ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / VTV વિશેષ / 'આપણો પચીસ વર્ષનો સંસાર આજ પૂરો થાય છે...' ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 25

વેવિશાળ / 'આપણો પચીસ વર્ષનો સંસાર આજ પૂરો થાય છે...' ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 25

Last Updated: 10:00 AM, 17 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાછડી પોતાનું આંગળું માના આંચળના જેવું ગણી ચૂસી રહી છે તેની દીપચંદ શેઠને સરત જ પછી તો નહોતી રહી. પંથભૂલ્યા વટેમાર્ગુ જેવો એ વિચારોમાં અટવાયો હતો, ત્યાં તો ભાભુનો સાદ પડ્યો..

ADVERTISEMENT

હૈયાને હાકલી રાખીને બેઠેલા એ વણિકની આંખો તે દિવસે કોઇની નહીં ને વાછડીની પાસે ઊના પાણીના ખાળિયા વહાવી રહી. એને સૂઝ ન પડી, કે આ બધું શું થઇ રહ્યું છે ! આ પારકી બનેલી દીકરા-વહુને લઇને કયું વેર વાળવા મુંબઇના ધનવાનની વહુ આવી છે ! મારા ચકલ્યાંના પીંખાયેલ માળાનો લાજમલાજો આ કોના હાથે લૂંટાઇ રહેલ છે ? એવો મારો કયો અપરાધ થયો છે, એવાં તે મેં કયા ગરીબની લાજનાં લૂગડાં ખેંચ્યા હશે કે આજ મારી આ આંતરિક અવદશા પૈસાદારની વહુ ને દીકરી જોવા આવેલ છે ! આજ તો ક્યારની આ મારી જ દીકરા-વહુ હોત. આજ એ આવી રીતે બેઠી બેઠી ચૂલો કરતી હોત, મને ઊનો રોટલો પીરસીને રાજી થતી હોત, એને બદલે આજ એ બીઠી છે ચૂલે બીજા જ કોઇ રંગઢંગમાં ! આ ચૂલા પરનું દ્રશ્ય સાચું છે ! કેવું ભયંકર તરકટ છે ! ગાલ પર વિધાતાનો કેવો આકરો તમાચો છે ! આ દિવસ દેખાડવા જ શું મારી સ્ત્રીને જીવતી રાખી ભગવાને ? આવી ખબર હોત તો હું ઉતાવળ કરીને એનો ભરમ શીદ ભાંગી નાખત ? ફારગતીની વાત ન ફૂંકી દીધી હોત તો અત્યારે આ સ્ત્રીના અંતકાળનો બેડો પાર થઇ જાત. પણ હવે તો એનું મોત બગડી ચૂક્યું.

વાછડી પોતાનું આંગળું માના આંચળના જેવું ગણી ચૂસી રહી છે તેની દીપચંદ શેઠને સરત જ પછી તો નહોતી રહી. પંથભૂલ્યા વટેમાર્ગુ જેવો એ વિચારોમાં અટવાયો હતો, ત્યાં તો ભાભુનો સાદ પડ્યો :

"કાં કાકા, ચાલો લ્યો, રોટલો ખાવા બેસો, થાળી કરી છે તમારી."

વણિક સામે જોઇ રહ્યો. હસતી ઘેલીબાઇનું હાસ્ય એને હૈયે ખૂંચ્યું, તોપણ વાણિયો ખંજર સંઘરીને સામે હસ્યો; જવાબ દીધો : "હાલો, બે'ન ! આવીને ઊભાં રિયાં ત્યાં તમનેય ઠીક લાણ મળી."

"તમારી દીકરીના કોડ પૂરા થયા ને, કાકા !"

"ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય. એના હાથનો રોટલો પામું, એ કાંઇ નાની વાત છે ?"

