IAS K. Rajesh issued about 100 Arms license without police verification
BIG NEWS /
તપાસમાં ઘટસ્ફોટ, કલેક્ટર પદ દરમિયાન IAS કે.રાજેશે પોલીસ વેરિફિકેશન વગર જ 100 જેટલાં હથિયાર પરવાના આપી દીધા: સૂત્રો
Team VTV07:54 AM, 24 May 22
| Updated: 06:54 PM, 24 May 22
CBI તપાસમાં IAS અધિકારી કે.રાજેશે અનધિકૃત 100 આર્મ્સ લાયસન્સ ઈસ્યૂ કર્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
IAS કે.રાજેશની તપાસમાં વધુ એક ઘટસ્ફોટ
કે.રાજેશે ઈસ્યુ કર્યાં 100 અનધિકૃત આર્મ્સ લાયસન્સ
પોલીસની NOC ન હોવા છતાં ઈસ્યુ કર્યાં લાયસન્સ
સુરેન્દ્રનગરનાં પૂર્વ કલેક્ટર કે. રાજેશ સામે સીબીઆઈની તપાસ બાદ સમગ્ર લોબીમાં ખળભળાટ સર્જાયો છે. આ મામલે એક પછી એક ખુલાસા થઇ રહ્યાં છે ત્યારે વધુ એક મોટો ધડાકો થયો છે. સુત્રો પાસેથી જાણવા મળતી વિગત અનુસાર લાંચિયા અધિકારી કે. રાજેશ જ્યારે સુરેન્દ્રનગરના કલેક્ટર હતા. તે દરમિયાન પોલીસ વેરિફિકેશન વગર જ અંદાજે 100 જેટલા હથિયાર પરવાના આપ્યા હોવાની ચોંકાવનારી વિગત તપાસમા ખૂલી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસ વેરિફિકેશન વગર જ હથિયાર પરવાનાને મંજૂરી આપી દીધી હોવાના ઘટસ્ફોટને પગલે સનસનાટી મચી જવાં પામી છે. સુત્રોએ જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે, ખોટા હથિયારના પરવાના બદલ તેમને નાની - મોટી રકમની લાંચ લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે કલેક્ટર કચેરીનાં કર્મચારી-અધિકારીઓ ઉપરાંત અમુક વગદાર રાજકારણીનાં સંબંધીને ગેરકાયદે પરવાના અપાયાની માહિતી મળી રહી છે. હાલ આ સમગ્ર પ્રકરણમાં CBIએ ફરિયાદ નોંધી છે. કોને લાયસન્સ આપવામાં આવ્યા છે તથા આ એક- એક લાઇસન્સ પાછળ લાંચ સ્વરૂપે કેટલી રકમ ચૂકવવામાં આવી છે? અને લાયક વ્યક્તિને પરવાના અપાયા છે કે કેમ તે મામલે CBI દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
કે.રાજેશના બેંક લોકરમાંથી CBIને આઠ દસ્તાવેજો મળી આવ્યા
સુરતમાં કે. રાજેશે 2 દુકાનની અંડર વેલ્યુએશન બતાવી હતી. આ બન્ને દુકાનની કિંમત 2 કરોડ છે. આમ છતાં અધિકારીએ આની કિંમત 48 લાખ બતાવી છે. આ સાથે કે.રાજેશના બેંક લોકરમાંથી CBIને આઠ દસ્તાવેજો મળી આવ્યા છે. જે અન્ય લોકોના નામે છે. આ તબક્કે અન્ય લોકોના દસ્તાવેજો તેમના બેંક લોકરમાં શા માટે મુકાયા તે બાબતે શંકા ઉપજી છે, જેના નિરાકરણ માટે CBIએ આ મામલે તપાસ હાથ ધરી છે અને જે લોકોના નામે આ જમીન કે મકાનો ખરીદાયાં છે તેમને નોટિસ આપી તેમનાં નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, CBI દ્વારા કે. રાજેશની પૂછપરછ ચાલી રહી છે. આ સમગ્ર પ્રકરણમાં અનેક લોકોને છાંટા ઉડવાની સંભાવના છે.
સોમા પટેલે ગંભીર આરોપો લગાવતા કહ્યું કે ખાંડીયા ફોરેસ્ટની 900 વીઘા જમીન માત્ર એક રૂપિયાના ટોકને 30 વર્ષના પટ્ટે આપી દેવામાં આવી હતી. આ સિવાય પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં 7 કરોડથી વધારે ખર્ચો બતાવ્યો, જોકે કોઈ પણ PMના કાર્યક્રમમાં દોઢ કરોડથી વધારેનો ખર્ચ તો થાય જ નહીં, જયારે તપાસ કરવામાં આવી ત્યારે અધિકારીઓએ કહ્યું કે વાઉચર ક્યાં ગયા તે તેમને ખબર જ ન હતી. આ સિવાય CMના કાર્યક્રમમાં પણ 1.19 કરોડનો ખોટો ખર્ચ કર્યો હતો.
મે 141 અરજીઓ કરી હતી: સોમા પટેલ
સોમા પટેલે વધુમાં કહ્યું હતું કે મને પહેલાથી ખબર જ હતી, મેં છેલ્લા 10 મહિનાથી અરજીઓ કરી હતી તેમ છતાં ગુજરાત સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં PM મોદી અને અમિત શાહને અરજીઓ મેં મોકલી હતી. મેં CBIમાં પણ કોપીઓ મોકલી હતી, મેં જે 141 અરજીઓ કરી હતી તેની તપાસ કરવામાં આવી રહી છે. મને વિશ્વાસ છે કે હવે આ કૌભાંડીને જેલ કરવામાં આવશે.
રાજકોટ નજીક જમીનનો ખૅલ પાડ્યો હોવાનો પણ અધિકારી પર આક્ષેપ
IAS અધિકારી કે.રાજેશની તપાસનો રેલો રાજકોટ સુધી પહોંચવાની શક્યતા છે. જમીન વિવાદ મામલે રાજકોટ સુધી રેલો પહોંચવાની શક્યતા છે. કે. રાજેશ સુરેન્દ્રનગરના કલેક્ટર હતા, તે સમયે સરકારી જમીનનો ખેલ પાડવાના વિવાદમાં ફસાયા હતા. સૌરાષ્ટ્રમાં એરપોર્ટ નજીક 1 હજાર 47 એકર જમીનમાં કે. રાજેશ ફસાયા હતા. આ કેસમાં કે.રાજેશને સજા નહોતી મળી, જ્યારે અન્ય 2 GAS કેડરના અધિકારીને જેલની સજા ફટકારવામાં આવી હતી. આ બોગસ સરકારી દસ્તાવેજથી ચોટીલા, બામણબોર, મેવાસા અને શેખલીયામાં કૌભાંડ થયું હતું હતું. જેથી બામણબોરની જમીન મુદે તપાસ થવા પર રાજકોટ કનેક્શન ખુલવાની શક્યતા છે.