ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / VTV વિશેષ / 'કાગળો ફાડજો, પણ કોક બીજીનું કાળજું ફાડશો મા!' ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 22

વેવિશાળ / 'કાગળો ફાડજો, પણ કોક બીજીનું કાળજું ફાડશો મા!' ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 22

Last Updated: 10:00 AM, 11 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક માલદાર દક્ષિણી છોકરીની સાથે સિવિલ મૅરેજ કરવાની જાળ આ વિજયચંદ્રે પાથરી હતી. છોકરીનું વેવિશાળ બીજે ઠેકાણે થયેલું હતું. છોકરીની વિધવા માતાને જાણ કર્યા વગર એ છોકરીને ઘરમાંથી દાગીના સાથે ઉઠાવીને વિજયચંદ્ર અને તેની 'ધર્મની બહેન' કાલે રાતે ક્યાંઈક ચાલ્યાં ગયાં....

ADVERTISEMENT

પોલીસ-ઑફિસરે વાત આદરીઃ

"વિજયચંદ્ર નામનો એક યુનિવર્સિટી-ગ્રેજ્યુએટ પોતાના વિવાહની લાલચમાં સારાં સારાં કુટુંબોની દીકરીઓને ફસાવે છે. તે કન્યાઓનાં માતાપિતાઓ પાસેથી પરદેશ અભ્યાસ કરવા જવા માટની મદદ મેળવે છે. કન્યાઓને પણ પોતે જુદે જુદે સમયે પોતાની એક સંબંધી સ્રીને ઘેર શિક્ષણને બહાને તેડાવે છે, એ બાઈ એક ભણેલી વિધવા છે. પોતે કન્યાઓને ટ્યુશન આપતી હોવાનો દેખાવ કરે છે."

"ત્યારે તો - " ચંપક શેઠ એટલું બોલે છે ત્યાં તો એને ચૂપ કરી દેવાને માટે ખુશાલે વચ્ચે ઘોડો કુદાવ્યો" "કરે એ તો. મુંબઈનું પેટ બોલતો બોલતો ખુશાલ સોફા પર ટોપી પછાડતો હતો. કોઈ પણ ઈલાજે એને ચંપક શેઠની જીભ દબાવી રાખવી હતી.

ચંપક શેઠના મોં પર લોહીનો છાંટો પણ રહ્યો નહોતો. પોલીસ-અફસરે આગળ ચલાવ્યું:

"એક માલદાર દક્ષિણી છોકરીની સાથે સિવિલ મૅરેજ કરવાની જાળ આ વિજયચંદ્રે પાથરી હતી. છોકરીનું વેવિશાળ બીજે ઠેકાણે થયેલું હતું. છોકરીની વિધવા માતાને જાણ કર્યા વગર એ છોકરીને ઘરમાંથી દાગીના સાથે ઉઠાવીને વિજયચંદ્ર અને તેની 'ધર્મની બહેન' કાલે રાતે ક્યાંઈક ચાલ્યાં ગયાં હતાં. આજે સાંજે એ પકડાયાં છે. હું તમને હેરાન કરવા નથી આવ્યો, પણ મને બાતમી મળી છે કે તમારી પુત્રી સાથે એનું વેવિશાળ થયું છે; ને એણે આ બીજી કન્યાનાં ઘરેણાં તમારી કન્યાને ચડાવવા માટે ગાયબ કર્યાં છે, એવો શક પડવાથી હું આંહીં આવેલ છું. એ છોકરીનો મરહૂમ પિતા મારો મિત્ર હતો."

વધુ વાંચો: 'સુખો સવતંતર બન્યો ને, ઘેલીબે'ન, એટલે શરીર વળ્યું', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ

"હં હં-સાહેબ!" ખુશાલે હસતે હસતે માથા પર હાથ ફેરવીને જવાબ વાળ્યોઃ "મુંબઈની પોલીસ કેટલી રેઢિયાળ બની ગઈ છે તેનો આ ફક્કડ નમૂનો છે."

