હવે તમારે રેલવેમાં મુસાફરી માટે ટિકિટ લેવાની લાંબી કતારોમાં ઉભા નહીં રહેવું પડે. ભારતીય રેલવે ટૂંકમાં જ જનરલ ટિકિટ પણ મોબાઈલ પર આપવાની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે. શરૂઆતમાં આ યોજના પશ્ચિમ રેલવેમાં ATVA ધરાવતા સ્ટેશન પર ઉપલબ્ધ હશે. આ માટે પશ્ચિમ રેલવે દ્વારા કયા ઝોનના કયા રેલવે સ્ટેશન પર સૌથી વધારે જનરલ ટિકિટનું વેચાણ થાય છે તે માટેનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
આ પહેલા પ્રવાસીઓને મોબાઈલ પર IRCTC દ્વારા પ્રવાસ માટે રિઝર્વેશન કરાવવાની સુવિધા મળતી હતી. હવે રેલવે જનરલ પ્રવાસ માટે ટિકિટ અને પ્લેટફોર્મ ટિકિટ પણ આ સેવામાં જોડવાની છે. તેના માટે પેસેન્જર મેલ એક્સપ્રેસ ટ્રેનની અનરિઝર્વ ટિકિટ મોબાઈલ દ્વારા બુક કરવા માટે રેલવે કોમ્યુનિકેશન સિસ્ટમ એટલે કે ક્રિસ સાથે મળીને તેને શરૂ કરવા જઈ રહી છે. તેના માટે પશ્ચિમ રેલવે સહિત તમામ જોનના રેલવેને આદેશ આપવામાં આવ્યા છે.
આવી રીતે બુક કરો તમારી ટિકિટ
- ટિકિટ માટે પ્રવાસીઓએ સૌથી પહેલા પોતાના મોબાઈલ નંબરને એપ્લીકેશનમાં રજિસ્ટર્ડ કરવાનો રહેશે.
- તેમાં નંબર ઉપરાંત શહેરનું નામ પ્રવાસની તારીખ યૂઝરનું નામ પાસવર્ડ વગેરે લખવાનું રહેશે.
- ત્યાર બાદ તમને વિકલ્પ મળશે કે તમારે જનરલ ટિકિટ જોઈએ છે કે પ્લેટફોર્મ ટિકિટ. જનરલ ટિકિટ ખરીદવા માટે પ્રવાસીએ વોલેટ બનાવવું પડશે.
- આ વોલેટમાં પ્રવાસી 100 રૂપિયાથી 5 હજાર રૂપિયા સુધીની ટિકિટ ખરીદી શકશે.
- તેને વેબ પોર્ટના માધ્યમથી પણ રિચાર્જ કરી શકાશે.
- વિકલ્પની પસંદ બાદ પ્રવાસીને પ્રવાસ સ્થળની જવાની અને પરત ફરવાની ટિકિટ વિશે પૂછવામાં આવશે.
- એક વખતમાં પ્રવાસી વધુમાં વધુ ચાર ટ્રેનની જનરલ ટિકિટ લઈ શકશે.
- ત્યાર બાદ પ્રવાસીના મોબાઈલમાં રકમ કપાઈ ગયાનો મેસેજ મળશે જેમાં ટિકિટની જાણકારી આપવામાં આવશે.
ઉપરાંત પ્રવાસી ઈચ્છે તો ATVAમાં ગુપ્ત કોડ મેસેજ લખીને પણ ટિકિટની પ્રિન્ટ આઉટ લઈ શકશે. IRCTCના પ્રવક્તા પ્રદીપ કુંડા અનુસાર પ્રવાસીઓને ઓનલાઈન જનરલ ટિકિટ બુકિંગ સુવિધા ટૂંકમાં જ મળશે. તેના માટે અમે પશ્ચિમ રેલવે સહિત તમામ ઝોનની સાથે મળીને તૈયારી કરી રહ્યા છીએ.