બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy rains in Gujarat: Narmada Dam, Ukai Dam overflowed with water

ભાદરવો ભરપૂર / 31 ફૂટે વહી રહી છે નર્મદા નદી: તાપી નદીમાં ભરપૂર આવક, કરજણમાં પાણીમાં ફસાયેલા લોકોનું એરફોર્સે કર્યું રેકસ્યું, અનેક જગ્યાઓ પર હાઇઍલર્ટ

Malay

Last Updated: 11:30 AM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નર્મદા ડેમ સિઝનમાં પહેલીવાર ભરાતા ડેમના 23 દરવાજા ખોલી નર્મદા નદીમાં છોડાયું પાણી, નદી કાંઠાના ગામોને અલર્ટ કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યા સૂચનો.

  • નર્મદા, ઉકાઈ, કડાણા ડેમમાં પાણીની ભરપૂર આવક 
  • નર્મદા ડેમમાં 19,26,106 ક્યુસેક પાણીની આવક 
  • ઉકાઈ ડેમમાં 4.91 લાખ ક્યુસેક પાણીની આવક 

મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તો ગુજરાતમાં પણ વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે રાજ્યના ડેમોમાં ધરખમ પાણીની આવક થઈ રહી છે. ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમ આ સિઝનમાં પ્રથમવાર છલોછલ ભરાઈ ગયો છે. નર્મદા ડેમની સપાટી 136.88 મીટરે પહોંચી છે. નર્મદા ડેમમાં 19,26,106 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેમાંથી 18,41,283 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમના 23 દરવાજાને 9.70 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. જેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ પાણી ફરી વળ્યા છે. 

ફસાયેલા લોકોને બચાવવા એરફોર્સની મદદ લેવાઈ
નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા વ્યાસ બેટમાં 11 જેટલા લોકો ફસાયા છે. જેથી વ્યાસ બેટમાં ફસાયેલા લોકોને બચાવવા માટે કલેક્ટરે એરફોર્સ પાસે મદદ માંગી છે. રાહત કમિશનર મારફત વ્યાસ બેટની ભૌગોલિક વિગતો વાયુ સેનાને મોકલી દેવામાં આવી છે.  એસપી રોહન આનંદ દ્વારા પણ સબંધિત તાલુકાની પોલીસને મદદ માટે તૈયાર રહેવા જણાવાયું છે. તો કરજણ તાલુકામાં પાણીમાં ફસાયેલા 17 વ્યક્તિઓને એરફોર્સ દ્વારા બચાવી લેવાયા છે. 

માંગરોળ ગામ બન્યું સંપર્ક વિહોણું
નર્મદા નદીનું પાણી નાંદોદ તાલુકાના માંગરોળ ગામમાં ઘૂસ્યા છે. જેથી માંગરોળ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. નર્મદા નદી કિનારાના શિવ મંદિર પાણીમાં ડૂબ્યું છે. ઘરમાં રહેલા લોકો ઘરમાં કેદ થયા છે. આખા ગામમાં પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. 

એક NDRF અને બે SDRF ટીમ તૈનાત
નર્મદા નદીના કિનારે નીચાણમાં આવેલા ડભોઇ, શિનોર અને કરજણ તાલુકાના ગામોના લોકોને સલામત સ્થળે જવા માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ડભોઇ, શિનોર અને કરજણ તાલુકા માટે એક NDRF અને બે SDRF ટીમ તૈયાર રાખવામાં આવી છે. 

ઉકાઈ  ડેમની જળસપાટી રૂલ લેવલ પાર 
ભારે વરસાદને પગલે તાપીના ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે.  ઉકાઈ ડેમમાં 4.91 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. જેથી ડેમની જળસપાટી રૂલ લેવલને પાર કરી ચૂકી છે. ઉકાઈ ડેમની જળસપાટી 340 ફૂટ પહોંચી  છે. ડેમના 5 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 55 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવશે.

કડાણા ડેમમાંથી પાણી છોડાયું
મહીસાગર જિલ્લામાં આવેલો કડાણા ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે અને તેનું પાણી છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા જિલ્લાના કુલ 107 ગામોને એલર્ટ કરાયા છે. જેમાં લુણાવાડા તાલુકાના 64 ગામો, ખાનપુર તાલુકાના 16 ગામો અને કડાણા તાલુકાના 27 ગામો એલર્ટ પર છે.

હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી
અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ પણ ગુજરાતમાં 4 દિવસ વરસાદની આગાહી કરી છે. જે મુજબ 17 સપ્ટેમ્બર છોટાઉદેપુર, ભરૂચ, સુરત, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે 18 સપ્ટેમ્બરે સુરત, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છમાં વરસાદની આગાહી છે. 19 સપ્ટેમ્બરે કચ્છ અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