બોલતો બોલતો પોતાની સામે પણ ન જોનાર ખુશાલ આ પોલીસ અધિકારીને પોતાના ખાતાનો ઊંડો જાણભેદુ લાગ્યો. ખુશાલ તો ખરી રીતે આ અમલદારની આંખોમાંથી છટાકવા ખાતર જ આવી લાપરવાહી ધારણ કરી રહ્યો હતો, પણ અમલદારના મન પર તો ખુશાલની છાપ કોઈ 'મોટા પુરુષ'ની પડી.

"આપ એમ કેમ બોલી નાખો છો?" મુંબઈના પોલીસખાતાનો સડો સમજનારા અમલદારે અપરાધીભાવે પૂછ્યું.

"આપે જે પગ-માથા વગરની બાતમી મેળવીને આંહીં સુધી આવવાની તસ્દી લીધી તે પરથી હું બોલું છું. કોઈ જાણીતા કાઠિયાવાડીને તમારા ખાતામાં આંહીં મૂકતા નથી, તેને જ પરિણામે આવા ફજેતા થાય છે ને?"

"હું કાંઈ સમજતો નથી."

"એ તમને મારા આ મોટા ભાઈ સમજાવશે. કહો, ચંપકભાઈ," ખુશાલ બાઘા બનેલા મોટા શેઠ તરફ ફર્યો: "બે'ન સુશીલાનું વેવિશાળ કર્યે કેટલાં - દસ વરસ તો થયાં હશે ને?"

સાણસામાં સપડાયેલા સાપ જેવા ચંપકલાલે જવાબ આપ્યોઃ "અગિયારમું જાય છે."

"કહો, આ સામે બેઠા એ સુખલાલ જ તમારા જમાઈ કે બીજા કોઈ?"

"એ જ," જખમારીને ચંપક શેઠે હા કહી. એકાદ કલાક પૂર્વે જેના નામ પર પોતે ચંપલ પછાડ્યો હતો, જેને પોતાના ઘરની દિશામાં ન આવવા દેવાની પ્રતિજ્ઞા કરી હતી, જેને પોતાના માર્ગમંથી કાંટાની માફક ચૂંટાવી કઢાવવા પોતે પોલીસખાતાને મળવા જવાના હતા, જેના દીદાર સરખાય સહન કરી લેવાની તૈયારી નહોતી, તે જ સુખલાલને પોતાના દસ વર્ષના જૂના જમાઈ તરીકે ખુદ પોલીસની સામે જ સ્વીકારવો પડ્યો!

"સા....રી વાત." ખુશાલભાઈ પુરભભકામાં દુન્યવી અનુભવની 'બારિસ્ટરી' ચાલાવી રહ્યા હતાઃ "કહો ચંપકભાઈ, આ સાહેબને ચોખવટ કરીને સમજાવો કે જમાઈને તમે જ દેશમાંથી તેડાવ્યા છે કે નહીં? તેડાવીબે ધંધે લગાડ્યા છે કે નહીં? ને અત્યારે આ જમાઈને છેવટની બધી વિગતો જ નક્કી કરવા તેડાવેલ છે કે નહીં ?"

વધુ વાંચો: 'એના પેટની તો બીજી શી ખબર પડે ?', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 20

એ વખતે બાજુના ખંડમાં ટેલિફોનની ઘંટડી વાગી. ભાભુ પાસે બેઠેલી સુશીલા - જેને કાને ખુશાલભાઈના હાકોટાભર્યા બોલ રજેરજ અથડાતા હતા તે - ટેલિફોન પર ગઈ.એના રણકતા જતા રૂઆબી શબ્દો સંભળાતા હતાઃ

"કોણ છો તમે? - અત્યારે કામમાં છેઃ જે કહેવું હોય તે કહો. હું કોણ છું તેનું તમારે શું કામ છે? -હા જે કહો તે શેઠને કહી દઉં - બંધ કરો બંધ કરો - આવા ટેલિફોન આંહીં ન કરશો - બેશરમ! નફ્ફટ!"

