Year Ender 2025 : ગુજરાત સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો અને ખાસ કરી વિદ્યાર્થીઓઓ વિદેશમાં અને એમાં પણ અમેરિકામાં ભણવા કે નોકરી માટે જતાં હોય છે. આ તરફ અમેરિકામાં જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈને આવ્યા ત્યારથી લગભગ અમેરિકાના વિઝાને લઈ છાશવારે વિઝાને લઈ અપડેટ સામે આવતી રહી છે. આ બધાની વચ્ચે તમારે એ જાણવું જરૂરી છે કે, આ વર્ષ 2025માં અમેરિકામાં ખાસ કરીને ટ્રમ્પ સરકારમાં શું-શું મોટા ફેરફારો થયા અને ટ્રમ્પના નિર્ણયો વિશે પણ જાણવું જોઈએ.

ચાલુ વર્ષ 2025 હવે અંત તરફ છે અને દુનિયા 2026 માટે તૈયારી કરી રહી છે. પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સ માટે 2025નું વર્ષ ખાસ કરીને વિદેશી વિદ્યાર્થીઓ અને કામદારો માટે ખૂબ જ પડકારજનક રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી સત્તામાં આવ્યા બાદ તેમની સરકારના નિર્ણયોનો સીધો પ્રભાવ ઇમિગ્રેશન નીતિઓ પર પડ્યો. વિશેષ કરીને વિદેશી વિદ્યાર્થીઓ, H-1B વર્કર્સ અને સંશોધકો માટે આ વર્ષ તણાવ અને અનિશ્ચિતતાથી ભરેલું રહ્યું. આજે આપણે આ આર્ટીકલમાં વાંચીશું 2025 દરમિયાન ટ્રમ્પ સરકારના એવા 10 મોટા નિર્ણયો વિશે કે, જેણે લાખો લોકોના સપનાઓને ચકનાચૂર કરી નાખ્યા.
- H-1B વિઝા ફીમાં ભારે વધારો
- અમેરિકાની ટ્રમ્પ સરકારે સપ્ટેમ્બર 2025માં H-1B વિઝાની ફી અચાનક વધારીને $1,00,000 કરી દીધી. આ નિર્ણય પછી ઘણા વિદેશી વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે આ વિઝા મેળવવું લગભગ અશક્ય બની ગયું. ઘણી અમેરિકન કંપનીઓએ પણ ઊંચા ખર્ચને કારણે વિદેશી ટેલેન્ટની ભરતી અટકાવી દીધી.
- વિઝા માટે સોશિયલ મીડિયા તપાસ
- આ તરફ 2025ની શરૂઆતથી વિઝા માટે અરજી કરનાર દરેક વ્યક્તિના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ ફરજિયાત કરી દેવામાં આવી. સરકારનું કહેવું હતું કે, શંકાસ્પદ પોસ્ટ્સ અથવા પ્રવૃત્તિઓ જોવા મળશે તો વિઝા નકારી શકાય. ડિસેમ્બરથી આ નિયમ H-1B અરજદારો માટે પણ લાગુ થયો.
- હજારો વિદ્યાર્થીઓના SEVIS રેકોર્ડ રદ
- આ સાથે માર્ચ મહિનામાં અનેક યુનિવર્સિટીઓએ જણાવ્યું કે,વિદેશી વિદ્યાર્થીઓના SEVIS રેકોર્ડ્સ રદ કરવામાં આવી રહ્યા છે. કેટલાક કેસમાં નાના ટ્રાફિક નિયમ ભંગ માટે પણ વિદ્યાર્થીઓને “રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ” કહીને દેશ છોડવાનો આદેશ અપાયો.
- હાર્વર્ડ યુનિવર્સિટી સાથે ટકરાવ
- આ તરફ જૂન 2025માં ટ્રમ્પ સરકાર અને હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચે મોટો વિવાદ થયો. સરકારે વિદેશી વિદ્યાર્થીઓનો ડેટા માંગ્યો, જે આપવા હાર્વર્ડે ઇનકાર કર્યો. પરિણામે વિદેશી વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ અને સંશોધન ફંડ રોકી દેવામાં આવ્યું. આ જ રીતે અન્ય યુનિવર્સિટીઓ પર પણ દબાણ આવ્યું.
