બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / 'આજે કેમ સામાયક ઉમેરતા જ ગયાં, ભાભી?', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 34

વેવિશાળ / 'આજે કેમ સામાયક ઉમેરતા જ ગયાં, ભાભી?', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 34

ઝવેરચંદ મેઘાણી

Last Updated: 10:00 AM, 11 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

"ભાભી!" સુશીલાના પિતાનો સાદ સંધ્યાના અંધકારમાં ફાટી ગયો. મોટાભાઈનો 'રોકાઈ જાઓ' એવો તાર મળ્યો એટલે એ તેજપુર ટપાલ વાંચવા ગયેલો. ત્યાંથી પાછા સાંજે ચોરવાડ આવીને એણે 'ભાભી ભાભી'ના પોકાર પાડતા ઘર શોધ્યું. ભાભુ તે વખતે ઓરડાના અંધકારમાં એક નાનું આસનિયું પાથરીને બેઠા હતા. એમણે દિયરના બોલ સાભળ્યા, પણ જવાબ દીધો નહી.

"સુશીલા ! સુશીલા !" પિતાએ બેબાકળા બૂમ પાડી : "ભાભુ ક્યાં છે ?"

"સામાયક [૧] કરવા બેઠેલ છે."

"કેટલીક વાર બાકી છે ?"

સુશીલાએ ભાભુની સામે પડેલી કાચની 'ઘડી' અજવાળે લાવીને જોઈ અને પિતાને કહ્યું :

"હમણાં જ બીજી ઘડી બાંધી લાગે છે." એનો અર્થ એ હતો કે હજુ બીજો પોણો કલાક વીતશે.

એ પોણો કલાક વરસ જેવડો વીત્યો છતાય ભાભી ન ઉઠ્યા. એમણે ત્રીજી વાર એ ઘડી (કલાક-શીશી)ની રેતને ઊંઘી વાળી. એમણે શાંતિથી સુશીલને ફક્ત જ બોલ સંભળાવ્યો કે "મેં ત્રીજી ઘડી બાંધી છે."

ત્રણ કલાકની ધર્મશાંતિ પૂરી કરીને સામાયિક છોડી, આસનિયું (કટાસણું) ઉપાડીને ગડી કરી ઊંચે મૂક્યું; માળા, મુહપત્તી અને કલાક શીશી ઠેકાણે મૂક્યા. એ બધું નિહાળતો દિયર, નાના બાળકની જેમ ઊબરમાં જ બેઠો હતો.

"કેમ ભાઈ ?" એમણે દિયરને પૂછ્યું,

"આજે કેમ સામાયક ઉમેરતા જ ગયાં, ભાભી ?"

"તમે સાદ પડ્યા ત્યારે મનની સબૂરી ચળી ગઈ'તી, ભાઈ ! શુ હશે ને શુ નહિ હોય તેના વિચારે ચડી જવાનું'તું. એટલે પછી મનને સમતા શીખવવા બે સમાંકું ઉમેરવી પડી."

આ સાંભળીને દિયરને પોતાની અધીરાઈ ઉપર ભોઠાપણું થયું. ભાભીના ખુલાસામાં એક પણ સીધો શબ્દપ્રહાર નહી હોવા છતાં દિયરે પોતાના અંત:કરણને મૂંગો ઠપકો મળેલો અનુભવ્યો.

આ પણ વાંચો: 'હું પોતે માણસમાં નથી, માટે આ વેવિશાળમાંથી...' ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 3

"તારનો ભરમ સમજાણો છે, ભાભી; મારા મોટાભાઈ પરમ દી આવે છે."

"ભલે આવે."

"ભેળાં વિજયચંદ્રને લાવે છે."

"લાવે ભાઈ, એમાં શુ ?"

"મારા ઉપર કાગળ છે કે સુશીલાના ઘડિયા લગનની તૈયારી રાખવી."

"હં-હં -"

"સુખલાલ આજ મુંબઈથી આવી ગયા."