આ છેલ્લા શબ્દો સાથે સુશીલાએ ટેલિફોન પર રિસીવર મૂકી દીધું.

ફરી ઘંટડી બજી, ફરી ફરી બજવા લાગી. એકબે વખત સુશીલાએ જઇને કાન માંડ્યા, તો એનો એ જ અવાજ નીકળ્યો.એ જવાબ વાળ્યા વગર જ પાછી આવીને બેસી ગઈ.

ટેલિફોન પર સુશીલાએ આવો જવાબ કોને આપ્યો? ચકિત બનેલાં ભાભુએ પૂછ્યું: "કોણ હતું?"

"હતો હરામી!"

"કોણ?" પોતાની શબ્દસંયમી ભત્રીજીના મોંમાં 'હરામી' શબ્દની ચરડાટી ભાભુને અકળાવી રહી.

"વિજયચંદ્ર!"

"શું કહે છે?

"મારા મોટા બાપુજીનું તાકીદનું કામ છે, મુશ્કેલીમાં છું - એમ કહેતો હતો. આંહીં ટેલિફોનમાંય હુકમ ચલાવવા આવ્યો'તો હરામી!"

ફરી વાર ઘંટડી ચીસો પર ચીસો પાડવા લાગી.

ચંપકલાલ શેઠના કાન તો લગભગ બહેરા બની ગયા હતા. પોલીસ-તપાસ વધુ ને વધુ બારીક બનતી હતી. એના ભેજામાં તો પોલીસ કચેરીમાં થનાર સવાલ-જવાબની જ સ્વરચંડીકાઓ રાડો નાખતી હતી. પોતાના ઘરના ટેલિફોન પ્રત્યે એ બેધ્યાન બની બેઠો હતો. એનું ધ્યાન જાય તે પૂર્વ ખુશાલે જ સુખલાલને કહ્યું:

"જો તો ભાઈ, ટેલિફોન કોનો છે?"

પેટમાં વીંટ આવતી હોય તેને દબાવી ને માણસ જેમ રાજદરબારમાં બેસી રહે તેવી અદાથી ચંપક શેઠ આ પોતાના સંસારની માલિકી લઇ બેઠેલા બે જણાને સહેતો બેઠો રહ્યો. એને ઊઠવા જતો રોકીને ખુશાલે કહ્યું: "તમે બેસો, સાહેબને પાછું એમ ન થવું જોઈએ કે આપણે કંઈ ઢાંકોઢુંબો કરી લઈએ છીએ."

સુખલાલ દીવાનખાનાની બહાર ટેલિફોન પર ગયો ત્યારે સુશીલા એ ગાજતા રિસીવરને ફોનથી અલગ મૂકતી હતી. ભાભુ અંદર બેઠાં હતા: ફોન વરંડામાં હતો.

સુશીલા સમજી કે સુખલાલ પોતાનો ટેલિફોન કરવા આવ્યો છે. નજીક આવવા દઈને પછી એ બોલી ઊઠીઃ "હમણાં ન લેતા."

વધુ વાંચો:'અમારા દેશમાં એક તાવને 'લવ ફિવર' કહે છે, તું દૂર રહેજે..', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 19

"કેમ?"

"ગરમ છે." સુશીલાએ વિનોદ કર્યો. એ વિનોદમાં ન સમજેલો સુખલાલ સહેજ ખસિયાણો પડી જઈ પૂછતો હતોઃ

"કોનો હતો ફોન? શેઠ પૂછાવે છે."

"કોઈનો નહીં, મારી બે'નપણીનો હતો."

એ બોલતાં બોલતાં સુશીલા ગાલ પર પડેલા ગલ વરતાયા.

"ફોન ઉપાડશો નહીં, બેનપણી બહુ લપી છે," કહેતીકને સુશીલા ભાભુ પાસે જવા લાગી.

"તમને પોલીસ અમલદાર પાસે હમણાં જ બોલાવવાનાં છે." સુખલાલે એક દમ છાંટ્યો.