- F-1 અને J-1 વિઝાનો સમયગાળો મર્યાદિત
- ઓગસ્ટમાં સરકારે “ડ્યુરેશન ઓફ સ્ટેટસ” સિસ્ટમ હટાવવાનો પ્રસ્તાવ મૂક્યો. હવે વિદ્યાર્થીઓને અભ્યાસ પૂરું થાય ત્યાં સુધી નહીં પરંતુ ફક્ત 2 અથવા 4 વર્ષ માટે જ રહેવાની મંજૂરી મળે તેવી યોજના આવી. ખાસ કરીને PhD અને રિસર્ચ વિદ્યાર્થીઓ માટે આ મોટો આઘાત રહ્યો છે.
- આંતરરાષ્ટ્રીય વિનિમય કાર્યક્રમો બંધ
- 2025ની શરૂઆતમાં સરકાર દ્વારા ભંડોળ મેળવતા અનેક એક્સચેન્જ પ્રોગ્રામ્સ બંધ કરી દેવામાં આવ્યા. ફુલબ્રાઇટ જેવી પ્રતિષ્ઠિત સ્કોલરશીપ પણ બંધ થતાં હજારો વિદ્યાર્થીઓ અને વિદ્વાનો ભવિષ્યને લઈને અનિશ્ચિતતામાં ફસાઈ ગયા.
- 30થી વધુ દેશો પર મુસાફરી પ્રતિબંધ
- જૂન મહિનામાં 12 દેશો પર સંપૂર્ણ અને 7 દેશો પર આંશિક ટ્રાવેલ બેન લાગુ થયો. બાદમાં આ યાદી વધીને 30થી વધુ દેશો સુધી પહોંચી. આ દેશોના નાગરિકો માટે અમેરિકા જઈ અભ્યાસ કે નોકરી કરવી લગભગ અશક્ય બની ગઈ.
- પગારના આધારે H-1B વિઝા આપવાનો પ્રસ્તાવ
- સરકારે લોટરી સિસ્ટમ બંધ કરીને વધુ પગાર ધરાવનારને પહેલા H-1B વિઝા આપવા સૂચન કર્યું. આ નિર્ણયથી નવા ગ્રેજ્યુએટ્સ અને એન્ટ્રી-લેવલ જોબ શોધતા વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી વધી ગઈ.
- જન્મજાત નાગરિકતા પર રોક
- ટ્રમ્પ સરકારે જાહેરાત કરી કે ગેર-નાગરિક માતા-પિતાને જન્મેલા બાળકોને આપમેળે નાગરિકતા નહીં મળે. આ નિર્ણય H-1B અને L-1 વિઝા ધરાવતા પરિવારો માટે મોટો આઘાત હતો. હાલ આ મુદ્દો કોર્ટમાં છે.
- ઓટોમેટિક EAD એક્સટેન્શન બંધ
- ઓક્ટોબરમાં સરકારે EAD (વર્ક પરમિટ) માટે મળતું 540 દિવસનું ઓટોમેટિક એક્સટેન્શન બંધ કરી દીધું. આ કારણે હજારો લોકોની નોકરી જોખમમાં આવી ગઈ અને ઘણા લોકોને કામ છોડવું પડ્યું.

આ પણ વાંચો : હવેથી ‘સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ’ વિના નહીં મળે અમેરિકાના વિઝા, આજથી જ નિયમ લાગુ
આમ જો ઉપરોક્ત તમામ મુદ્દાઓને સરળ ભાષામાં સમજીએ તો 2025નું વર્ષ અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ અને કામદારો માટે ક્યારેય ન ભૂલાય એવું રહ્યું. ટ્રમ્પ સરકારના આ નિર્ણયો માત્ર કાયદાકીય નહીં પરંતુ માનવીય જીવન પર પણ ઊંડી અસર છોડી ગયા.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