"ક્યાં ગયા ? રૂપવટી ને ?" ભાભુના કંઠમાં આ સૂરોએ જુદા જ ઝંકાર બોલાવ્યાં.

"હા. મેં કહ્યું છે કે સવારે આંહી સુધી આવી જાય."

"એ તો આવશે જ ને, માડી ! એના ભાંડરડા આંહી છે."

આ પણ વાંચો: 'શરમનો છાંટોય છે નફ્ફટને ! હું આંહીં ઊભી છું તેની પરવા પણ નથી કરતી', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 6

દિયરના શબ્દો પોલા વાંસમાંથી પવન સૂસવે તેવી ધ્રુજારી સાથે નીકળતા હતા. ભોજાઇએ ભલા દિયરના હૃદય-પોલાણમાં એક સરખા બંસીસ્વરો ઊઠે ને ધ્રુજારી શમે તેવા છેદ પાડવા માટે પોતાની શાંતિભરી ભાષાની છૂરી ફેરવતા હતા.

Vtv App Promotion

"આપણે શુ કરીશું, ભાભી ?"

"આપણે એમાં ગભરાવવાનું શુ છે ? તમારા મોટાભાઈએ, તમારે ને મારે, સૌએ કરવાનું છે તો જેમ સુશીલા કહે તેમ જ ને !"

"સુશીલાનું કહ્યું મારા ભાઈ શુ કરવાના હતા ?"

"દીકરી માથે હેત હશે તો કરશે."

"નહી કરે તો ?"

"તો પાછા જાશે."

"આપણને ધમકાવશે તો ?"

"તો ખમી લેશું."

"મુંબઈ ભેગા લઇ જશે તો !"

"ઉપાડીને કોઈ થોડા લઇ જવાનું હતું, ભાઈ !"

"ભાભી, મને બીક લાગે છે."

"હું એ જોઉં છું. ભાઈ ! પણ બીવા જેવું શુ છે ?"

"મારા ભાઈ તોફાન મચાવશે. કયાંક રાજની મદદ લેશે, એવા મારા મનમાં ભણકારા બોલે છે."

"તોય આપણી કઈ જવાબદારી છે ? રાજને જવાબ તો સુશીલાએ દેવાનો છે !"

"સુશીલા કોનાં બાવડાંના બળે જવાબ દેશે ?"

"મારાં ને તમારાં તો નહી જ."

"ત્યારે ?"

"એનો જવાબ આપણને સવારે જડી રહેશે."

"કોની પાસેથી ?"

"સુખલાલ પાસેથી. એ કદાચ અહીં આવે કે ન આવે, માટે એક માણસ મોકલી વેળાસર તેડાવી લ્યો."

"એ શું જવાબ દેશે ?"

આ પણ વાંચો: "ગુનેગાર કોક, ને ગુનો ઓઢી લે વળી બીજું કોક..." ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 16

"એને આપણે એક જ વાત પૂછવી છે, કે ધણી તરીકે પ્રાણ દઈને પણ સુશીલાની રક્ષા કરવા સાટુ તૈયાર છો, બાપા? તને દંડશે, પીટશે, લૂંટશે, દબાવશે, તારા બાપનું ધનોતપનોત કાઢી નાખશે; તે બધુય ભોગવવાની તૈયારી હોય તો હા પાડજે, ને નીકર ના કહી દેજે. એટલે સુશીલાને કોની રક્ષા ગોતવી તેની સૂઝ પડે. પરણવાની તારી બીજી ત્રેવડ અમે જોઈ નથી, અમારે જોવીય નથી; જોવી તો રહે છે ફક્ત આ ત્રેવડ. સુશીલાનો હાથ ઝાલીને ખુવારીને છેલ્લે પાટલે બેસી જવાની ત્રેવડ. બસ, આનો જે જવાબ સુશીલાને જડે, તે ઉપર સુશીલાએ કેડ બાંધવી કે ન બાંધવી."