"પુરુષો જવાબ નહીં આપી શકતા હોય..." એટલું સંભળાવતી સુશીલા ગઈ અને ભાભુ પાસે બેઠી બેઠી દીવાનખાનામાં ચાલતી વાત સાંભળવા લાગી.

થોડી વાર પછી અમલદારની વિદાય થઈ ગઈ. ખુશાલ જઈને એને લિફ્ટ સુધી પહોંચાડી આવ્યો. પાછા આવીને એણે રજા માગીઃ "લ્યો ચંપકભાઈ, અમે જે કામે આવેલા તે તો હજુ બાકી રહે છે."

"પણ મારે બાકી રાખીને જવું નથી." એમ કહેતો સુખલાલ આગળ આવ્યોઃ "હું બે વાતો માગવા આવ્યો છું: એક તો મારા બાપે કરી આપેલ ફારગતી પાછી લાવો. તેને બદલે હું પોતે ફારગતી કરી દેવા તૈયાર છું. ને બીજું મને બતાવો દાક્તરી સર્ટિફિકેટ, જે તમે મારા શરીર માટે લખાવી લીધું છે."

ખુશાલને આ બેઉ વાતોમાં નવું અજાણ્યું રહસ્ય લાગ્યું.

"બેસો ચંપકભાઈ. બેસ, ભાઈ સુખલાલ; ઉશ્કેરા નહીં સુખા!" એમ કહીને બેસાડી ખુશાલે પૂછ્યું:

"શેની ફારગતી? શેનું સર્ટિફિકેટ?"

"સર્ટિફિકેટ શેનું? પૂછો ને એને! મારી તો કહેતાં જીભ તૂટી પડે છે. એણે ઊભું કરેલ છે મારી નામર્દાઈનું દાકતરી સર્ટિફિકેટ! એનાં હું ચિરાડીયાં કરવા ને કાં એ દાક્તરનું નામ લેવા આવેલ છું."

"નામર્દાઈ ? નામર્દાઈનું સર્ટિફિકેટ ? દાકતરી સર્ટિફિકેટ ? ખુશાલે ચંપક શેઠ તરફ જોયું: "ને શેની ફારગતી?"

"મારા વેવિશાળની ! મારા બાપને રાતે પાણીએ રોવરાવીને એ સર્ટિફિકેટની ડરામણી દઈને લખાવી લીધેલી." સુખલાલના હોઠ બોલતાં ધ્રૂજતા હતા.

"તું ધીરો થા, ભાઈ!"

"હું ધીરો નથી રહી શકતો. હવે આ બધું જાણ્યા પછી ધીરજ હારી ગયો છું. આ માટે મારા બાપાને આંસુ પડાવ્યા? મને પીલી પીલી દવાખાને કૂતરાને ઢરડે એમ ઢરડી નખાવો હતો, તેથી શું ધરવ નહોતો થયો?"

સુખલાલને આ નવી જીભ ફૂટી હતી. ચંપક શેઠનું અપમાનિત અને લજ્જિત મોં નીચું ઢળ્યું હતું. સુખલાલનો ઉશ્કેરાટ સાંભળતાં સાંભળતાં 'ભાભુ' છેક બારણામાં આવી ઊભાં હતાં.

સૌએ એકાએક સુખલાલને ધ્રૂસકાં ભરતો ભરતો રુદન કરતો જોયો- સાંભળ્યો. સાચો રોષ યૌવનમાં રુદન કરાવે છે ને પ્રૌઢાવસ્થામાં આંસુ સૂકવી નાખે છે.

"ક્યાં છે એ કાગળિયાં, હે ચંપકભાઈ? હવે કાંઇ આ વાતુંના ભવાડા શોભશે, બાપા?"

એક કહીને ખુશાલે સુખલાલનો હાથ ઝાલ્યો; કહ્યું: "તુ શાંત રહે, ભાઈ સુખલાલ! શેઠ એ બેઉ કાગળો રજૂ કરે. તું તારે હાથે એનાં ચિરાડીયાં કર, પછી શેઠની મરજી ફારગ જ થવાની હોય તો તું તારે હાથે જ ફારગતી લખી દે."