એવું બોલતા બોલતા દીપા શેઠ પગ નીચે ઢીંચણિયું દબાવીને ખુલ્લે શરીરે, લલાટે હાથ ફેરવતા, કરચલીઓના વિધિ-લેખ વાંચતા, અંદરના ખદખદાટને પીવા મથા, રસોડાની બહારની પરસાળમાં બેઠા. એને કાંસાની થાળીમાં બાજરાના નાના નાના બે રોટલા પીરસાયા. ઘેલીબે'ને (ભાભુએ) કહ્યું : "જોયું ને, કાકા, આજકાલનાં છોકરાંએ હવે તો આમ પાટલા ઉપર થાબડી થાબડીને બાજરાના રોટલાની શોભા જ મારી નાખી ! બે હથેળીઉં વચ્ચે લોટ ટિપાતો ટિપાતો કંઇક નકશીઓ કાઢતો, તે ટાણાં તો હવે ગયાં, હો કાકા !"

"બોલો મા, બાપા, આમાં શું વાંકઘોંક છે ? આયે કોઇ ભાત્યનો રોટલો છે !"

"તમે તો વખાણ જ કરો ને ? એમ કાંઇ તમારી દીકરી રોજ રોટલો ઘડી દેવા નહીં રોકાય."

"એક વારનું રોટલાનું બટકું તો કૂતરુંય નથી ભૂલતું, બે'ન ! તો હું જીવતો માનવી કેમ ભૂલું !"

પૂરું પીરસીને ભાભુ જરા છેટે બેઠાં બેઠાં દીપા શેઠનું ભાણું સાચવવા લાગ્યાં, અને સુશીલા બીજે બારણેથી ફરીને ફળીમાં નીકળી. એના હાથમાં એક થાળી ને તાંસળી હતાં. લાજ એણે નહોતી કાઢી, પણ સાડીની કિનાર ફક્ત વિનયસૂચક અંતરપટરૂપે ગાલ આડે ઝુલાવી હતી.

વધુ વાંચો : 'એના પેટની તો બીજી શી ખબર પડે ?', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 20

"જો બે'ન, સામેના ઓરડામાં." ભાભુએ બેઠાં બેઠાં એને ઓરડો ચીંધ્યો.

"કોને માટે ?...શું ?" દીપા શેઠે પૂછ્યું.

"એ તો લઇ જાય છે દીકરી માટે સાબુચોખાની કાંજી."

ડોસાને ફાળ પડી : અણસમજણાં છોકરાં ક્યાંઇક દાટ વળશે !

ધાણીફૂટ તાવમાં ભૂંજાતી સૂરજ તો એના બાપા સમાચાર આપી ગયા ત્યારથી જ તાવના ઘેનમાં ઢળતાં પોપચાંને જોરાવરીથી ઉઘાડી જોવા મથતી હતી. મનમાં 'સુશીલા' 'ભાભી' 'આવેલ છે' ના અસ્પષ્ટ ભણકારા ગાજતા હતા. એને કપાળે મીઠાના પાણીનાં પોતાં મૂકનાર છ વર્ષનો ગભરુ ભાઇ 'છુછીલા ભાભી'ના નામથી પરિચિત હતો. તેની ધીરજ રહી ન શકવાથી એ બે'નને પોતાં મૂકવાનું પાણી લાવવાને બહાને પણ સામે રસોડામાં જઇ આવ્યો હતો. ડોકિયું કરીને એ બાપની આજ્ઞાને આધીન રહેવા પાછો આવી ગયો હતો. પરંતુ તેની સાથે તેની નાની નાની બે આંખોમાં, તેના નાના હ્રદયમાં, તેના શ્રીફળના ગોટા સરીખા માથામાં એક મધુરા મોંનું ચિત્ર પણ આવ્યું હતું. 'છુછીલા ભાભી' આજ સુધી શબ્દરૂપિણી હતાં તે દેહધારિણી બની દેખાઇ ગયાં. છોકરાએ આવીને સૂરજને ઢંઢોળી : "બે'ન ઊઠ તો ઝટ ! હમણાં આંઇ છુછીલા ભાભી આવે છે. બે'ન, મને લછોલામાં છુગંધ આવી'તી. બે'ન, એણે માલી છામે જોયું ! એણે દાંત કાઢ્યા ! મને એકલાને... ! પોટી, તુંને નૈ...તું ને નૈ બોલાવે..."