વધુ વાંચો : 'ના, નહીં ચાલી શકે. બોલ, ઘરમાં રે'વું છે કે નથી રે'વું ?', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 29

અંધારામાં એ ભાભી-દિયર ગુરુ શિષ્ય સમાં લાગતા હતા, ને સાંભળતે સાંભળતે દિયરના મનમાં કલ્પનાભૂતો, ડર અંને સંશયો ભેદાતાં હતાં.

"સુશીલાને કદાપિ તમે ને હું પરણાવી દઈએ, પણ એનો આખો સંસાર ચલાવી દેવા આપણાથી નહી જવાય. સુશીલાનું હૈયું ભલે બીજી બધી વાતે રૂપાવટીવાળાને ઘેરે ઠર્યું, સુખલાલ ભલે બીજા કરતા વધુ ગમ્યો, પણ સુખલાલના હૈયામાં કેટલું હીર છે તેની આપણને હજી પાકી ખબર ક્યાં છે ? પૂછો સુશીલાને. પછી બોલાવો સુખલાલને. આપણું જોર તો એની પીઠ ઢાંકીને ઊભવા માટે છે - છાતી તો એની જ જોરદાર જોવે ને ! આ કાંઈ જેવોતેવો મામલો નથી મચવાનો, વીર મારા ! હું સમજીને, કલ્પીને, છેલ્લી ગાંઠ વાળીને પછી જ મુંબઈથી નીકળી છું."

વધુ વાંચો : "આપનાં પત્નીને આ બધું ગમશે કે કેમ તે..." ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 33

સુશીલા-સુખલાલના લગ્નની આડે પડનારો પોતાનો પતિ કેટકેટલી સમશેરો વીંઝવાનો છે. તેની એક દારુણ કલ્પના આ નારીના નેત્રો સામે ચકચકી રહી હતી. એની વિચારમાળાના મણકા ફરી ફરીને આજે છેલ્લા 'મેર' પર આવ્યા હતા. એની સાદી સાન સાબૂત હતી, સ્થિર હતી ને સીધીદોર હતી. લગ્ન સંબધની યોગ્યાયોગ્યાતાની છેલ્લી ચકાસણીની આ નારીને ગતાગમ હતી. ચાસણીનો તાર ક્યારે આવ્યો કહેવાય તેની એ સ્ત્રી જાતમાહેતગાર હતી. એણે કટોકટ ત્રાજવે પ્રશ્ન મૂક્યો :

'પરણવા માગનારની ખુવાર થઇ જવાની કેટલી તૈયારી છે ? લગ્નનો લાડવો માત્ર પ્રેમના પાણીથી નથી વળતો - જોઈએ છે ખપી જવાની શક્તિનું પાકી તાવણનું ઘી.'

વળતા દિવસે સવારે સુખલાલ ઘોડે ચડીને આવી પહોચ્યો.

'સામાયિક' ના મની જૈનોની ધાર્મિકક્રિયા હોય છે, તેમાં મુકરર કરેલો સમય પૂરો થતા પહેલા ઉઠાતું નથી, તેમ કોઈ સંસાર-કાર્યમાં ભાગ લેવાતો નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati Literature Zaverchand Meghani Vevishal
ઝવેરચંદ મેઘાણી

ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે, એવા શ્રી ઝવેરચંદ મેઘાણીના નામથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે. સૌરાષ્ટ્રના ગામો ખૂંદીને અનેક લોકકથાઓ ઝવેરચંદ મેઘાણીએ આપણા સુધી પહોંચાડી છે. પત્રકાર, અનુવાદક, સાહિત્યકાર અને ઉંચા દરજ્જાના લેખક મેઘાણીએ ગુજરાતી ભાષાને સૌરાષ્ટ્રની રસધાર, જેલ ઓફિસની બારી, માણસાઈના દીવા સહિત સંખ્યાબંધ ઉત્તમ પુસ્તકો આપ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