"કોઈની ઈચ્છા હો ન હો, મારે તો ફારગતી જ આપવી છે, ને ફારગતી મેળવવી છે." સુખલાલના ગળામાં દર્દનો ચંબુ છલકતો હતો.

"પે'લા નંબરની વાત. સૌ પોતપોતાના દરજ્જા ને સંસ્કારને બંધબેસતો સંસાર માડે એમાં જ સુખ છે. તું તો શાણો જવાન છો. ભાઈ સુખા! લ્યો, ચંપકભાઈ, હવે અત્યારે ટાણું સાચવી લ્યો. ત્રણ ઉપરાંત ચોથું ચકલુંય જાણશે નહીં. એ દસ્તાવેજોના નાશના આપણે ત્રણ જ સાક્ષી રહેશું. જાવ, લઈ આવો જ્યાં મૂક્યા હોય ત્યાંથી."

ખુશાલે એ કાળમુખા દસ્તાવેજો લાવવાનું કહ્યું ત્યારે ચંપક શેઠ છોભીલા મોંએ ફકત સામે જ જોઈ રહ્યા, પણ ઊઠ્યા નહીં.

આ પણ વાંચો : "એની વાત નથી. ઠાલાં નજરું મળ્યાં ના ઝેર છે ને?", ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 18

"કાંઈ નહીં, અત્યારે ને અત્યારે કાંઈ ઉતાવળ નથી," એમ કહીને ખુશાલે ટોપી પહેરી, વાળ સરખા કર્યા. પછી છેક અરધા કપાળને ઢાંકેલી ટોપી એણે ઊંચકીને ગુંડાશાહી અદાથી માથાની એક બાજૂએ ટેડી કરતે કરતે કહ્યું: "કાલે પાછા રાતે અમે આંહીં આવશું; ત્યાં સુધી તમે નિરાંતે વિચાર કરી શકશો. ઉતાવળ નથી. હાલો સુખાભાઈ, સારા માણસના મકાનમાં મારા જેવા નાગા ગણાતા આદમીને આ બાપડા જીવ ક્યાં સુધી સંઘરી બેસશે?"

બંને ઊઠીને ચાલ્યા ત્યારે ભાભુ બારણામાં જ ઊભાં હતાં. એણે કહ્યું: " અરે રે, ભાઈ, એવું શીદ બોલો છો? આંહીં જ બેય જણ રાત રહી જાઓ ને!"

"ના ઘેલીબે'ન, હું જૂંઠું નથી બોલતો," એણે કહે તે કહેતે ટોપી ટેડી હતી તેને પાછી સંપૂર્ણ સભ્યપણે શિર પર ઢાંકી. "તમે ન જાણો, ઘેલીબે'ન! તમે કલ્પીય ક્યાંથી શકો, કે તમારી બે'નપણી હેમીબાઈ સાધવીનો ભાઈ ખુશાલ મુંબઈમાં એક 'નાગો આદમી' ગણાતો હશે? પણ વાત ખરી છે. કોઈ આબરૂદારના ઘરમાં મારો રાતવાસો ન જ હોય. એમાં કાંઈ નવાઈ પામવા જેવું નથી. ઘેલીબે'ન! સાપનો ગુણ જ એની કોથળીનું ઝેર છે, એનું દૈવત પણ એ ઝેર છે, તેમ અમુક માણસનું દૈવત પણ એની નાગાઈ જ છે. નીકર પોલીસ અમલદાર ગામડિયા કાઠિયાવાડીથી થોડો બીવાનો હતો? આવજો, બે'ન! કાલે પાછો મારે આંટો રહ્યો. કાલે બધું પત્યે જ છૂટકો છે ને, બે'ન!"

ખુશાલને ભાભુ સાથે થયેલી એટલી રોકાણ દરમિયાન સુખલાલ બહાર સીડી સુધી પહોંચી ગયો હતો. ખુશાલ સીડી પાસે પહોંચ્યો ત્યારે સુખલાલને વળાવીને પાછી ફરતી સુશીલાના મોંમાં આ બોલ હતાઃ

"કાગળો ફાડજો - પણ કોક બીજીનું કાળજું ફાડશો મા!"

ખુશાલને જોતાં એ અદબ ધારણ કરે તે પૂર્વે તો એકાક્ષી ખુશાલની પાતાળ-વેધક આંખે સુશીલાના મોં પરનો ઊકળાટ વાંચી લીધો. ઘૂમટાનો પડદો સુશીલાના મોંની એક બાજૂએ પડી ચૂક્યો ને એ બારણામાં પ્રવેશ કરી ચૂકી.

સર્પાકારે વહેતી સીડી બેઉને પૃથ્વી પર લઇ જતી હતી. બબે પગથિયાંની ઠેક દેતે દેતે ખુશાલ બોલતો ગયોઃ

"નથી છોડવી, હો સુખા! હું વરતી શકું છું: કન્યામાં કહેવાપણું નહીં રહે. મુંબઈની વીફરેલ હોય તો નોખી જ ભાત્ય પડે એના વરતાવની. જોયું નહીં - મારી એણે અદબ કરીને ઘૂમટો ખેંચ્યો. મારો ભિખારી- રામનો ઘૂમટો... મુંબઈગરી હોત તો ચીપી ચીપીને કંઈક ચીબાવળી પોપટબોલી કરત! આ તો બે કલાક ઘરમાં રીયા પણ ગળું કેવું છે તેનો જ પત્તો ન મળ્યો. તારા બરની લાગે છે. એનેય બાપડીને સૂડી વચ્ચે સોપારી જેવું થયું લાગે છે."

પાવલીમાં હનુમાનગલ્લી પહોંચાડવા જતી વિક્ટોરિયાનો ઘૉડો મુંબઈના ડામરિયા માર્ગો પર ડાબલા પટકતો હતો. તેની સાથે સાથે જાણ્યે કે અજાણ્યે ખુશાલની વાતો તાલ મેળવી રહી હતી.

મૂંગાંમૂંગાં ભાભુ-ભત્રીજી પથારીમાં પડ્યાં ત્યારે છ મહિનાનો મંદવાડ ભોગવીને ઊઠ્યો હોય તેવો ચંપક શેઠનો દેહ તિજોરીની સામે ઊભો હતો. ચાવી ફેરવતાં રોજ કરતાં વધુ શ્રમ પામેલા એના હાથમાં તિજોરીની અંદરથી કાઢેલા એ બેઉ દસ્તાવેજો - એક સુખલાલના પિતાનું લખત ને બીજું ડૉક્ટર પાસેથી મેળવેલું બનાવટી સર્ટિફિકેટ - બંને ખુલ્લા ફરફરતા હતા. થોડી વાર આની સામે તો ઘડીક પેલાની સામે શેઠ તાકતા હતા. ફરી ફરીથી વાંચતા હતા.

કાગળોની ઊઘડતી ને પાછી સંકેલાતી ગડીઓનો જે ખરખરાટ થતો હતો તેનો સ્પર્શ પણ લેતા સુશીલાના કાન સુશીલાની આંખો સાથે સંગ્રામ મેળવી રહ્યા હતા. આ દસ્તાવેજો શેના છે, મોટા બાપુજી શાના એ કાગળો વારંવાર તેજુરીમાંથી કાઢમૂક કરતા હતા? તે દિવસ મારા સસરાના કંઠમાંથી દીવાનખાનામાં ઊઠેલા આક્રંદ-સ્વરો શાને કારણ હતા, અને મારી સગાઈની નવી તજવીજો કરવા પાછળ કયું કારણ હતું - તે સુશીલાએ અત્યારે સુખલાલની આવેગભરી વેદના-વાણી પરથી પકડ્યું હતુ. ને ને થયું કે હિરણ્યકશ્યપના પાપે લોઢાનો તત્પ્ત થંભ જો ફાટ્યો હોય, તો આટલું પાપ સંઘરતી પિતૃઘરની તેજુરી કેમ હજુ સલામત છે?

કાલે રાતે એ આવશે ત્યારે શું થશે?? મોટા બાપુજીને સ્પષ્ટ કહેતાં જીભ ઉપડતી જ નથી. તોફાન-કજિયો થશે તે હું કેમ કરીને રોકી શકીશ?

"ભાભુ." એણે અવાજ કર્યો. ભદ્ર પ્રકૃતિની એ સ્ત્રી ફક્ત પોતાના ધર્મનાં પાંચ સાદાં નવકાર મંત્રનાં પદો વડે જ આ સામટી ક્ષુબ્ધતાને ઓલવી નાખી શકી હતી, ઊંઘમાં પડી હતી. મનના ક્લેશનાં ગંજો ને ગંજો જરા જેટલા જળથી ધોઈ શકાય છે. ધર્મસ્તોત્રનાં એ પાંચ પદો, એકાદ રામધૂન, એકાદ માળા કે સૂવા ટાણાની એકાદ તસબી ડહોળાયેલા ચિત્તતંત્રને સ્વપ્નહીન નિદ્રાને શાંત ખોળે સુવાડી દેવા સમર્થ હોય, તો એની એ પાર્થિવ ઉપયોગિતા જ શું પરમ ધાર્મિકતા નથી?

ઊંધતાં ભાભુને ઊઠાડવા માટે ફક્ત શરીર પર હાથ અડાડવો જ બસ થયો. જાણે સૂતાં જ ન હોય તેવી સ્વસ્થતાથી એણે હોંકારો દીધોઃ "કેમ ગગી? મને બોલાવી તેં?"

"હા, થોડુંક કહેવું છે."

"કહે."

"મને વચન આપો કે મારી મરજી વિરુધ્ધ તમારી પાસેથી મને કોઈ આંચકી નહીં જાય. સૌ છોડે તોય તમે મને નહીં છોડો."

"વચન આપવું બાકી છે, ગગી? સૌને છોડીને તને સાચવતી શું હું નથી બેઠી?"

"ને ભાભુ," સુશીલાને જૂની વાત યાદ આવીઃ "ઓલ્યાં હેમીબે'નની જેમ તમે દીક્ષા લેશોને, તો હું યે તમારી સાથે દીક્ષા લઈશ. પછી છે કાંઈ?"

"ઘેલી થઇ? દીક્ષા! જ્યાં સંયમ ત્યાં દીક્ષા જ છે ને! ઘર જેવું કોઈ દેવસ્થાન છે. ગગી! બીક રાખ્યા વગર સૂઈ જા."

નવાઇ તો લાગેજ ને, કે બે જ પળમાં બેઉ શહેરી માનવીઓ તાજાં જન્મેલાં બાળકોના જેવી નીંદરમાં પડ્યાં

જે નિદ્રા આ બે સરલહૃદયા સ્ત્રીઓને મળી હતી તેણે તદ્દન નજીકના શેઠના શયનાગારમાં એમ મટકું પણ નહોતું મોકલ્યું. વિચારોનાં સરપગૂંચળાં ચંપક શેઠનાં મસ્તકમાં સળવળતાં જ રહ્યાં. આખરે એને મોટામાં મોટા એક ભયની છાયા પડી. ટેલિફોનની ઘંટડી વાગીઃ "હું વિજયચંદ્ર બોલું છું. આવું તે હોય કે શેઠ? ટેલિફોન કરી કરી થાકી ગયો, આખરે માંડ કોઈકને જામીન કરી છૂટ્યો છું. આપે મને મદદ કરવી જ જોશે; મેં આપની ખાતર ઘણા લાભો જતા કર્યા છે; કાલે સવારે દસ વાગ્યે મળવા આવું છું." વગેરે.

app promo3

અવાજમાં આદેશના જ સ્વરો હતા.

શેઠને ભય પેસી ગયો. આ વિજયચંદ્ર પોતાના બચાવ માટે મને તેમ જ સુશીલાને પોતાના સાહેદરૂપે અદાલતમાં ખેંચાવશે તો? સુશીલા અદાલતમાં? મુંબઈની ફોજદારી કૉર્ટમાં મારી સુશીલા? હજાર આંખોનાં ભાલાં વચ્ચે મારી દીકરી? મારી લાડલી સુશીલા?

એના દર્પનો તો ચૂરો થઇ ચૂક્યો હતો. આ ભગ્નગૌરવના ઉકરડા ઉપર બેઠેલું એનું હૃદય પોતાને ખાલી ખાલી અને સૂનું સૂનું ન લાગે તેટલા ખાતર હજુ પોતાની પ્રત્યે થોડો દર્પ ધારણ કરી રાખવા માગતું હતું, પણ અદાલતમાં વિજયચંદ્રને હાથે સુશીલાના ઘસડાવાના વિચાર સંસારની આ એકની એક સ્ત્રી પરના તેના સ્વામિત્વના દર્પને દળી નાખી તેના મગજમાં એવી રીતે ઘૂમી રહ્યો હતો, જે રીતે આપણે સૂતા હોઇએ ને ઘરના ખપેડામાં કાળો નાગ આંટા મરતો હોય.

રાત્રી ઝમ ઝમ ચાલી જતી હતી, શ્વાસોચ્છશ્વાસના અવાજ પણ સિસકારા મારતા સરપો સમા થતા હતા.પોતે વાદળી ગ્લોબવાળી બત્તી પેટાવીને પત્નીના ઓરડા તરફ ગયો, હૈયા પર લળીને ધીમેથી પૂછ્યું:

"જાગો છો?"

પત્નીએ આંખો ક્યારે ઉઘાડી એની તો ખબર પડી જ નહીં, "આવી હો!" એટલા જ શબ્દો, જરાકે નિંદેભર્યા નહીં પણ રાતરાણીનાં ફૂલો જેવા સંભળાયા. સુશીલા ન જાગી જાય તેવી સલૂકાઈથી એ પતિના પલંગ પાસે જઈ ઊભી રહી.

પતિએ નજીક ખેંચી કે પોતે એના સ્પર્શમાત્રથી આપોઆપ ખેંચાઈ ગઈ? એ તો વીજળીનો વાદળરંગી દીવો જાણે - આપણને શી ખબર?

"બચાડા જીવ!" ભાભુ-હૃદયનો એ શબ્દ જગતનાં સૌ કોઈને માટે નીકળતો હતો.એ ઉદ્‍ગાર અત્યારે નીકળ્યા વગર જ આત્માના ઘુમ્મટમાં ઘૂમરાટ કરતો રહ્યો, ને એમણે પતિના શરીરે હાથ પસાર્યો.

...કેટલાં વર્ષ પછી?

પતિએ કહ્યું :"સવારની ગાડીમાં તમે ને સુશીલા દેશમાં જશો?"

એ જ વાક્ય રાતે કહ્યું હતું. ત્યારે તરત જ પગનો ચંપલ છૂટ્યો હતો! એ જ વાક્ય અત્યારે બોલાયું. પણ ત્યારે તો પત્નીના કંઠ ફરતી પતિના કરની માળા રચાઈ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati Literature Zaverchand Meghani Vevishal

Published by

VTV Admin

ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે, એવા શ્રી ઝવેરચંદ મેઘાણીના નામથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે. સૌરાષ્ટ્રના ગામો ખૂંદીને અનેક લોકકથાઓ ઝવેરચંદ મેઘાણીએ આપણા સુધી પહોંચાડી છે. પત્રકાર, અનુવાદક, સાહિત્યકાર અને ઉંચા દરજ્જાના લેખક મેઘાણીએ ગુજરાતી ભાષાને સૌરાષ્ટ્રની રસધાર, જેલ ઓફિસની બારી, માણસાઈના દીવા સહિત સંખ્યાબંધ ઉત્તમ પુસ્તકો આપ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