ભાઇના એ લહેકાદાર શબ્દો સાંભળતી ચાર વર્ષની બહેનનું મોઢું પહોળું થયું ને એણે ધીરે રુદનસ્વર કાઢ્યો, એટલે છોકરાએ કહ્યું :

"લે તને બોલાવછે, બોલાવછે હો ! હું એને કૈછ, હો કે !"

પા કલાકમાં બે'નના લલાટે ઝપાટાભેર મીઠાના પાણીનાં પોતાં મૂકીને એ નાનકડા છોકરાએ સૂરજનું તાવ-ઘેન ઉતાર્યું. પોપચાં ઊપડતાંની વારે જ સૂરજે ચોપાસ જોયું. એણે ત્યાં બાજુમાં જ પડેલી પોતાની પેટી ઉપર પિતાના હાટમાં આવતા કાપડના તાકા ઉપરથી ઉખેડીને પોતે ચોડેલી સુંદર સ્ત્રીઓની ને દેવીઓની તસવીરો નિહાળી. એણે મહેનત કરીને પોતાનું ઓઢણું ઓઢી લીધું, ને એ પગ ઢાંકીને મહેમાનની રાહ જોતી બેઠી. એ તાવમાં ભૂંજાતી, છતાં મહેમાનની હાજરીમાં હસતાં જ રહેવાય તે માટે મોંને મલકાટભરી સ્થિતિમાં લાવવા મથતી હતી. એને કોયડો બન્યો હતો એક જ વાતનો : બાપા શા માટે 'ભાભી' કહીને ન બોલાવવાની શિખામણ આપી ગયા ? શું મુંબઇનાં માણસોમાં ભાઇની વણપરણેલી વહુને 'ભાભી' કહેવી એ અવિવેક ગણાતો હશે? ને મેં તો આજ સુધી સુશીલાભાભી, સુશીલાભાભી જ ગોખ્યા કરેલ છે એટલે મારી જીભને ટેરવે એ જ બોલ ચડી જશે તો ? ભાભી ઊઠીને ચાલ્યાં જશે તો ? ભાભીને આંહીં મારા તાવનો પરસેવો ગંધાશે તો ? ભાભીના શરીરને હું અડીશ કેમ કરીને ? હું એને શું કહીને બોલાવીશ તો રાજી થશે ?

આવા વિચારો કરતી એ મહાકષ્ટે તૈયાર થઇ બેઠી હતી, ત્યાં તો કાંજી લઇને સુશીલા આવી. એને દેખતાં જ સૂરજ ભાન ગુમાવી બેઠી. પગે લાગવા માટે તૈયાર રાખેલા હાથ ઊપડ્યા નહીં. 'આવો ! ક્યાંથી આવ્યાં ?' એવો કશો જ હરફ મોંમાંથી ફાટ્યો નહીં, માત્ર જોઇ જ રહી. હસતી હસતી જોઇ રહી - ને પછી હસતી આંખે પાણી ઊભરાયાં.

"તમારો કાગળ મને મળ્યો હતો," સુશીલાએ નીચે બેસીને કાંજી ઠારતાં ઠારતાં કહ્યું. "એવો સરસ કાગળ મને લખતાં ન આવડ્યો એટલે હું શરમથી ન લખી શકી."

સૂરજ સુશીલાને જે ઉત્કટતાથી જોતી હતી તે કરતાં તો કેટલીય વધુ ઉત્કટતા સૂરજના મોં પર ભમતાં સુશીલાનાં નેત્રોમાં ભરી હતી. બરાબર એ જ આંખો, ને એ જ સબૂરીભર્યું મોં : એક જ બીબામાં ઢાળેલા આ ઘાટ : એ ઘાટીલો આદમી અત્યારે મુંબઇના કયા ફૂટપાથ પર ભમતો હશો ? મારા મોટા બાપુએ જેલમાં તો નહીં નંખાવ્યો હોય ?

વધુ વાંચો : 'સુખો સવતંતર બન્યો ને, ઘેલીબે'ન, એટલે શરીર વળ્યું', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 21

"તમે ચોપડીઓ મોકલેલી..." સૂરજ માંડ માંડ એક વાક્ય બોલી શકી. બોલતાં પહેલાં તો એણે કોણ જાણે કેટલીય ગળણીઓમાં એ વાક્ય ગાળ્યું હતું.

"હું મોકલવાનું ભૂલી ગયેલી." સુશીલાએ સૂરજના વાક્યમાં કટાક્ષ માન્યો.

"ના, બાપાએ કહ્યું કે એ તો એ જ તમારું બંધાવેલું પોટકું ભૂલી આવ્યા."

સુશીલાએ સસરાની ખાનદાનીનો નવો પ્રસંગ નિહાળ્યો. એણે કહ્યું :

"બીજી મંગાવી દઇશ. હું તો હજુ રોકાવાની છું."

"આંહીં ?"

"આંહીંથી સાવ પાસે - થોરવાડમાં."

"મેં દીઠું છે."

"ક્યાંથી ?"

જવાબ દેતાં સૂરજને ભારી શરમ સતાવી રહી. પણ આખરે એણે કહી દીધું : "છાણાં વીણવા એક વાર નીકળેલ તે ત્યાં પહોંચી ગયેલાં."

"ક્યારે ?"

"બે'ક મહિના થયા હશે. પાછાં આવતાં રાત પડી ગયેલી."

"તમને મોકલે છે ?"

આ પ્રશ્ન પૂછતી પૂછતી સુશીલા સુરજની બારેક વર્ષની વયનો વિચાર કરતી હતી.

"શું કરે ?" સુરજે છાણાં વીણવાની આર્થિક ફરજ સૂચિત કરી.

"બીવો નહીં ?"

"એકલા જરા બીયેં. પણ ભેગું નાનું છોકરું હોય તો પછી કોઇની બીક નહીં. કોઇ નામ ન લઇ શકે."

"આંહીં બે'નપણીઓ મળે છે ?"

"ના રે, ના."

"ભેગું કોણ આવે ?"

"આ નાનો ભાઇ છે ને ? "

સુશીલાએ એ છોકરાને નિહાળ્યો. નિહાળતાં નિહાળતાં એના પર સહાનુભૂતિ જન્મી. મનમાં મનમાં એ ગોખતો હતો : 'છુછીલા ભા-ભી-' ગોખતો ગોખતો એ એકાએક શરમાઇ ગયો. સુશીલાએ પૂછ્યું : "તમે શું કરો છો, ભાઇ ?"

સહાનુભૂતિનાં નીર બળબળતાં ચૈત્ર માસે પૃથ્વીમાંથી ફૂટતી નવી સરવાણીઓ પેઠે, સુશીલાના અંતરમાં ફૂટતાં ગયાં. આટલાં નાનાં છોકરાં શું શું વેઠી રહેલ છે, તેનો વિચાર મનને ભીંજવતો હતો.

સુશીલાનો હાથ આપોઆપ એ હેતભરપૂર, હસતા, છતાં ઓશિયાળા નાના બાળકના માથા પર ગયો.

પશુને જરા ખજવાળ કરીએ એટલે એ પોતાની મેળે જ પાસે આવે છે. પશુની એ વિશ્વાસુ લાગણી બાળકોમાં પણ હોય છે. વિશ્વાસુ બાળક નાના વાછરુની જેમ સુશીલાની નજીક ખસ્યો, પણ સુશીલાના સ્વચ્છ સુગંધી શરીરને જોઇ વધુ નજીક જઇ ભરાવાની હિંમત ન કરી શક્યો. સુશીલાના પંજા નીચે પોતાનું માથું એણે નમેલું રાખ્યું.

"આ છાપોની વાત જ તમે કાગળમાં લખી'તી ને?" સુશીલાએ બાજુની પેટી પર ચોટાડેલી કોરા કાપડ પરથી ઉખાડેલી સુંદર છાપો જોતાં જોતાં સૂરજને પૂછ્યું.

સૂરજ શરમથી નીચું જોઇ ગઇ.

"હવે તમે નિરાશ થયાં ને ?"

"કેમ ?"

"હું ક્યાં આવડી બધી રૂપાળી છું !"

સૂરજે ફરી વાર નીચે જોઇને ફક્ત આટલું જ કહ્યું : "છો."

ઘૂંટણ પર માથું રાખ્યે રાખ્યે સૂરજે એ છાપો સામેથી સુશીલા સામે, ને સુશીલા સામેથી છાપો સામે આંખોને દોડાવ્યા કરી. એની પાંપણનો પ્રત્યેક પટપટાટ જો બોલી શકતો હોય તો ઉપરાછાપરી બોલત કે "એવાં જ રૂપાળાં છો, છો, છો..."

સૂરજ બેસી બેસીને બહુ થાકી ગઇ. એનું મોં તાવ ચડવાથી વધુ ને વધુ રાતું બન્યું. એની આંખો ધુમાડા કાઢતી હતી. એણે સુશીલાને પૂછ્યું : "હું સૂઉં ?"

"લ્યો તમને સુવાડું."

"તમારો હાથ બળશે."

"લો !"

એટલું કહી સુશીલાએ સૂરજને પથારીએ પડવામાં મદદ કરી. સૂરજે બની શક્યા તેટલા ઓછા સમયમાં સૂવાની ક્રિયા પતાવી, કેમ કે નાનેરા ભાઇની પેઠે એને પણ આ સ્વચ્છ સુગંધિત શરીરવાળી 'ભાભી'ને પોતાના તાવલા, પસીને ભીના, ગંધાતા શરીરની નજીક ન આવવું પડે એવી લાગણી હતી. આવી લાગણી સૂરજને માટે સ્વાભાવિક હતી, કેમ કે સાફ વસ્ત્રો પહેરતી વખતે પોતાને પણ એમ થતું હતું કે પોતે કશુંક બગાડી રહી છે.

પછી સુશીલાનું ધ્યાન બે વર્ષની નાની છોકરી જેને છ વર્ષના નાના ભાઇએ 'પોટી' કહી બોલાવેલી તેના તરફ ગયું. 'પોટી'ના નાકે શેડાની લીટ આવી રહેલી હતી. 'પોટી'ના મોં પર માખીઓનો મધપૂડો રચાતો હતો; છતાં પોટી રડ્યા વગરની ચુપચાપ બેઠી બેઠી, પોતાના મોંને રૂંવે રૂંવે ઠોલતી એ માખીઓનો ખેલ જોઇ રહી હતી.

જોયા પછી એકાદ મિનિટ તો સુશીલાને ચીતરી ચડી. એણે નાના છોકરાને પૂછ્યું :

"બે'નને કોઇ લૂછતું નથી ?"

"બાપા લુએ થે !"

"કોઇ નવરાવે છે ?"

"ઇ ટો લોજ નવલાવે થે. આજ નઠી નવલાવી. ઇ ટો બાને નવલાવટા'ટા બાપા."

એમ બોલતો છોકરો કપડાનો ટુકડો લાવ્યો. નાની બે'નને લૂછવા ચાલ્યો; ત્યારે પાછી સુશીલાને પોતાના માટે શરમ આવી. એને મુંબઇની ઇસ્પિતાલ યાદ આવી. સુખલાલના ગંદા શરીરનું સ્પન્જિંગ કરતી - એરે, પેલા પડોશી દરદી કચ્છી ડોસાના કમકમાં આવે તેવાં અવયવો લૂછતી નર્સ લીના યાદ આવી. નાટકના તખ્તા પર બીમાર-સેવાના પાઠ ભજવતી કૉલેજની કન્યાઓ સાંભરી આવી.

