PCB દ્વારા ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામેની મેચનું સ્થળ બદલવાની છે માંગ
ક્રિકેટના મહાકુંભ ગણાતા વનડે વર્લ્ડ કપની શરૂઆતને હવે ગણતરીના મહિના બાકી છે. જેને લઈને ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા ટૂંક સમયમાં આ કપનું સમગ્ર શેડ્યુલ બહાર પડશે. જોકે આ આગાઉ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો લાગ્યો છે. PCB દ્વારા ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામેની મેચનું સ્થળ બદલવાની માંગ સાથે ICC અને BCCI રજુઆત કરવામા આવી હતી.
PCBની ઇચ્છા છે કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચેન્નઇમાં અને અફઘાનિસ્તાન વિરુદ્ધની મેચ બેંગલુરુમાં રમવી છે. પરંતુ જાણીતી સ્પોર્ટ્સ વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે ICC અને BCCIએ પાકિસ્તાની ક્રિકેટ બોર્ડની આ માગ ફગાવી દીધી છે. આઇસીસી અને બીસીસીઆઇએ મંગળવારે 20 જુને એક બેઠક બોલાવી હતી, આ બેઠકમાં વેન્યુ ન બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેની જાણ પાકિસ્તાની ક્રિકેટ બોર્ડને કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કેજ વર્લ્ડ કપની મેચનું સ્થળ ત્યારે જ બદલવામાં આવે છે જ્યારે ખેલાડીઓની સુરક્ષાને લઇને કોઇ સમસ્યા હોય. પરંતુ ભારતમાં કોઇ ચિંતા નથી.
ભારતમાં ક્રિકેટ વર્લ્ડની જાહેરાત બાદથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. તે અવાર નવાર વાંધા કાઢીને આઇસીસીમાં અરજીઓ કરતું રહ્યું છે. આ પહેલા પણ પાકિસ્તાની ટીમ ઇન્ડિયા વિરુદ્ધ પોતાનો મેચ અમદાવાદમાં સુરક્ષાના કારણો ધરીને ત્યાં રમવામાં વાંધો ઉપાડ્યો હતો, જો કે આઇસીસી અને બીસીસીઆઇએ આ અરજી પર વધુ ધ્યાન આપ્યું ન હતું.
ODI WORLD CUPની શરૂઆત થશે
આ વખતે વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો વચ્ચે 48 મેચ રમાશે, જેમાં ભારત, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા ક્વોલિફાઇ થઇ ચુક્યુ છે. ક્વાલીફાઇ રાઉન્ડ બાદ વધુ બે ટીમનો ઉમેરો થશે. 2019ના વર્લ્ડ કપની જેમ આ વખતે પણ તમામ મેચ રાઉન્ડ-રોબીન ફોર્મેટમાં જ રમાશે. જેમાં દરેક ટીમ એક બીજા વિરુદ્ધ એક-એક વખત મેચ રમશે.અમદાવાદમાં ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચથી ODI WORLD CUPની શરૂઆત થશે. 5 ઓક્ટોબરથી શરૂ થનાર આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમશે. બીજી બાજુ પાકિસ્તાનની પોતાનો પહેલો મેચ ક્વોલિફાઇ ટીમ સામે 6 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમશે.