બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / There will be agitation in the Bramh Samaj over the Salangpur dispute
Malay
Last Updated: 12:18 PM, 31 August 2023
ADVERTISEMENT
Salangpur Temple Controversy: બોટાદના સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજીના મંદિરે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. આ મંદિરમાં આવેલી 54 ફૂટ ઊંચી વિશ્વ પ્રસિદ્ધ 'કિંગ ઓફ સાળંગપુર' પ્રતિમાના ભીંતચિત્રોને લઈને મામલો ગરમાયો છે. આ ભીંતચિત્રોની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હનુમાનજીના ભક્તો લાલઘુમ થઈ ગયા છે. ભીંતચિત્રોમાં હનુમાનજી મહારાજને સ્વામિનારાયણ ભગવાનના દાસ દર્શાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. સનાતમ ધર્મના સાધુ-સંતો પણ આ મામલે વિરોધ કરી રહ્યા છે. અનેક સંગઠનો દ્વારા પણ આ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સાળંગપુર વિવાદને લઈને હવે બ્રહ્મ સમાજ પણ મેદાનમાં ઉતર્યો છે. રાજકોટના બ્રહ્મ સમાજના આગેવાનો સાળંગપુર મંદિરે જઈને વિરોધ પ્રદર્શન કરશે. બ્રહ્મ સમાજ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને આગામી 5 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
દેવી-દેવતાઓને મોહરા બનાવવાનું બંધ કરો: ઋષિભારતી બાપુ
સાળંગપુરમાં ભીંતચિત્રોને લઇ અમદાવાદના મહંતે પણ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. લંબે નારાયણ આશ્રમના મહંત ઋષિભારતી બાપુએ કહ્યું છે કે, કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા નીચેથી ભીંતચિત્રો નહીં હટાવાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેઓએ કહ્યું કે, આ સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચે દેખાડવાનો પ્રયાસ છે. સનાતન ધર્મના દેવી દેવતાઓને મોહરા બનાવવાનું બંધ કરો. પાદરીઓની જેમ બ્રેઈન વોશ કરવાનું બંધ કરો.
જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું મોટું નિવેદન
સાળંગપુર હનુમાનજી મંદિર ભીંતચિત્રોને લઇ જગન્નાથ મંદિરના મહંતનું પણ નિવેદન સામે આવ્યું છે. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે કહ્યું કે કોઈ પણ ધર્મને ઉંચુ-નીચું દેખાડવાનું કાર્ય ન કરવું જોઈએ. સર્વધર્મ સમભાવ હોવો જોઈએ. હનુમાનજી સાથે તમામ લોકોની આસ્થા જોડાયેલી છે. હનુમાનજી અનાદિકાળથી છે. દિલીપદાસજી મહારાજે સાળંગપુરની ઘટનાને વ્યભિચારી સમાન ગણાવી
મર્યાદામાં રહો અમને મર્યાદામાં રહેવા દો: મહેન્દ્રાનંદ ગીરીબાપુ
હનુમાનજીના ભીંતચિત્રોને લઇ સાધુ-સંતોમાં આકરો રોષ જોવા મળી રહ્યો છે. ઈન્દ્રભારતી બાપુ બાદ હવે જૂનાગઢના શ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગીરીબાપુએ આ મામલે નારાજગી વ્યક્ત કરી છે. તેઓ કહ્યું કે, સમસ્ત સનાતન ધર્મની લાગણી દુભાવી દે તેવી તસવીરો સામે આવી છે, સ્વામિનારાયણ સંપ્રદાય શું કામ આવું વારંવાર કરે છે તે નથી સમજાતું. સનાતન સાધુઓ કોઇ પણ વખત સ્વામિનારાયણ સંપ્રદાય વિશે બોલ્યા નથી. અમે તમારા કોઇ પણ લખાણ કે પુસ્તકોમાં કે કોઇ ચિત્રમાં છેડછાડ નથી કરી. તેઓએ કહ્યું કે, તમે સનાતન ધર્મની વિરૂદ્ધમાં શા માટે વારંવાર જાવ છો?, તમે મર્યાદામાં રહો અમને મર્યાદામાં રહેવા દો.
શું છે સમગ્ર વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆતની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર બોટાદ સ્થિત સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની તસવીરો વાયરલ થઇ રહી છે. આ પ્રતિમાની નીચે કેટલાક ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. આ ચિત્રોમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) સમક્ષ હનુમાનજી નમસ્કાર કરતી મુદ્રામાં દેખાઇ રહ્યાં છે. સંતોનું કહેવું છે કે આ હનુમાનજીનું અપમાન છે અને સ્વામીનારાયણ સંતોને હનુમાનજી કરતાં મહાન દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે અયોગ્ય છે. વાયરલ થઇ રહેલા આ ફોટામાં જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચિતરવામાં આવ્યા છે, જે ચિત્રો વાયરલ થતાં સાધુ સંતો અને ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.