વધુ વાંચો : 'કાગળો ફાડજો, પણ કોક બીજીનું કાળજું ફાડશો મા!' ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 22

એણે એકદમ ઊઠીને 'પોટી'નું મોં લૂછ્યું. 'પોટી' પોતાને સારું થયું કે ખરાબ તેનો કશો ફેરફાર દેખાડ્યા વગરનું મોં લઇને એમની એમ બેસી રહી. કદાચ માખીઓના ખેલમાં ભંગ પડવાને કારણે જ એ હસતી બંધ પડી.

"બા પાસે નથી જતી, બે'ન ?" સુશીલાએ પૂછ્યું.

"બાએ નાં પાલી થે," નાના છોકરાએ કહ્યું.

સુશીલાએ સૂરજ સામે જોયું.

સૂરે જોર કરીને અરધીપરધી આંખો ઉઘાડી; નાનેરા ભાઇના બોલ એણે તંદ્રાના તળિયામાંથી સાંભળ્યા હતા. પોતાની બા વિશે ભાભીના મન પર રખે કશું ઊંધુંચત્તું ભરાઇ જાય, એ બીકે એણે ખુલાસો કર્યો : "બે વર્ષછી બા માંદાં છે - પોટી છ મહિનાની હતી ત્યારથી બાએ ધાવણ છોડાવી દીધું છે. અમને કોઇને પાસે આવવા દેતાં નથી. કહે છે કે છોકરાને રોગની જીવાત લાગે."

એટલી વાત કરીને સૂરજ પોપચાં ઢાળી ગઇ.

એ વખતે જ સામા ઓરડામાંથી એક આર્તસ્વર સંભળાયો. ચમકેલી સુશીલા ઊઠીને જોવા જાય છે ત્યાં ભાભુ એની પાસે આવી પહોંચ્યાં. એના મોં પર ઉત્પાત હતો.

"શું કરછ, બે'ન ?"

"આ છોકરાંને રમાડતી'તી."

સુશીલાના એ જવાબે ભાભુના કંઠમાં વધુ કહેવાની હિંમત મૂકી. એમણે ખબર દીધા :

"તારી સાસુની સ્થિતિ સારી નથી."

"શું થયું એકાએક ?"

"વેવિશાળ તૂટ્યાની ખબર એને હજી અત્યારે પડી. આઘાત લાગ્યો. નહીં બચે. ઇશ્વર ઇશ્વર !"

સુશીલાનું મોં લાલ થયું. એણે પૂછ્યું. "કોણે કહી દીધું ?"

"તારા સસરાએ."

"ખોટેખોટું ! ચાલો હું આવું."

"આવીશ બાપુ ?"

ભાભુની પાછળ એ ઊપડતે પગલે મરતી સાસુના ઓરડામાં પહોંચી.

ત્યાં એણે દીઠો એક અલકલ્પેલો ને અણસુણેલો દેખાવ. ગામડિયો પતિ પત્નીના ખાટલા પાસે ધરતી પર ઘૂંટણ ઢાળીને બેઠો છે. તેના હાથ જોડાયેલા છે.

એના શરીર પર ફક્ત ફાળિયું છે. એ સાધુ સમો લાગે છે. એના મોં પર મલકાટ છે. એના હોઠ પર ફોસલામણીના શબ્દો છે : "શાંતિથી છૂટી જાવ, શાંતિથી."

સામે પડેલી પત્નીએ હાથ જોટ્યા છે, એના શ્વાસ પૂરપાટ જતા ઘોડાની પેઠ ઊપડ્યા છે. એના મોંમાં શબ્દો ફક્ત આટલા-ને તે પણ ભાંગ્યાત્રુટ્યા નીકળ છે :

"શાંતિ...થી...પ...ણ...એક...વાર એક...જ...વાર... ...મ...મ...મ...ને સુ...શી...શી...લાનાં...દ...ર... શ...ન...ક...રા... વો... એક...જ...વ...વા...ર..."

"પણ એટલીયે વળગણ શા માટે?" પતિ હસીને કહે છે: "હે આતમા ! મુક્ત થા ! મુક્ત થઇ જા ! વળગીશ મા, ક્યાંયે ઊભો રહીશ મા, હે મુસાફર આતમા !"

"એક...વા...ર...એ...ક...જ...વ...વા...ર... પછી...ચા....લી...ની...ક...ળું..."

"આ લાવી તમારી સુશીલાને," ભાભુએ ભત્રીજીને અંદર લીધી.

"અરે અરે ! બે'ન !" વણિક બોલી ઊઠ્યો : "આંહીં, આ ટાણે ઇ ફૂલને ન લવાય!"

"ફિકર નહીં, કાકા !... સુશીલા, વંદના કર ને વિદાય દે. આ લે, આ પાણીનો ચમચો; મોંમાં દે. ને કહી દે તારે જે કહેવું હોય તે."

સુશીલાએ પાણીનો ચમચો ભરીને મરતી સ્ત્રીના મોં તરફ લંબાવ્યો. મરનારે હાથ જોડ્યા, ટગર ટગર આંખોએ તાકીને જોયું : "મારી વહુ ! મારી વહુ ! મારાં છોકરાંની મા-મા-મા-"

"બોલાય નહીં," સસરાએ પોતે બાળકને સમજાવતા હોય તેવા પ્રકારે સમજાવ્યું.

"બો...લા...ઇ...ગિ...યું ...હ...વે...નૈ....બો...લું...રજા...દિયો."

સુશીલાની ઊર્મિઓનાં ઊંડાણો ભેદીને એ મરતી સ્ત્રીનો સૂર અંદર ઊતરી ગયો. એ હમણાં જ ત્રણ માતૃહીન બાળકોને રમાડીને આવતી હતી, હમણાં જ એણે સસરાના લોટવાળા હાથ જોયા હતા, હમણાં જ એને કાને પડ્યો 'મારી વહુ'નો પોકાર.

વધુ વાંચો : 'બીજાનાં પેટનું પાપ તાગો છો, પણ પોતાના પેટમાં શું પડયું છે...' ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 23

ઘરની ધરતી પોકારતી હતી, પૃથ્વી ગાય બની બની ભાંભરતી હતી. એણે હિંમત કરી ચમચો સાસુના હોઠ વચ્ચે પહોંચાડીને કહ્યું : "બધું ખોટું છે. કોઇની મગદૂર નથી. હું આ ઘરની જ છું." વધુ એનાથી બોલી શકાયું નહીં.

"શાબાશ, મારી દીકરી," ભાભુએ એટલું કહી મોં નીચે ઢાળી દીધું; એની આંખોમાં છલછલાટ થઇ રહ્યો.

સાસુ ને સસરો બંને સામસામાં આંખો મીચી ગયાં હતાં. સસરાની આંખો ઊંડા ધ્યાનમાં વિલીન હતી. સાસુની આંખોની બહારના ખાડામાં અક્કેક અશ્રુકરણ હતું. {[nop}} સુશીલા પણ રડતી હતી.

સસરાના કંઠમાંથી ધીરે ધીરે ઘનગંભીર ઉચ્ચાર ઊઠતો : "નમો અરિહં...તાણં...નમો..."

હતો તો ગામડાનો વણિક, પણ કંઠમાં ગાંભીર્ય હતું. સાધુઓ-મુનિરાજો ગામડામાં ઝાઝું નહોતા આવતા તેથી આ વણિકની ધર્મભાવના વધુ વિશુધ્ધ અને સ્વયંસ્ફુરિત રહી હતી.

