસાગર જિલ્લાના વિરપુરની લાવેરી નદીમાં પાણીની આવક થઈ છે. વિરપુરની લાવેરી નદી બે કાંઠે થતા વિરપુરના અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. વિરપુરના નવા મુવાડા, રતન કૂવા સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આસપુર ગામનું તળાવ ઓવરફ્લો થતાં સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે. આસપુર ગામમાં વરસાદને પગલે નદીનાળા છલકાયા છે. 

અરવલ્લીમાં ભારે વરસાદથી પાણી ભરાયા 
અરવલ્લીના મોડાસામાં પણ મેઘરાજાએ બઘડાટી બોલાવી છે. મોડાસામાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબકતા આખું શહેર પાણી-પાણી થઈ ગયું છે. વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. મોડાસા માર્કેટ યાર્ડની દુકાનોમાં પાણી ઘૂસ્યા છે. મોડાસા ઉપરાંત ધનસુરામાં પણ 1 કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ ખાબકતા બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા છે. ધનસુરાના મુખ્ય બજારમાં પાણી ભરાતા લોકો પરેશાન બન્યા છે. બજારોમાં વરસાદી પાણીની નદીઓ વહેતી થઇ  છે.  આ ઉપરાંત બાયડમાં પણ ધોધમાર વરસાદ પડતા માહોર નદીનાં પાણી દેરોલ ગામમાં ઘૂસ્યાં છે. દૂધમંડળીમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે. કમ્પ્યુટર અને વજનકાંટો પાણીમાં ડૂબી ગયા છે. 

હિંમતનગર વિજાપુર રોડ પર પાણીના પગલે ટ્રાફિક 
સાબરકાંઠા જિલ્લાના તલોદ, પ્રાંતિજ અને હિંમતનગરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લઈ તલોદનું મોરલ ડુંગરી તળાવ ઓવરફ્લો થયું છે. પ્રથમ વરસાદમાં જ તળાવ ઓવરફ્લો થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો છે. હિંમતનગરમાં ધોધમાર વરસાદથી તમામ રસ્તાઓ પર પાણી ફળી વળ્યા છે. હિંમતનગર-વિજાપુર રોડ પર પાણી ભરાતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. હાથમતી નદી ઉપરના પુલ પર પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ પર ફરી પાણી ફરી વળતા વાહનચાલકોને ભારે પરેશાની થઈ રહી છે. સાબરકાંઠાનાં પ્રાંતિજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદથી વૃક્ષ ધરાશાયી થયા છે.

ભુજનું હમીરસર તળાવ ઓવરફ્લો 
કચ્છના ભુજમાં આવેલું હમીરસર તળાવ ઓવરફ્લો થયું છે. તળાવ ઓવરફ્લો થતાં ભુજમાં સરકારી રજા જાહેર કરાઇ છે. હમીરસર તળાવ ઓવરફ્લો થતા કચ્છ કલેકટરે ભુજમાં 1 દિવસની રજા જાહેર કરી છે. 

ભાવનગરના ભાણગઢ ગામના રસ્તા પાણીમાં ગરકાવ
ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદને લઈ ભાણગઢ ગામના રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. લોકો જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે. થોડા સમય પહેલા ભાણગઢ ગામને જોડતા પુલનું ધોવાણ થયું હતું. પુલનું ધોવાણ થતાં ભાણગઢ ગામમાં અવર-જવર કરવાનો રસ્તો બંધ થયો છે. રસ્તો બંધ થતા લોકો જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે. 

બનાસકાંઠા મલાણા પાટીયા નજીક ભરાયાં પાણી 
બનાસકાંઠાનાં પાલનપુરનાં મલાણા પાટીયા નજીક પાણી ભરાયા છે. જાહેરમાર્ગ પર ઢીંચણ સમા પાણી ભરાયા છે. 10થી વધુ ગામોને જોડતાં રસ્તા પર પાણી ફરી વળ્યાં  છે. 2 ઇંચ જેટલા વરસાદથી જ રસ્તાઓ પર પાણી ભરાયાં છે. ડીસાના અનેક વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા છે. ડીસાના જાવલ ગામને વિરુણા ગામથી જોડતા રસ્તામાં પાણી ભરાયા હતા. પાણી ભરાતા રસ્તો અવર-જવર માટે બંધ કરાયો છે.     


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