મૃત્યુ સમયની પ્રત્યેક પળને ધર્મની અમૂલખ પળ માનનાર આ માનવી ધર્મસ્ત્રોતને ગુંજવામાં પૃથ્વી પરનું સર્વસ્વ ભૂલી ગયો.

ફક્ત એક અવાજ એના આત્માના એકલ પરિભ્રમણમાં એની પાછળ પાછળ આવતો હતો...

'હું આ ઘરની છું.'

કાળ-સરિતાના સામા પારથી આવતો હતો શું એ અવાજ ?

ધર્મસ્તોત્રોના જાપ પરથી એનો કંઠ પાછો પૃથ્વી પર ઊતર્યો. એણે થોડીક આંખો ઉઘાડીને પત્નીને દીઠી. ખોળિયું હજીય પ્રાણના ધબકારા મારતું હતું, આંખોના દેવતા હજુય અણબુઝાયા હતા. એક બાજુ સુશીલા હાથ જોડીને ઊભી હતી, બીજુ બાજુ ભાભુ મોંએ હાથ માંડીને કંઇક મનમાં મનમાં ગુંજતાં હતાં. પતિએ પત્નીને સંબોધીને કહ્યું :

"આપણો પચીસ વર્ષનો સંસાર આજ પૂરો થાય છે. તમે મને કદી ઊંચે સાદે બોલ્યાં નથી. તમે મારી આબરૂ ઢાંકીને બેઠાં હતાં. હું માગું છું માત્ર એટલું જ -આવતે ભવ તમારે જ પેટ અવતાર મળજો..."

સુશીલા સાંભળતી હતી, સાંભળી સાંભળીને વિસ્મય પામતી હતી. આજનો ધણી જે પત્નીને ઉદરે આવતા જન્મનો બાળક બનવા પ્રાર્થે છે, તેનાં અંતરનાં કેવાં વહાલ હશે ! બેઉ વચ્ચે કેટકેટલી લેણાદેવી હશે !

app promo3

પતિએ તૂટેલો વાણી-તાર ફરી સાંધ્યો :

"છોકરાંની ફિકર કરશો મા. છોકરાં તો આંહીં તમારી થાપણ છે. જ્યાં જાવ ત્યાં બેઠાં બેઠાં મારી આટલી આંટ નભાવજો. છોકરાંને હું નહીં કોચવું."

"તમારી વાંસે ધરમાદો તો શું સંભળાવું? ત્રેવડ રહી નથી. આટલું જ ભાતું બાંધતા જાવ : કે આપણા ગામમાં જેની ચાકરી કોઇ નહીં કરતું હોય તેવાં માંદાંની હું પથારી વેઠીશ, ને સંસારમાં એકલા થઇ પડેલા જેટલા જીવ આપણા ગામમાં છે તેની હું ચાકરી કરીશ. તમારા જીવને ગત કરો."

તે વખતે બીમારના દેહે છેલ્લાં ત્રણ ડચકાં ખાધાં. વૃધ્ધે કહ્યું : "સુશીલા, બેટા, હવે તમે જાવ."

ધ્રુસકાં ખાતી સુશીલાને ભાભુએ બહાર જઇ કહ્યું : "મોં લૂછી નાખ, બે'ન; ને હિંમતથી સામે ઓરડે જઇ છોકરાંને સાચવ."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati Literature Zaverchand Meghani Vevishal

Published by

VTV Admin

ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે, એવા શ્રી ઝવેરચંદ મેઘાણીના નામથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે. સૌરાષ્ટ્રના ગામો ખૂંદીને અનેક લોકકથાઓ ઝવેરચંદ મેઘાણીએ આપણા સુધી પહોંચાડી છે. પત્રકાર, અનુવાદક, સાહિત્યકાર અને ઉંચા દરજ્જાના લેખક મેઘાણીએ ગુજરાતી ભાષાને સૌરાષ્ટ્રની રસધાર, જેલ ઓફિસની બારી, માણસાઈના દીવા સહિત સંખ્યાબંધ ઉત્તમ પુસ્તકો આપ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